આજે રાષ્ટ્રીય ગ્રાહક દિન
અબતક, રાજકોટ
આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. દર વર્ષે આ દિવસની ઉજવણી ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકના અધિકારોનું રક્ષણ કરવા તેમજ લોકજાગૃતિ માટે કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 અને સુધારેલા ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 નો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ જેવા કે ખામીયુક્ત માલ, અસંતોષકારક સેવાઓ અને અયોગ્ય વેપાર પ્રથાઓ સામે અસરકારક સુરક્ષા પ્રદાન કરવાનો છે.
ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ ગ્રાહક વિવાદોના ઝડપી અને વ્યાજબી સમાધાન માટે સમગ્ર ભારતમાં ગ્રાહક ફોરમ અને એપેલેટ કોર્ટનું વિશાળ નેટવર્ક સ્થાપવામાં આવ્યું હતું. ગ્રાહક સુરક્ષા અને તેમના હિતોની સલામતી માટે સરકાર દ્વારા લેવામાં આવતી સતત કાળજીના કારણે ગ્રાહકો મોટા પ્રમાણમાં સશક્ત બન્યા છે.
ગ્રાહકોના અધિકારોનું રક્ષણ એ કઠિન કાર્ય છે. છતાં રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેકવિધ અભિયાનો દ્વારા ગ્રાહકહિતોની જાળવણી કરી છે. ઉપરાંત સુધારેલા ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019થી ગ્રાહક કાયદાને વધુ મજબૂત કર્યો છે. એક તરફ દરેક મહાન સેલ્સમેન કે બિઝનેસમેન માને છે કે ખુશ ગ્રાહકથી મોટી કોઈ સંપત્તિ નથી અને બીજી તરફ લગભગ દરેક સેલ્સમેન પોતાનો નફો મેળવવા માટે ગ્રાહકના અધિકારનો દુરૂપયોગ કરે છે.
વધુમાં ઘણીવાર અખબારોમાં અને સોશ્યલ મીડિયામાં પ્રતિદિન ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના સામાચાર જોવા મળે છે. ગ્રાહકોમાં જોવા મળતી જાગૃત્તિ તેમજ ગ્રાહક અધિકારો વિષેની જાણકારીનો અભાવ પણ આ માટે જવાબદાર છે. એટલા માટે જ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનનું મહત્વ વધી જાય છે. જેથી ગ્રાહકોના અધિકારોનું સન્માન થાય અને જાગૃતતા વધે એ મુખ્ય ઉદ્દેશ છે.
ગ્રાહકોની સલામતી અને સવલતો માટે ગ્રાહકોને કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગીનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર વિગેરે અધિકારો આપવામાં આવેલ છે.
આ સાથે ગ્રાહકોએ કેટલીક ફરજો પણ બજાવવાની હોય છે. કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતાં પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસી લેવાં જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશાં બજારમાંથી બી.એસ.આઈ., આઇ.એસ.આઈ. કે એગમાર્કના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત ઇલેકટ્રોનિકસ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ.
ઉપરાંત દરેક ચીજ વસ્તુઓ ખરીદતી વખતે ગ્રાહકે હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ ગ્રાહકે પોતાના વર્તન-વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યકિત છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ.