ગ્રાહક સુરક્ષા કાયદા વિશે માર્ગદર્શન નાટક,નિબંધ-ચિત્ર સ્પર્ધા યોજાઈ
દીવમાં કલેક્ટર સલોની રાયના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ગ્રાહક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દીવ જિલ્લાના મામલતદાર સી.ડી. વાજાના નેતૃત્વ હેઠળ યોજાયેલ. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર હરમિન્દરસિંઘ અને મુખ્ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.દીવ પાલિકા પ્રમુખ હિતેશભાઈ સોલંકી, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શશીકાંત માવજી સોલંકી, દીવની તમામ સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને દીવ કોલેજના શિક્ષકો તેમજ દીવ બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોગ્રામમાં, ગ્રાહક સુરક્ષા કાયદા, ૧૯૮૬ વિશેની માહિતી વિડિઓ દ્વારા આપવામાં આવી હતી. તેમજ દીવ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા “જાગો ગ્રહક જાગો” વિષય પર ટૂંકું નાટક રજૂ કરાયું હતું. આ ઉપરાંત રાષ્ટ્રીય ગ્રાહક દિનની થીમ પર આયોજિત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં સફળ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ વિતરણ કરાયા હતા. અંતે, દીવના મુખ્ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારીએ ઉપસ્થિત લોકોને કસ્ટમર પ્રોટેક્શન એક્ટ, ૧૯૮૬ વિશે માહિતી આપી. આ વિષય પર માહિતી પ્રાપ્ત કરતી વખતે મોટી સંખ્યામાં લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન જિલ્લા બાળ સુરક્ષા એકમના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રેય ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નાગરિક પુરવઠા વિભાગના નિલેશ ગોસ્વામી, મ્યુનિસિપલ કાઉન્સિલના કર્મચારીઓ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓનું યોગદાન પ્રશંસનીય હતું.