એક વર્ષ આદેશને યોજના હેઠળ સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરી
છેવાડાના વિસ્તારોના મધ્યમવર્ગીય પરિવારના અને ગંભીર બીમારી ધરાવતા બાળકોના આરોગ્યની ખેવના રાજયસરકાર દ્વારા ખૂબ સારી રીતે રાખવામાં આવે છે , તે આદેશ મુરીયાનાના કિસ્સામાં ચરિતાર્થ થયું છે .
ઉપલેટા તાલુકાના ખારચીયા ગામનાં રહેવાસી આદેશ મુરીયાના કે જેની ઉંમર માત્ર 1 વર્ષની છે , તેની તબિયત બગડી ત્યારે પરિવાર આખો હોસ્પિટલે દોડી ગયો . પરંતુ બાળકમાં જોવા મળતા લક્ષણો અસામાન્ય જણાની સ્થાનિક ડોકટરે બાળકની તપાસ જુનાગઢ હોસ્પિટલ ખાતે કરાવવાનું જણાવ્યું . ત્યાં 4ઉ તપાસ દરમિયાન હૃદય ડાબી બાજુએ ન હોવાની અને હૃદયમાં કાણું હોવાની જાણ થતા આદેશની માતા લીલાબેન અને કારખાનામાં કામ કરતાં પિતા જગદીશભાઈની માથે તો આભ તુટી પડયું .
આ સંજોગોમાં તેમનાં પુત્રનાં સ્વાસ્થ્ય અંગેનું માર્ગદર્શન આપતી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે નાણાકીય અને માનસિક બન્ને રીતે તેમને મજબૂત બનાવ્યા , અને જરૂર જણાતા આદેશનું ઓપરેશન કરાવવા પણ રાજી કર્યા , જેના પરિણામ સ્વરૂપ હાલ આદેશ તેના પરિવારજનો સાથે હસતો કુદતો રમી રહ્યો છે . ડો . હીરેન ટાંક અને અમદાવાદની યુ . એન મહેતા હોસ્પિટલના સ્ટાફએ પણ પૂર્ણ સહયોગ આપ્યો હતો . જાણે કે આદેશ તેમનો જ પુત્ર હોય તે રીતે તેમની સંભાળ રાખી હતી . જેના કારણે આદેશ તેના પરિવાર માટે આનંદનું કારણ બની રહ્યો છે . સરકારશ્રીની આર.બી એસ.કે. યોજના દ્વારા આદેશનું જીવન બચાવવા યોગ્ય સમયે મળેલી સારવાર બદલ તેના પરિવારે સરકારનો આભાર માન્યો હતો .
આદેશના પરિવારના સભ્ય મનિષાબહેન જણાવે છે કે , તેમને પણ પોતાના 1 વર્ષના પુત્ર માટે એક પણ નાણીનો ખર્ચ કરવો પડ્યો નથી . ઉપરથી આર.બી એસ.કે. ની ટીમ દ્વારા હોસ્પિટલથી ઘર સુધી આવવા જવા માટેના 700 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા .
સામાન્ય રીતે મધ્યમ વર્ગના પરિવાર માટે બહોળા પ્રમાણમાં થતાં ઓપરેશનનાં ખર્ચ ભોગવવો ખૂબ જ મુશ્કેલ બને છે . એવા સંજોગોમાં બાળકના આરોગ્ય ઉપર જીવલેણ અસર પણ થતી જોવા મળતી હોય છે . આવા વાલીઓની મદદ સરકાર દ્વારા આર.બી એસ.કે. યોજના અન્વયે કરવામાં આવે છે . આર.બી.એસ.કે. ની ટીમના સભ્ય ડો . ભાવેશ રૈયાણી જણાવે છે કે , આ યોજનાનો લાભ 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોને આપવામાં આવે છે .
6 વર્ષ સુધીના બાળકોની તપાસ આર.બી એસ.કે ની ટીમ દ્વારા આંગણવાડીમાં વર્ષમાં બે વખત કરવામાં આવે છે . જયારે 6 થી 18 વર્ષ સુધીના બાળકોની તપાસ શાળાએ જઈને કરવામાં આવે છે . જે બાળકો શાળાએ જતાં ન હોય તેમની ઘરે જઈને પણ તપાસ કરવામાં આવે છે . આ યોજના હેઠળ વાલીને પરિવહન માટેનો ખર્ચ પણ ચૂકવવામાં આવતો હોય છે , જે લાભાર્થીને ઓપરેશન કરાવવાની જરૂર ન હોય તેમને ઘરે જઈને સારવાર કરી નિ : શુલ્ક દવા આપવામાં આવતી હોય છે .
રાજ્ય સરકારે અમલમાં મૂકેલી આ યોજનાથી બાળકોના મૃત્યુ દરમાં ઘણી મોટી સંખ્યામાં ઘટાડો થયો છે . બાળકોના સર્વાંગી વિકાસ માટે આર.બી.એસ.કે ની ટીમ ગામડાથી લઈને જિલ્લા સુધી કાર્યરત છે .