આપણા શરીરમાં કિડની સૌથી મહત્વપૂર્ણ અવયવો પૈકી એક છે. જે આપણા શરીરમાં ચાળણીની જેમ કામ કરે છે. શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી લોહીનું શુધ્ધિકરણ કરે છે. વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે એટલે કે વર્ષ 2025માં તા. 13 માર્ચે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં કિડનીના રોગો, તેના કારણો, તેનાથી બચાવ અને કિડનીના રોગોથી થતી અન્ય સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ વર્ષે “Are Your Kidneys OK? Detect Early, Protect Kidney Health” થીમ સાથે આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પુખ્તવયના લોકોમાં તો કિડનીની બિમારીનું પ્રમાણ જોવા મળે છે પરંતુ શાળામાં ભણતા બાળકોમાં પણ કિડનીની બિમારી જોવા મળી છે.
છેલ્લા પાંચ વર્ષમાં 102 બાળકોએ સરકારના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની સેવાનો લાભ લઈ હાલમાં સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. સરકારની આરબીએસકે યોજના કિડની સહિતની બિમારીઓથી પિડાતા બાળકો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. કિડની આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા, બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા અને શરીરમાં એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશનની સંયુક્ત પહેલ દ્વારા વર્ષ ૨૦૦૬માં પ્રથમવાર 66 દેશોમાં આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. આ એક વૈશ્વિક આરોગ્ય જાગૃતિ અભિયાન છે જે કિડનીના મહત્વ પર ધ્યાન આપે છે.
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના વલસાડ જિલ્લાના નોડલ અધિકારી ડો. આશિષ પ્રજાપતિ કિડનીના રોગોના મુખ્ય લક્ષણો અંગે જણાવે છે કે, ઉલટી ઉબકા થાય, આંખ પર સવારે સોજો આવે, ભૂખ ઓછી લાગે, નાની ઉંમરે લોહીનું ઊંચુ દબાણ રહેતું હોય, નબળાઈ આવે, પેશાબ ઓછો આવે, પેશાબમાં બળતરા થાય, પેશાબ કરવામાં તકલીફ થાય વગેરે લક્ષણો છે. એવુ નથી કે પુખ્ત વયના લોકોમાં જ કિડનીના રોગ થાય છે. સ્કૂલમાં ભણતા બાળકોમાં પણ હવે કિડનીના રોગ જોવા મળી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. જેના પાછળનું કારણ જંકફૂડ અને પેકેટ ફૂડ છે. જેમાં વધુ પડતા પ્રમાણમાં સોડિયમ (સોલ્ટ)નું પ્રમાણ જોવા મળે છે. વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 2020 થી 2024માં 41 નવા કેસ અને 61 ફોલોઅપ કેસ જોવા મળ્યા છે.
જ્યારે 11 બાળકોના કિડનીને લગતા ઓપરેશન કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાએથી સુપર સ્પેશિયાલિટી સારવાર માટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. શરૂઆતમાં વલસાડ સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદમાં ઈન્સ્ટીયુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે ફ્રીમાં ઓપરેશન કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન પાછળ રૂ. 3.50 લાખથી રૂ. 4 લાખ સુધીનો ખર્ચ થઈ જાય છે સરકારના આરબીએસકે પ્રોગામ દ્વારા નિઃશુલ્ક થાય છે.
બોક્ષ મેટર કિડની ફેલ્યોર થવાના આ કારણો જાણવા જરૂરી કિડની ફેઈલ્યોર થવાના કારણ અંગે ડો. આશિષ પ્રજાપતિ વધુમાં જણાવે છે કે, કુંટુંબમાં વારસાગત કિડનીના રોગ હોઈ, ડાયાબિટીસની બિમારી હોય, લોહીનું ઉંચુ દબાણ રહેતુ હોય, વજન વધારે હોય, થોડુ કામ કરતા થાકી જાય, લોહીમાં ફિક્કાશ, શ્વાસ ચઢવો, દર્દી ઘેનમાં રહેવો, મૂત્રમાર્ગમાં જન્મજાત ખામી હોય અથવા પેઈનકિલરના વધુ પડતા ઉપયોગને કારણે પણ કિડનીને નુકસાન થવાનું જોખમ વધે છે. પ્રારંભિક તબક્કામાં લક્ષણો સામાન્ય રીતે જણાતા નથી, જ્યાં સુધી જાણ થાય ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે. જેથી સમયાંતરે ડોકટર પાસે ચેકઅપ અને સારવાર જરૂરી છે. બોક્ષ મેટર જો તમે કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોય તો આટલી કાળજી રાખવી જરૂરી જો તમે કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો સ્વસ્થ જીવન શૈલી અપનાવવી જરૂરી છે.
જે માટે નિયમિત કસરત, દરરોજ ચાલવું, દોડવું, સાયક્લિંગ જરૂરી છે. હાઈ બ્લડ શુગર કિડનીને અસર કરે છે. ડાયાબિટીસથી પીડિત લોકોમાં કિડનીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. શરીરમાં ગ્લુકોઝ વધે છે, ત્યારે કિડનીને લોહીનું શુધ્ધિકરણ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેથી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખો. હાઈ બ્લડ પ્રેશર કિડનીને નુકસાન પહોંચાડે છે. હંમેશા બ્લડ પ્રેશર ચેક કરતા રહો અને દવાઓ નિયમિત લેતા રહો.કિડનીને હેલ્ધી રાખવા માટે હેલ્ધી ડાયટ પણ જરૂરી છે. કિડની માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિવસમાં ઓછામાં ઓછું ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ. ધૂમ્રપાન ટાળવુ જોઈએ.