મોરના શિકાર અને કમોતના પગલે પ્રજાતિ પર ઝળુંબતો ખતરો: યોગ્ય પગલા નહીં લેવાય તો લુપ્ત થઈ જશે?
રાષ્ટ્રીય પક્ષી મોર શિકાર, ઝેરી અસર સહિતના કારણોસર મોતને ભેટતા હોવાનું વારંવાર પ્રકાશમાં આવ્યું છે. મોરના મોત પાછળ સૌથી વધુ જવાબદાર કારણ શિકારનું છે. મોરની સુંદરતા અને કુદરતની શૃંખલામાં મોરના શ્રેષ્ઠ યોગદાન બદલ મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો સરકાર તરફથી ૧૯૬૩માં અપાયો હતો. ત્યારબાદ મોરના શિકાર અને કમોત બાબતે સરકાર ગંભીર બની હતી. જો કે, છેલ્લા ઘણા સમયથી મોરના મોતના સમાચારથી જીવદયાપ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં મોરની પ્રજાતિ લુપ્તપ્રાય બને તેવી દહેશત પણ સેવવામાં આવી રહી છે.
છેલ્લા ઘણા સમયથી કલાઈમેટ ચેન્જની અસર પણ પશુ-પક્ષીની વસ્તી પર જોવા મળે છે. કલાઈમેટ ચેન્જી પશુ-પક્ષીના ઠેકાણા બદલાયા છે. વસ્તી ઘટી છે, માનવ વસાહતના કારણે કેટલીક પ્રજાતિઓનું નિકંદન નિકળી ગયું છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં તારણ અપાયું હતું કે, ૨૦૭૦ સુધીમાં વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓની અડધો અડધ વસ્તી લુપ્તપ્રાય બનશે. ત્યારે મોરના સતત શિકાર અને કમોતના પગલે દેશનું રાષ્ટ્રીય પક્ષીની હયાતી પણ જોખમમાં મુકાઈ હોવાનું ફલીત થઈ રહ્યું છે.
રાષ્ટ્રીય પક્ષી મોરના રક્ષણ, સરક્ષણ અને સંવર્ધન માટેની ખાસ જોગવાઇ હોવા છતાં દેશમાં વારંવાર બનતી મોરલાઓના મૃત્યુની ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો હોય તેમ રાજસ્થાનના નાગોર જીલ્લામાં જંગલમાં ઓછામા ઓછા ૮૫ મોરના મૃતદેહો મળ્યા હોવાની સોમવારે વન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
સ્થાનીક સુત્રોએ આપેલી વિગતો મુજબ પ્રથમ દ્રશ્ય વ્યકિતએ જણાવ્યું હતું કે અમને નવેક વાગે આ ઘટનાની જાણ થતાં સ્થાનીક પશુ તબીબને બોલાવતાં તાત્કાલીક સારવારને લઇને છ મોરના જીવન બચી ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સવારે નવ વાગે જાહેર થયેલા આ બનાવ અંગે તાત્કાલીક વન વિભાગને જાણ કરી દીધા હોવા છતાં વન અધિકારીએ બે કલાક પછી ઘટના સ્થળે પહોચ્યા હતા.
જો કે વન વિભાગે જણાવ્યું હતું કે અમને બપોર ૧ર વાગે ટેલીફોન આવતા તાત્કાલીક ઘટના સ્થળે જઇને જોયું તો કેટલાક પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા અને કેટલાંક ઘવાયા હતા. ઘવાયેલા પક્ષીઓને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. વન વિભાગે એક સાથે અસંખ્ય મોરના મૃત્યુ કેવી રીતે થયા તેની ખાતાકીય તપાસ હાથ ધરી છે.
રાજાશાહી વખતે પણ મોરના શિકાર સબબ કેદની સજા થતી!
વર્તમાન સમયે મોર દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. મોર શિડયુલ-૧નું ૩ નંબરનું પક્ષી હોવાથી તેને ભારતીય વન સંરક્ષણ ધારા દ્વારા કાયદાકીય રક્ષણ મળેલ છે. મોરને મારવો કે તેને હેરાન કરવાના કિસ્સામાં ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આવી સ્થિતિએ વર્ષો પહેલા રાજાશાહી સમયે કચ્છમાં મોરના શિકાર બદલ મહારાજા પ્રાગમલજી બીજાએ ૩ વર્ષની સખત કેદની સજાની જોગવાઈ કરી હોવાનું પણ જાણવા મળે છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન મોરનું મહત્વ જાણ્યું હતું અને મોરના અસ્તિત્વને ટકાવી રાખવા કાયદાકીય રક્ષણ આપ્યું હતું.