હર ઘર ત્રિરંગા અભિયાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવ્યું છે. આખો દેશ રાષ્ટ્ર ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે. લોકો પોતાના ઘરે ઓફીસ વગેરે સ્થળોએ ત્રિરંગો ફરકાવી રહ્યા છે. દેશમાં અનેક સ્થળોએ મંત્રીઓ દ્વારા આ અભિયાનની શરુઆત કરવામાં આવી રહી છે ત્યારે આ અભિયાનમાં ધાર્મિક યાત્રાધામો પણ જોડાયા છે. પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ ઇતિહાસમાં પ્રથમ વખત મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારત બાર જયોતિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર રાષ્ટ્રની આન બાન અને શાન સમા આ રાષ્ટ્ર મહોત્સવમાં જોડાશે. ત્યારે હવે પાવાગઢ ખાતે પણ આ ઐતિહાસિક નજારો જોવા મળ્યો હતો જ્યાં માઈ ભક્તોએ માતાજીની આરતી બાદ સાથે મળીને રાષ્ટ્રગાન ગાયું હતું.
નિજ મંદિરનું ગર્ભ ગૃહ રાષ્ટ્ર ભક્તિથી ગુંજી ઉઠ્યુ હતું. માતાજીના ગર્ભ ગૃહમાં જ પહેલા આરતી કરાઈ હતી, અને બાદમાં રાષ્ટ્રગાન કરાયુ હતું. નિજ મંદિરમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. ભક્તોમાં પણ રાષ્ટ્રભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ક્ષણે ભારતને વિશ્વગુરુ બનાવવા માઇ ભક્તો દ્વારા પ્રાર્થના કરાઈ હતી.