જ્યારે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ આ સંસારમાં પોતાની માયા સંકેલી ભાલકા ખાતેથી વૈકુંઠ ગમન કર્યું, ત્યારે અભિમન્યુ જેવા ક્ષત્રિની જનની બહેન સુભદ્રાજી દ્વારકામાં જ હતા, જગદીશ્વરના વૈકુંઠ ગમનના સમાચાર સાંભળી સુભદ્રાજી અને બલરામજી એ પણ પોતાના પ્રાણોનો ત્યાગ કરી વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું. આથી ભગવાનનો ભક્ત સમુદાય ઘેરા શોકમાં ગરકાવ થવા લાગ્યો, એવા જ ભગવાનના ભક્ત હતા માળવાનરેશ રાજા ઈન્દ્રદ્યુમ્ન. એમણે ભગવાનના ભક્ત સમુદાયને ઘેરા શોકમાંથી બહાર લાવવા ઘોર તપ કર્યું. અને ભગવાન ને પ્રાર્થના કરી કે..
“સંસાર કેરી માયા મેલી, ભક્તો ને કીધા વામળા;
અજાન અરજી સુણી, પાછો ફરને તું શામળા.”
આથી પ્રસન્ન થઈ ભગવાને ઇન્દ્રદ્યુમ્ન રાજાને દર્શન દીધા અને કીધું કે પુરીના સમુદ્ર કિનારે એક અગરુના વૃક્ષનું દીર્ઘદારૂ (મોટું લાકડું) મળશે, એની મૂર્તિ બનાવરાવજો, દાઉ અને સુભદ્રા સહિત હું સ્વયં એમાં વાસ કરીશ, આમ રાજાએ એમ જ કર્યું. પુરીના સમુદ્ર કિનારે એ ભવ્ય અને દિવ્ય લાકડું મળી આવ્યું. એ લાકડા માંથી મધુર મૂર્તિયું કંડારવા સાક્ષાત વિશ્વકર્મા એક વૃદ્ધ સુથારનું રૂપ લઈ આવ્યા અને શર્ત કરી કે મૂર્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી કલાકક્ષમાં કોઈએ પ્રવેશવું નહીં, પણ મહિનાઓ વિતવા છતાં કલાકક્ષના દ્વાર ન ખુલતા રાજા અધીરા બન્યા અને દ્વાર ખોલી નાખ્યા, આથી મૂર્તિઓ અધૂરી મૂકીને શર્ત મુજબ વિશ્વકર્મા ચાલ્યા ગયા. આથી રાજાને પોતાની અધીરાઈ પર પારાવાર પછતાવો સહ ખૂબ ગ્લાનિ ઉદભવી. આમ નારદજી એ આવીને એ ગ્લાનિ દુર કરીને કહ્યું “હે રાજન ભગવાનને આજ સ્વરૂપે આ ધરતી પર રહેવું છે માટે આ લીલા કરી છે. હવે આપ ગ્લાનિ ત્યજી ભગવાનનો પ્રાસાદ(મંદિર) બનાવો, ” આમ ભગવાન જગન્નાથજીનું સર્વપ્રથમ કાષ્ટનું મંદિર બનાવી રાજા ઈન્દ્રદ્યુમ્નએ એમા આ મૂર્તિઓ સ્થાપિત કરી અને અષાઢી શુક્લની બીજના ભગવાનની નગરયાત્રા (રથયાત્રા) શરૂ કરાવીને આ દિવ્ય અને ભવ્ય પરંપરા શરૂ કરી હતી.
સમયાંતરે કાષ્ટના મંદિરના સ્થાને ઈ.સ. 1174 (બારમી સદી)માં પૂર્વીગંગ(ચેડગંગ) અનંતવર્મને કલિંગશૈલી(ઉડિયાશૈલી) માં સુંદર અને ભવ્ય મંદિર બંધાવ્યું હતું. પરંતુ વર્તમાન સ્વરૂપમાં જે મંદિર છે એનો ગંગ રાજા ભીમદેવે જીર્ણોધ્ધાર કર્યો હતો. અને આ દિવ્ય પરંપરા શરૂ રાખી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અનંતવર્મનના જ વંશજ ગંગવંશી શાસક નરસિંહદેવવર્મને (ઈ.સ. 1253 થી 60)દરમિયાન પ્રસિદ્ધ કોણાર્કનું સૂર્ય મંદિર એજ કલિંગ શૈલીનું બંધાવ્યું હતું, જેના અવશેષોમાં આજે માત્ર જગમોહન (સભા/મુખ્ય મંડપ) જ બચ્યો છે, અર્ધ,મધ્ય અને રંગમંડપ તથા વિમાન સહિત ગર્ભરુહ વિધર્મીઓ દ્વારા નાશ પામ્યા છે. પણ જે બચ્યું છે, એ પણ વિશ્વને અચંભામાં મુકનારું અવકાશવિજ્ઞાન અને ટેકનોલોજી ને પડકારનારું છે.
ગંગ પહેલાના કેશરી શાસક લલાટદેવ કેશરીએ પ્રસિદ્ધ લિંગરાજનું ત્રિભુવનેશ્વમાં મંદિર આજ કલિંગ(ઉડીયા)શૈલીમાં 11મી સદીમાં બંધાવ્યું હતું.
રથ અને રથયાત્રામાંની દિવ્ય પરંપરા :
આ પરંપરા દ્વાપરયુગના અંતિમ ચરણમાં ઈન્દ્રદ્યુમ્ન રાજા એ શરૂ કરી હતી. અને આજ સુધી એનું અકબંધ માહાત્મ્ય છે. અને એ રથયાત્રામાં રથોનું વિશિષ્ટ મહત્વ છે, ત્રણેય રથના નામ અને એની વિશિષ્ટતાઓ અલગ છે, આ રથો સુંદરીના વિશિષ્ટ લાકડામાંથી ત્યાંના સ્થાનિક સુથારો અને ખારવા દ્વારા બનાવવામાં આવે છે.
જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે
એને ગરુડધ્વજ કે કપિલધ્વજ પણ કહેવામાં આવે છે,
ચિત્રમાં દેખાય છે એમ 16 ચક્રપહીડા, 832 લાકડાના ટુકડાથી 13.5 મી. ઉંચો ભવ્ય રથ બનાવવામાં આવે છે. જેના અશ્વો શંખ, બલાહંખ, સુવેતા અને હરીદશ્વ છે, આ રથને લાલ અને પીળાં કપડાથી (હરિને પીતાંબર વહાલું હોઈ)મઢવામાં આવે છે, આ રથના રક્ષક ગરુડજી છે, દારૂક સરથી છે, એના પર જે ધ્વજ ફરકે છે એને ત્રેલોકયમોહિની કહેવાય છે, જે દોરડાથી એને ખેંચવામાં આવે છે એને દોરડું નહીં પણ નાગણી કહે છે, જેનુ નામ શંખાચુડા નાગણી છે, અને નવ દેવતાઓ આ રથના અધિષ્ઠાતા છે. જેમાં વરાહ,ગોવર્ધન, કૃષ્ણા(કૃષ્ણા નામની ગોપી), નરસિંહ, રામ, નારાયણ, ત્રિવિક્રમ, હનુમાન અને રુદ્ર. નો સમાવેશ થાય છે.
બલરામજીના રથનું નામ તાલધ્વજ છે.
જેને લંગલાધ્વજ પણ કહેવાય છે, 14 ચક્રીપહીડા અને 763 લાકડાના ટુકડા માંથી 13.2 મીટરની ઉચ્ચાઈનો ભવ્ય રથ બનાવાય છે, જેના શિખરને લાલ અને લીલા કપડાથી મઢવામાં આવે છે, તેના ઘોડા તિબ્ર, ઘોર, દીર્ઘશર્મા અને સ્વોર્ણનવ છે, આ રથના રક્ષક વાસુદેવ છે, સરથીનું નામ માતાલી છે, ધ્વજ ઉન્નની છે, દોરડું વાસુકીનાગ છે. અને અધિષ્ઠાતા દેવો ગણેશ, કાર્તિક, સર્વમંગલા, પ્રભામ્બરી, હતાયુદ્ધ, મૃત્યુંજય, નતમવર, મુક્તેશ્વર અને શેષદેવ છે.
સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે.
જેને દર્પદલન પણ કહેવામાં આવે છે જેને 12 ચક્ર-પહીડા તથા 593 લાકડાના ટુકડા માંથી 12.9 મીટર ઉચ્ચાઈનો બનાવાય છે, તેના શિખરને લાલ અને કાળા કપડાથી મઢવામાં આવે છે, તેના અશ્વો રોચીકા, મોચીકા, જીતા અને પરાજીતા છે, આ રથના રક્ષક જયદુર્ગા છે, આ રથના સારથીનું નામ અર્જુન છે, ધ્વજનું નામ નાદંબિકા છે, દોરડુંનું નામ સ્વર્ણચુડા નાગણી છે. અને આ રથના અધિષ્ઠાતા દેવીઓ ચંડી,ચામુંડા, ઉગ્રતારા, વનદુર્ગા, શૂલીદુર્ગા, વારાહી, શ્યામકાલી, મંગલા અને વિમલા છે. આમ પુરીની રથયાત્રાની આવી ભવ્ય અને દિવ્ય પરંપરા છે.
અમદાવાદની રથયાત્રા સંક્ષિપ્તમાં:
સોલંકીવંશના યશસ્વી મહારાજાધિરાજ કર્ણદેવે સાબરમતિ નદીના કિનારે કર્ણાવતી નગરી સ્થાપના કરી વસાવી, એ નગરીનો વિધાર્મીઓએ ધ્વંસ કર્યો અને અહમદાબાદ(અમદાવાદ) નામ આપ્યું એ નગરીમાં એક દિવ્ય સાધુના ચરણ પડ્યા જેનુનામ હતું હનુમંતદાસજી, એમણે ત્યાં તપ અને ગૌ,માનવ સેવાની ધૂણી ધખાવી. એજ પરંપરાને એમના શિષ્ય મહંત સારંગદાસજીએ આગળ ધપાવી, એ સારંગદાસજીના શિષ્ય મહંત નરસિંહદાસજી અને બાલમુકુંદદાસજી એ આ પવિત્ર જગ્યાનો ખૂબ વિકાસ કર્યો અને ત્યાં પુરીના જગન્નાથજીના મંદિર સમાન ભવ્ય મંદિર બનાવવા સંકલ્પ કર્યો ને બનાવ્યું. એમાં પુરીના જગન્નાથજીની મૂર્તિ જેવી જ ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની મૂર્તિઓ સ્થાપિત કરી. ઈ.સ. 1878 માં પ્રથમ રથયાત્રા કર્ણાવતી નગરીમાં શરૂ કરી અને ભરૂચના ખલાસીઓ એ રથ આપી કાયમ માટે એ પરંપરા સ્થાપિત કરી. નરસિંહદાસજી બાદ સેવાદાસજી, રામહર્ષદાસજી, અને ઇ.સ. 2000માં રામેશ્વરદાસજી મહંત બન્યા અને મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કર્યો, અને પુરીના જગન્નાથજીની પરંપરા સમાન જ એજ નામથી રથોમાં ભગવાન ભાઈ બહેન સહિત નગરચાર્ય કરવા નીકળે છે, એવી જ પહિંદ વિધિ થાય છે.
આમ આ નગરમાં અને સમગ્ર ગુજરાતમાં રથયાત્રા એટલે એક દિવાળી જેવું પર્વ, લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે, પુરીમાં રાજા સોનાના સાવરણાથી જગન્નાથજીની યાત્રાના પથને સાફ કરીને રથ ખેંચી યાત્રા પ્રારંભ કરાવે છે. સમગ્ર માર્ગમાં ખારવા આ રથને ખેંચે છે. ગુજરાતમાં રાજાશાહી સમયે સાણંદ ઠાકોર સાહેબ આ જવાબદારી નિભાવતા એવું સાંભળ્યું હતું. અને આ જવાબદારી ઘણા વર્ષો નિભાવી હાલ મુખ્યમંત્રીશ્રી આ જવાબદારી નિભાવે છે. આજે આ2021ના વર્ષે 144મી રથયાત્રા કોમી એકતાના ઉત્તમ ઉદાહરણ સાથે શાંતિમય કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા નીકળી રહી છે