નાથ વિના કોંગ્રેસ “રાંક બની જશે ?
મને કોઈ મહત્વકાંક્ષા નથી, કોઈ હોદ્દાની લાલચ નથી, મેં ઘણું મેળવી લીધું છે, ઘરે આરામ કરવા તૈયાર છું: કમલનાથનું નિવેદન
કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેતો આપ્યા છે. કોંગ્રેસ માટે અનેક રાજકીય સમીકરણોમાં હુકમનું પાનું નિવડેલા કમલનાથે પોતાને કોઈપણ પોસ્ટ માટે મહત્વકાંક્ષા ન હોવાનું અને ઘરે આરામ માટે તૈયાર હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેઓ રાજકારણમાંથી સંન્યાસ લે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
તાજેતરમાં છીનદ્વારા ખાતે યોજાયેલી એક રેલી દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું આરામ લેવા તૈયાર છું, મારે કોઈ મહત્વકાંક્ષા નથી, કોઈ પણ હોદ્દાની લાલચ નથી, મેં ઘણું મેળવી લીધું છે, હું ઘરે રહેવા તૈયાર છું. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સંન્યાસ માટેના સંકેતો આપતા ભવિષ્યમાં કોંગ્રેસને તેમને મોટી ખોટ સાલે તેવી શકયતા છે. કમલનાથ વગર કોંગ્રેસ રાંક બની જાય તેવું પણ રાષ્ટ્રીય નિષ્ણાંતોનું માનવું છે.
થોડા દિવસો પહેલા કોંગ્રેસે દિગ્ગજ નેતા અહેમદ પટેલને ગુમાવ્યા હતા. હવે કમલનાથ પણ રાજકારણમાંથી સંન્યાસ લઈ લે તો કોંગ્રેસ માટે પડ્યા પર પાટુ સમાન સ્થિતિ ઉભી થાય. કોંગ્રેસના જૂના-વફાદાર નેતાઓ દૂર થઈ રહ્યાં હોવાનો ભાસ ઉભો થયો છે. ત્યારે હવે કમલનાથના રાજકારણમાંથી સંન્યાસના સંકેતો કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબીત કરશે.
ગત મહિને થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે કરેલા નબળા પ્રદર્શન બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ હતી. પેટા ચૂંટણીમાં કુલ ૨૮ બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર ૯ બેઠક જીતવામાં જ સફળ રહી હતી. જ્યારે ભારતીય જનતા પક્ષે ૧૯ બેઠકો કબજે કરી હતી. માર્ચ મહિનામાં કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જે તમામ ધારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધીયાના વફાદાર હતા.
ત્યારબાદ કમલનાથ સરકાર પડી ભાંગી હતી અને ભારતીય જનતા પક્ષની સરકાર આવી હતી. સિંધીયા અને તેના વફાદારોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને શિવરાજસિંગ ચૌહાણની સરકારમાં મહત્વના મંત્રી પદ મેળવ્યા હતા.