ઑગસ્ટ -2209 માં ચંદ્ર યાને એસરો સાથે છેલ્લો સંપક કર્યો હતો
ચંદ્ર પર પાણીની હાજરીના નક્કર પુરાવા આપનારું ચંદ્રયાન નિષ્ક્રિય છે, વર્ષો સુધી પરિભ્રમણ કરતું રહેશે : સપાટીથી ૨૦૦ કિલોમીટર ઊંચે ઘૂમી રહ્યું છે
વોશિંગ્ટન, તા.૧૦ બુધવાર, માર્ચ 2017
નાસાના વિજ્ઞાાનીઓએ ચંદ્ર ફરતે ભ્રમણ કરી રહેલું ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-૧ શોધી કાઢ્યુ છે. ૨૦૦૮માં ભારતે ચંદ્ર પર રવાના કરેલા ચંદ્રયાન-૧ સાથે ઈસરોનો છેલ્લો સંપર્ક ઓગસ્ટ-૨૦૦૯માં થયો હતો. ૨૨ ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે લોન્ચ થયેલા ચંદ્રયાને મૂળભૂત રીતે ૨ વર્ષ સુધી કામ કરવાનું હતં. પરંતુ ૩૧૨ દિવસ પછી અચાનક ઓગસ્ટ-૨૦૦૯માં તેનો સંપર્ક તૂટી ગયો હતો. એ પછીથી ક્યારેય તેનો સપંર્ક થઈ શક્યો નથી. તેની સંપર્ક પ્રણાલી આજે પણ કામ કરતી નથી. નાસાએ રેડાર દ્વારા તેની હાજરી પારખી છે.
નાસાની જેટ પ્રપલ્શન લેબોરેટરી (જેપીએલ) દ્વારા તૈયાર કરવામાં આવેલા ઈન્ટર પ્લાનેટરી રડારનું ટેસ્ટિંગ કરવા માટે ચંદ્રયાન તથા નાસાનું ચંદ્ર મિશન લુનાર રિકોનિસન્સ ઓર્બિટર (એલઆરઓ) એમ બે યાનો શોધી કાઢવામાં આવ્યા હતા. નાસાના વિજ્ઞાાનીઓએ એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર (ઈન્ટર પ્લાનેટરી) મોકલી શકાય એવી રેડાર સિસ્ટમ વિકસાવી છે. ભવિષ્યના અવકાશ મિશનો માટે મહત્ત્વની આ રેડાર સિસ્ટમની કામગીરી તપાસવા માટે ચંદ્ર પર નિષ્ક્રિય રહેલા બે યાનો શોધી કાઢવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ.
જેપીએલના રડાર વિજ્ઞાાની મારીના બ્રાઝોવિકે કહ્યુ હતુ કે રડાર દ્વારા બીજા ગ્રહ પર કોઈ પદાર્શ શોધવાનું કામ અત્યંત મુશ્કેલ છે. એમાં પણ એલઆરઓ તો હજુ થોડુ મોટું છે, પરતુ ચંદ્રયાનનું કદ ઘણુ નાનુ હોવાથી એ શોધવુ મુશ્કેલ થઈ પડયુ હતુ. આ યાન શોધવા માટે પૃથ્વી પરથી રેડાર કિરણો વહેતા કરવામાં આવ્યા હતા. એ કિરણોના રસ્તામાં જે કંઈ પદાર્થો આવે તેની વિગતો જેપીએલને મળતી હતી. એમાં જ ચંદ્રયાન-૧ની હાજરી પણ નોંધાઈ હતી.
હાલ ચંદ્રયાન ચંદ્રની સપાટીથી ૨૦૦ કિલોમીટર ઊંચે ઘૂમી રહ્યું છે અને દર ૨ કલાક, ૮ મિનીટે ચંદ્રની એક પરિક્રમા પુરી કરે છે. ચંદ્રયાન અધુરા સમયે અટકી પડયુ હોવા છતાં તેની ગણતરી સફળ મિશનમાં થાય છે. કેમ કે ચંદ્રયાન પહેલુ એવુ મિશન છે, જેણે ચંદ્ર પણ પાણી છે જ એવા નક્કર પૂરાવાઓ રજૂ કર્યા હતા. અમેરિકા ચંદ્ર પર અનેક અવકાશાયાત્રીઓ મોકલવા છતાં અને અન્ય દેશોએ ચંદ્ર પર ઢગલાબંધ મિશનો મોકલ્યા હોવા છતાં પાણીની હાજરી અંગે ચંદ્રયાન જેવી વિગતો કોઈ આપી શક્યા ન હતા.
અન્ય કોઈ પણ યાનની માફક નિષ્ક્રિય ચંદ્રયાન સેંકડો વર્ષો સુધી ચંદ્રની કક્ષામાં ફરતું રહેશે. તેની સાથે સંપર્ક થઈ નહી શકે એ રીતે તેના કોઈ યંત્રો પણ કામ નહી કરે. પરંતુ ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે એ સતત ફરતું રહેશે અને ધીમે ધીમે નીચે આવતુ જશે. એક સમયે એ ચંદ્ર પર તૂટી પડશે, પરંતુ એમ થતાં સેંકડો વર્ષનો સમય પસાર થઈ જશે.