નાસાએ બ્રહ્માંડમાં એક નવા સૌરમંડળની શોધ કરવામાં આવી છે જેમાં કુલ 8 ગ્રહો છે. આ સૂર્યમાળા આપણી સૂર્યમાળા જેવડી જ છે. આ સૂર્યમાળા આપણી સૂર્યમાળાની બહાર શોધાયેલી સૂર્યમાળામાં સૌથી મોટી છે.
આ સૂર્યમાળાને કેપલર-90 નામ આપેલ છે. આ સૂર્યમાળા અત્યારે કુલ 8 ગ્રહો ધરાવે છે અને છેલ્લા શોધાયેલા ગ્રહને કેપલર-90i નામ આપેલ છે. આ શોધમાં ગૂગલે ઘણી મદદ કરી છે. ગૂગલના સૉફ્ટવેર એંજિનિયર ક્રિસ્ટોફર શૈલુએ જણાવ્યુ હતું કે, આપણી સૂર્યમાળાની જેમજ આ આઠ ગ્રહો કેપલર-90ની આસપાસ પરિભ્રમણ કરે છે.
આ ગ્રહ શોધવા માટે ગૂગલના એંજિનિયરોએ કૃત્રિમ બુદ્ધિમતા ધરાવતા મશીનોની મદદ લીધી હતી. આ મશીનો નવા ગ્રહો અને તારાઓ શોધવામાં મદદ કરે છે. આ ઉપરાંત નાસાએ તરતા મૂકેલા સ્પેસ ટેલિસ્કોપ કેપલરે પણ આ શોધમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સૂર્યમાળાનો પ્રમુખ ગ્રહ પૃથ્વીથી ૨૪૦૦ પ્રકાશવર્ષથી પણ વધારે દૂર છે.
આ સૂર્યમાળાની ખાસિયત એ છે કે તેની રચના પણ આપણી સૂર્યમાળા જેવી જ છે. મતલબ કે અંદરની તરફ નાના ગ્રહ અને બહારની તરફ મોટા ગ્રહ છે. ટૂંકમાં કહી શકાય કે આ સૂર્યમાળા આપણી સૂર્યમાળાનું નાનું સ્વરૂપ છે. અહી ગ્રહો પણ આપણી સૂર્યમાળાની જેમજ મુખ્ય તારાથી ચોક્કસ અંતરે ગોઠવાયેલા છે. અહી મળેલો છેલ્લો ગ્રહ તેના મુખ્ય તારાથી એટલો જ દૂર છે જેટલો પૃથ્વી સૂર્યથી. આ કેપલર-90i નામનો ગ્રહ તેના મુખ્ય તારાનું પરિભ્રમણ પૃથ્વીના હિસાબે 14.4 દિવસમાં પૂરું કરે છે. આ ગ્રહનું તાપમાન અંદાજે ૪૨૫ ડિગ્રી છે.
આ ઉપરાંત, એક કેપલર-80g નામના ગ્રહની શોધ પણ કરી છે. જો કે આ ગ્રહ બીજા તારાની પરિક્રમા કરે છે. કેપલર દ્વારા આવા અનેક ગ્રહો અને તારાઓની શોધ શક્ય બની છે. ઉલ્લેખનીય છે કે માનવજાતે છેલ્લા દસકમાં લગભગ ૩૫૦૦ નવા ગ્રહોની શોધ કરી છે.