‘અબતક’માં પ્રસિધ્ધ કરાયેલા અહેવાલને પગલે વીજ તંત્ર મોડુ-મોડુ જાગ્યું: ૧૫ કર્મચારીઓનો ટેકનીકલ સ્ટાફ અને બિલીંગ વિભાગમાં
બેસતો ૧૫ કર્મચારીઓનો સ્ટાફ જંગલેશ્વર વિસ્તારના સંપર્કમાં આવ્યો હતો, વીજ તંત્રએ તેઓના ચેકઅપની કોઈ દરકાર લીધી ન હતી
જંગલેશ્વરમાં ગયેલા મિડીયા કર્મીઓ અને પોલીસ કર્મીઓના સીધા કોરોના ટેસ્ટ થઈ શકે તો વીજ કર્મીઓના સીધા કોરોના ટેસ્ટ કેમ નહીં: કર્મચારીઓમાં ગણગણાટ
જંગલેશ્વર વિસ્તારના સંપર્કમાં રહેલા ૩૦ જેટલા વીજ કર્મીઓના હેલ્થ ચેકઅપનું પીજીવીસીએલ તંત્ર દ્વારા આજે નર્યું નાટક કરવામાં આવ્યું હતું. જો કે, જંગલેશ્વર વિસ્તારમાં ગયેલા મીડિયા કર્મી અને પોલીસ કર્મીના સીધા જ કોરોના ટેસ્ટ થયા હતા. પરંતુ વીજ કર્મચારીઓના સીધા ટેસ્ટ કરવામાં કેમ નથી આવતા તેઓ ગણગણાટ કર્મચારીઓમાં ઉઠ્યો છે. જો કે, કર્મચારીઓની માંગણીને ધ્યાને લઈને ‘અબતક’ દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરાયો હતો. જેને પગલે પીજીવીસીએલએ ચેકઅપ કેમ્પ તો ગોઠવ્યો પરંતુ તેમાં માત્ર નર્યું નાટક જ કર્યું હતું. લોકડાઉનમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવા વીજ કર્મચારીઓ સતત ફિલ્ડ ઉપર તેમજ કચેરીઓમાં ફરજ બજાવી રહ્યાં છે. આ વીજ કર્મચારીઓના આરોગ્યની દેખરેખ રાખવી તે પીજીવીસીએલ તંત્રની ફરજ બને છે પરંતુ આ ફરજ પીજીવીસીએલ તંત્ર ચૂકયું હોય ‘અબતક’ દ્વારા ગત તા.૩૦ એપ્રીલના રોજ ખાસ અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.
જેમાં પીજીવીસીએલની લાપરવાહી બહાર લાવવામાં આવી હતી. જો કે, આ અહેવાલને પગલે પીજીવીસીએલ તંત્રએ સભાન બનીને હેલ્થ ચેકઅપ તો યોજ્યો પરંતુ તેમાં નર્યું નાટક કર્યું હોવાનું ધ્યાને આવ્યું છે. જેમાં આજરોજ કોઠારીયા સબ ડિવિજન ખાતે વીજ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જંગલેશ્ર્વરમાં જનાર ૧૫ જેટલા ટેકનીકલ સ્ટાફ અને ૧૫ જેટલા બિલીંગ સ્ટાફની પ્રાથમિક આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જો કે, અગાઉ જંગલેશ્ર્વર વિસ્તારના જે મીડિયા કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ સંપર્કમાં આવ્યા હતા. તેઓનું તુર્ત જ સીધા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ જે વીજ કર્મચારીઓ પોતાની ફરજના ભાગરૂપે જંગલેશ્ર્વર વિસ્તારના સંપર્કમાં આવ્યા છે તેઓનું હેલ્થ ચેકઅપ કરવામાં પણ પીજીવીસીએલ તંત્રએ ઘણો સમય કાઢી નાખ્યો હતો અને અંતે હેલ્થ ચેકઅપનું નર્યું નાટક કરાયું છે. ત્યારે હવે આ કર્મચારીઓના સીધા કોરાના ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
વીજ કર્મીઓ કોઈના સંપર્કમાં આવ્યા ન હતા માટે પ્રાથમિક આરોગ્ય તપાસ કરાઈ: જે.જે. ગાંધી
પીજીવીસીએલના મુખ્ય ઈજનેર જે.જે. ગાંધીને આ અંગે પુછતા તેઓએ જણાવ્યું કે, જેટલા વીજ કર્મચારીઓ પોતાની ફરજ અર્થે જંગલેશ્વર વિસ્તારમાં ગયા છે ત્યાં તે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા નથી. તેઓ માત્ર પોતાનું કામ કરીને જ નિકળી ગયા છે. માટે આ વીજ કર્મચારીઓનું પ્રાયમરી હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. જો તેમાં કોઈ કર્મચારીઓને શંકાસ્પદ લક્ષણો દેખાયા હોત તો તેઓના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ પણ કરવાની તૈયારી હતી.