રામકથાના પાંચમાં દિવસે બાપુએ સીતા સ્વયં જગદંબા અને ગીરનાર પર્વતની વિશેષતાનું વર્ણન કર્યુ

સોરઠના અવધૂત જોગંદર સમાન ગિરનાર પર્વત પર રામાયણી મોરારિબાપુ દ્વારા ગવાતી ઐતિહાસિક ઈ કથાનો આજે પાંચમો દિવસ હતો. ત્યારે બાપુ કોરોનાના કપરા કાળમાં સંજીવની સમાન શ્રોતા વિનાની આ છટ્ઠી કથા અને તેમની કુલ કથા ક્રમની ૮૪૯મી કથામાંં ભારે ખીલ્યા હતા અને યું ટ્યુબ તથા એક ચેનલના માધ્યમથી તેમના શ્રોતાગણને રામકથાનું ભાવવિભોર બની રસપાન કરાવ્યું હતું.

તા. ૧૭ ઓક્ટોબર પ્રથમ નોરતે  સવારના ૯/૩૦ વાગ્યે પ્રારંભ થયેલ મોરારિબાપુની ઈ રામકથા  તા. ૨૫/૧૦ સુધી ચાલનાર છે,  નવલાં નોરતાંનાં આ પ્રાણવાન પર્વમાં અવધૂત – નગાધિરાજ ગિરનારની કમંડળ કુંડની ટૂક પર જ્યાં ૮૪ સિદ્ધનાં બેસણાં છે, નવનાથે જ્યાં અખંડ ધૂણો પ્રકટાવેલો છે, જ્યાં ૬૪ જોગણીઓ બિરાજે છે. જેનાં સર્વોચ્ચ શિખર પર ભગવાન ગુરુ દત્તની અખંડ-અનંત ઉર્જાથી સભર અક્ષય તપસ્થલી છે. એવા આ અદ્ભુત સ્થાન પર મોરારી બાપુ કમંડળ કુંડ ખાતે કોરોના કાળ દરમિયાન શ્રોતા વગરની છઠ્ઠી રામકથા કથા વર્ણવી રહ્યા છે.

ગઇકાલે પાંચમા દિવસે બાપુ રામકથા વર્ણવતા જણાવ્યું હતું કે પરમ્બબા નું શ્રેષ્ઠ શણગાર તેનું શીલ છે, માતા સીતા પણ સ્વયં જગદંબા છે અને મર્યાદા ઓળંગવાથી શું પરિણામ આવે તે દર્શાવવા માટે જ માતા સીતાએ લક્ષ્મણરેખા ઓળંગી છે. જેથી એ ઘટના પરથી શીખ મેળવીને કોઈ નારી સંસ્કૃતિની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. બાપુએ ગિરનાર પરની કથાની વિશેષતા દર્શાવતા વર્ણવ્યું હતું કે, અહી કથામાં ચૈતન્ય નું ચૈતન્ય સાથે મિલન છે, અહીં ધુણો, ભગવાન ગુરુદત્ત, માં અંબાજી બધું ચૈતન્ય સ્વરૂપ છે તેમ જણાવી ગિરનારની વિશેષતા વર્ણવી હતી.

ગિરનાર પર્વત ઉપર કોરોના ના કપરા સમયમાં સરકાર અને તંત્રની ગાઇડ લાઇન મુજબ મોરારીબાપુ ની શરૂ થયેલી આ કથાનું ગિરનાર ઉપર આવતા યાત્રિકો રસપાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને કમંડળ કુંડથી લઈને ગુરુ દત્તાત્રેય મંદિર સુધી સ્પીકરો મૂકવામાં આવ્યા છે જેને લઇને ગિરનાર ઉપર આવતા યાત્રિકો મોરારીબાપુની કથા ગિરનાર પ્રવાસ દરમિયાન સાંભળી રહ્યા છે અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.