આગામી દિવસોમાં સપ્ટેમ્બર માસમાં પ્રધાનમંત્રી મોદી જાપાનના વડાપ્રધાન શિંઝો સાથે ત્રણ દિવસ ગુજરાતમાં મીટીંગ માટે ફાળવશે. ત્યારબાદ અઠવાડિયા જેટલો સમય પણ તેઓ ગુજરાતને ફાળવશે તેવી શકયતા છે. પ્રધાનમંત્રી ગુજરાતમાં નર્મદાડેમ પ્રોજેકટ માટે સમય ફાળવશે અને તેમનો જન્મદિવસ પણ ગુજરાતમાં ઉજવશે તેવી સંભાવના છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બરમાં એક અઠવાડિયા સુધી ગુજરાતની મુલાકાત લઈ નર્મદા ડેમ પ્રોજેકટને સમર્પિત કરવા માટે આવશે. પ્રધાનમંત્રી મોદી જાપાનના વડાપ્રધાન શિંઝો સાથે મીટીંગ કરશે. તેમજ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ અંગેની માહિતી રાજયના રાજકીય સુત્રો પાસેથી તેની માહિતી મળી છે તે મુજબ પ્રથમ વખત જાપાનના વડાપ્રધાન શિંઝો એબે ગુજરાતની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી મોદી સાથે તા.૧૩,૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના રોજ અહી સાથે રોકાણ કરશે તેવી સંભાવના છે.
વધુમાં સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન મોદી અમદાવાદ, વડનગર અને જાપાનના વડાપ્રધાન સાથે અન્ય સ્થળોની પણ મુલાકાત કરશે તેવી અપેક્ષા છે. તેઓ નવા ઔધોગિક પાર્કના ઉદઘાટન, બુલેટ ટ્રેનને ખુલ્લી મુકવા સહિતના કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમજ નવા પ્રોજેકટ, નવી જેટી ઓફિસ, આંતરરાષ્ટ્રીય બૌઘ્ધ ઉત્સવ, વડનગરના બૌઘ્ધ સ્થળોની મુલાકાત સહિત શ્રેણીબઘ્ધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમોમાં તો પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેવાના છે. તે અંગેની અગાઉથી જ જાહેરાત કરવામાં આવી છે. જયારે સુત્રો વધુમાં જણાવે છે કે ૧૭મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી તેમનો જન્મદિવસ પણ સરદાર સરોવર ડેમ નજીક નર્મદાયાત્રાના ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બંધના કાર્ય પૂર્ણ કરવાની જાહેરાત કરશે. ૧૬ સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે પ્રધાનમંત્રી દિલ્હી જઈ શકે છે અને બીજા દિવસે પરત ફરી શકે છે એવી હાલ શકયતા દર્શાવવામાં આવી હતી. ગુજરાત ઔધોગિક ક્ષેત્રે વિશ્ર્વમાં ડંકો વગાડી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી પણ વિદેશના પ્રધાનમંત્રી સાથેની મંત્રણા મહદઅંશે ગુજરાતમાં જ યોજીને ગુજરાતની માટે મહત્વ દર્શાવી રહ્યા છે ત્યારે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો સાથેની મુલાકાત ગુજરાત માટે આગામી દિવસોમાં વિકાસના નવા રસ્તાઓ ખોલી આપશે. તેમજ તેમની આ મુલાકાત ગુજરાત માટે ફળદાયી બની રહેશે તેમ ઉધોગ સાહસિકો આશા વ્યકત કરી રહ્યા છે.