નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભિખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે વિકાસ કાર્યક્રમ થકી જિલ્લાના 40.30 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરી જિલ્લાના નાગરિકોને વિકાસની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો પવિત્ર ભૂમિ છે. રાજપીપલાની ભૂમિ પર સરદાર સરોવર નર્મદા ડેમ બન્યો તેને પૂર્ણ કરવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેના શપથ લીધાના માત્ર 17 દિવસમાં જ ડેમના દરવાજા બેસાડવા માટેની મંજૂરી આપી માત્ર આપણું જ નહીં પણ ત્રણ રાજ્યોના નાગરિકોનું સ્વપ્ન પૂર્ણ કર્યું.
આ ડેમની કામગીરી પૂર્ણ થતાં કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતી લીલીછમ બની. કચ્છના રણને કોઈ ગણતું નહોતું આજે રણ વિસ્તારમાં અનેક લીલીછમ વાડીઓ બની જેના થકી કચ્છની કેરી અને ખારેક દુનિયાભરમાં વખણાય છે અને ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, નર્મદા જિલ્લામાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા બની છે. આપણી ગુજરાત વિધાનસભામાં પણ 182 ધારાસભ્યો છે ત્યારે આ અનોખા મેસેજ સાથે મૂર્તિ નિર્માણ પામેલી આ પ્રતિમાના કારણે સ્થાનિક આદિવાસી સમાજના લોકોનો ખૂબ વિકાસ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હજી પણ ઘણા પ્રકલ્પો નિર્માણ થવાના છે ત્યારે યુવાનોને રોજગારી પુરી પાડવામાં, મહિલાઓને ઘર આંગણે રોજગારી આપવા માટે એકતાનગર ઉત્તમ ઉદાહરણના રૂપમાં રાજ્ય અને દેશ સમક્ષ પ્રસ્થાપિત થવાનું છે.
મંત્રીએ વધુમાં કહ્યું કે, ગંદકીમાં રોગોનું મૂળ રહેલું છે ત્યારે વડાપ્રધાનશ્રીએ આપણને સ્વચ્છતા અભિયાનનો મંત્ર આપ્યો અને સમગ્ર દેશ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો જોડાઈ રહ્યા છે. શુદ્ધ હવા મળી રહે તે માટે પર્યાવરણની જાળવણી માટે એક પેડ માં કે નામ અભિયાન પણ વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. જેમાં લોકો સ્વયંભૂ જોડાઈને આ અભિયાનને સાર્થક કરી રહ્યા છે. વિશ્વના અનેક દેશો આજે યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ભારત દેશ પાસેથી યુદ્દના સમાધાનની વિશ્વના દેશો અપેક્ષા રાખી રહ્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બન્યું છે ત્યારે હજી પણ દેશની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા સાથે ભારત દેશ વિશ્વ ગુરૂ બનવા જઈ રહ્યો છે. તેમાં એક નાગરિક તરીકે આપણે સૌએ પણ પોતાની જવાબદારી ફરજો અદા કરી માનવ મૂલ્યોને સાથે લઈને દેશની પ્રગતિમાં ફાળો આપવા સૌને અપીલ કરી હતી.
આ કાર્યક્રમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે પણ કાર્યક્રમને અનુરૂપ ચાવીરૂપ મનનીય પ્રવચન કરી નર્મદા જિલ્લાના વિકાસની વાત ઉપસ્થિત લોકો સમક્ષ મૂકી હતી. અને સરકારે કરેલા કાર્યોની સરાહના કરી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યેજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી ભિખૂસિંહજી પરમારના હસ્તે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા તૈયાર થયેલા કુલ 23 ક્લાસરૂમ, રૂપિયા 85 લાખના ખર્ચે નિર્માણ પામેલા બીઆરસી ભવન, આંગણવાડીના બાળકો માટે રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા ત્રણ આંગણવાડીના મકાનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને પીવાના શુદ્ધ પાણી મળી રહે તે માટે ગરુડેશ્વર તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં પીવાના પાણી માટે નર્મદા સોર્સ ભાગ-2 જુથ પાણી પુરવઠા યોજનાના એક્ષટેન્શન, ગરૂડેશ્વર તાલુકાની રચના બાદ મહેસુલી વિભાગનાં અધિકારી-કર્મચારીઓનાં રહેણાંક માટે રૂપિયા 3.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મહેસુલી સ્ટાફ ક્વાર્ટર્સનું રિમોટ કન્ટ્રોલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં છેવાડાના માનવી સુધી માળખાગત સુવિધાઓ સરળતાથી પહોંચી શકે તેવા અભિગમના ભાગરૂપે રોડ-રસ્તાના રિસરફેસિંગ માટે રૂપિયા 29 કરોડ ઉપરાંતના ચાર માર્ગોના મજબુતીકરણની કામગીરી અને રૂપિયા 83 લાખના ખર્ચે નિર્માણ પામનારી પાંચ નવી આંગણવાડી કેન્દ્રોના મકાનોનું આ પ્રસંગે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ શાબ્દિક પ્રવસન કરીને સૌને આવકારી આનંદની લાગણી સાથે જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન કરેલા કાર્યોની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં અગ્રણી વિક્રમ તડવી, રાજપીપલા નગર પાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, નાંદોદ, ગરૂડેશ્વરના તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ- કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.