પોરબંદર તાલુકાના અડવાણાથી ૭ કિલોમીટર દૂર આવેલ રાવલ રોડ ઉપર નર્મદાના પાણીની પાઈપલાઈન પસાર થઈ રહી છે. આ પાણીની પાઈપલાઈનમાં એક-એક કિલોમીટરના અંતરે પાણીના વાલ્વ મૂકવામાં આવ્યા છે, આ પાણીના વાલ્વમાંથી હજ્જારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અંદાજે દસેક વર્ષ પહેલા પાણીની પાઈપલાઈનનું ફીટીંગ કરવામાં આવ્યું હતું તે સમયે વાલ્વ મૂકવામાં આવ્યા હતા. હાલ આ વાલ્વની દયનીય હાલત બની ગઈ છે. પાણીના એરવાલ્વ ખૂબ જ જર્જરીત બની ગયા હોવાના કારણે વાલ્વમાંથી પાણીનો પ્રવાહ ચાલુ હોય અને ચાલુ પ્રવાહે વાલ્વ ઉપર દબાણ આવ્યું હોવાના કારણે બિસ્માર બનેલ પાણીનો વાલ્વ અચાનક ખૂલ્લી ગયો હોવાથી પાણીના ફૂવારા ૫-૫ ફૂટ ઉંચા ઉડ્યા હતા. સોમવારના દિવસે વહેલી સવારે જર્જરીત વાલ્વ તૂટ્યો હોવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. એકબાજુ ઉનાળો બેસતા કાળઝાળ તડકા પડી રહ્યા છે અને ઉનાળો શરૂ થતા જ શહેર અને ગ્રામીણ પંથકમાં પાણીની તંગી સર્જાઈ છે. ખાસ કરીને પોરબંદર જિલ્લામાં દરિયો આવેલો હોવાથી મોટાભાગના ગામડાઓ દરિયાઈ પટ્ટી પર આવેલા છે. અહીં દરિયો નજીક આવેલ હોવાના કારણે પણ પાણીના તળ ખારા હોવાથી લોકો પીવા માટે પાણી ઉપયોગમાં લઈ શકતા નથી જેથી ફરજીયાતપણે ડેમ અને નર્મદા પાઈપલાઈનનું પાણી પીવામાં ઉપયોગમાં લેવું પડે છે. પરંતુ હાલ મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો ડૂકવા લાગ્યો છે ત્યારે જિલ્લાભરના મોટાભાગના ગ્રામીણ પંથક અને શહેરી વિસ્તારના લોકોને માત્ર નર્મદા પાઈપલાઈનમાંથી આવતા પાણી ઉપર જ નિર્ભર રહેવું પડે છે. આવી સ્થિતિમાં નર્મદા પાઈપલાઈનમાંથી આવતા પાણીનો બેફામ રીતે વેડફાટ થઈ રહ્યો છે. ખાસ કરીને જર્જરીત બનેલ એરવાલ્વ તૂટી ગયો હોવા છતાં તેનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી.
આ બાબતની જાણ સ્થાનિકોએ તંત્રને કરી હોવા છતાં અત્યારસુધી હજ્જારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને વેડફાટ થઈ રહેલ પાણીના વાલ્વનું સમારકામ હજુ સુધી કર્યું નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,