દૈનિક ૧૩ થી ૧૫ એમસીએફટીની ધારણા સામે પ્રથમ દિવસે જ ૧૭

એમસીએફટીની આવક: ભાદર આધારીત વિસ્તારોમાં નવી વ્યવસ્થાનું ટેસ્ટીંગ

રાજકોટવાસીઓએ ચોમાસા સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ શહેરની જળ જરૂરીયાત સંતોષતા મુખ્ય બે જળાશયો આજી અને ન્યારી ડેમમાં ચાલુ વર્ષે સતત ત્રીજી વખત નર્મદા પાણી ઠાલવવાની મંજુરી આપી છે અને બે દિવસ પૂર્વે જ બંને જળાશયોમાં નર્મદાનાં પાણી ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આજી ડેમમાં પ્રથમ દિવસે જ ધારણા કરતાં વધુ નર્મદા નીરની આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલ મચ્છુ-૧ ડેમથી બે પમ્પ દ્વારા પમ્પીંગ શરૂ કરવામાં આવ્યું હોય આજીડેમ પર રાજકોટને દૈનિક ૧૩ થી ૧૫ એમસીએફટી નર્મદાનું પાણી મળશે. જેમાંથી રોજ વિતરણ વ્યવસ્થા માટે પાંચ એમસીએફટી પાણી ઉપાડી લેવામાં આવશે અને ૧૦ એમસીએફટી પાણીનો સ્ટોક થશે.

ડેમમાં હાલ ૩૨૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે અને નવું નર્મદા નીર ૪૦૦ એમસીએફટી જેટલું ઠલવાશે એટલે રાજકોટને ૩૧મી જુલાઈ સુધી પાણીની કોઈ જ પરેશાની વેઠવી નહીં પડે. ગુરુવારે સાંજે આજીમાં ચાલુ સાલ ત્રીજી વખત નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન પ્રથમ દિવસે જ ધારણા કરતા વધુ નર્મદાનું પાણી મળતાં મહાપાલિકાનાં અધિકારીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ૧૩ થી ૧૫ એમસીએફટીની ધારણા સામે પ્રથમ દિવસે જ ૧૭ એમસીએફટી નર્મદાનું પાણી મળ્યું છે.

દરમિયાન આજે સવારથી ન્યારી-૧ ડેમ ખાતે પણ નર્મદાનું પાણી મળવાનું શરૂ થઈ ગયું છે. ન્યારીમાં ૧૦૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવામાં આવશે. આગામી દિવસોમાં ભાદર ડેમ ડુકી જાય તેવી દહેશત જણાઈ રહી છે ત્યારે શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે ભાદર આધારીત વિસ્તારોમાં નવી વ્યવસ્થાનું ટેસ્ટીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભાદરનું પાણી બંધ કરાયા બાદ બેડી પમ્પીંગ સ્ટેશન ખાતે વધુ નર્મદાનું પાણી ઉપાડવામાં આવશે અને ત્યાંથી સેન્ટ્રલ ઝોનમાં વિતરણ કરવામાં આવશે. નવી વ્યવસ્થા બાદ ઢેબર રોડ અને કેનાલ રોડ સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણનો સમય ફરે તેવી પણ સંભાવના હાલ જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.