જીડબલ્યુઆઇએલ દ્વારા 24 કલાકનું શટડાઉન લેવાયા બાદ રાજકોટને 33 કલાક સુધી નર્મદાના પાણી ન અપાતા જ્યુબેલી ઝોન અને ચંદ્રેશનગર ઝોન હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ 5 થી 6 કલાક મોડું: ગૃહિણીઓમાં દેકારો

ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ દ્વારા એઇમ્સ હોસ્પિટલ અને રૂડાને કનેક્શન આપવાનું હોવાના કારણે ગઇકાલે ન્યારા હેડ વર્ક્સ અને બેડી હેડ વર્ક્સ પર 24 કલાકનું શટડાઉન લેવામાં આવ્યું હતું. જેના કારણે બુધવારે શહેરના 9 વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો હતો. દરમિયાન 24 કલાકને બદલે રાજકોટને 33 કલાકે નર્મદાના નીર આપવામાં આવતા આજે પણ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી હતી. શહેરના 5 વોર્ડમાં નિર્ધારિત સમય કરતા 5 થી 6 કલાક પાણી વિતરણ મોડું કરવામાં આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જીડબલ્યુઆઇએલ દ્વારા 24 કલાકનું શટડાઉન લેવામાં આવ્યું હતું. જેના કારણે રાજકોટને ગઇકાલે નર્મદાના નીર ન મળવાના કારણે શહેરના 9 વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. ગઇકાલે રાત્રે 12 વાગ્યે નર્મદાનું પાણી શરૂ કરી દેવાની ખાતરી આપી હતી. જેની સામે આજે સવારે 9 વાગ્યે પાણી શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે આજે વિતરણ વ્યવસ્થા પર અસર પડી હતી. ફ્લો ઓછો હોવાના કારણે રૈયાધાર પર 27 એમએલડી અને બેડી ઓફટેક પર 20 એમએલડી પાણીની ઘટ્ટ પડી હતી.

ગઇકાલે 9 વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. દરમિયાન ન્યારી ડેમમાંથી પાણી ઉપાડી તમામ ઇએસઆર-જીએસઆર પર સ્ટોરેજ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે આજે સવારે 11 વાગ્યા સુધી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવામાં આવી હતી. 11 વાગ્યા બાદ ચંદ્રેશનગર હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં.8, 11, 12 અને 13ના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા અંદાજે 5 થી 6 કલાક પાણી વિતરણ મોડું કરવામાં આવ્યું હતું. જ્યારે જ્યુબેલી હેડ વર્ક્સ હેઠળના વોર્ડ નં.3ના જંક્શન પ્લોટ સહિતના વિસ્તારોમાં આજે સવારે 5 વાગ્યાના બદલે બપોરે 11 વાગ્યાથી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

ઇજનેરી સૂત્રોના જણાવ્યાનુસાર પાણીના ટાંકામાં જેમ-જેમ લેવલ થતું જાય છે તેમ-તેમ વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાંચ વોર્ડમાં પાણી વિતરત મોડું કરવામાં આવશે પરંતુ કોઇપણ વિસ્તારને આજે પાણી વિના રાખવામાં આવશે નહીં. આજે જે રીતે વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી છે.

જે જોતા એવું લાગી રહ્યું છે કે આવતીકાલે પણ વિતરણ વ્યવસ્થા પર અસર પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.