મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્ર્વીનભાઈ મોલીયા, સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ નર્મદા નીરને વધાવ્યા
રાજકોટની જળ સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે આજી ડેમને સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી ભરી દેવાયા બાદ ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી ડેમમાં પણ નર્મદા નીરને ઠાલવવામાં આવ્યા છે. આજે જામનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન મહાપાલિકાના શાસકોએ ન્યારી ડેમ ખાતે નર્મદા મૈયાની પાવનકારી પધરામણીને હોંશભેર આવકારી હતી.
જામનગર ખાતે સૌની યોજના લીંક-૩નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેની સમાંતર કાર્યક્રમ મહાપાલિકા દ્વારા ન્યારી ડેમ ખાતે પણ યોજવામાં આવ્યો હતો. અહીં નર્મદા મૈયાના વધામણા માટે એક હવન પણ યોજાયો હતો. પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દેતી સૌની યોજનાને આવકારવામાં આવી હતી.
આ તકે મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.