સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ૩૫૦ એમસીએફટી નર્મદા નીર ઠાલવવાની કોર્પોરેશનની માંગણીનો સરકારે કર્યો સ્વીકાર
ગત વર્ષે ચોમાસાની સીઝનમાં અપુરતા વરસાદના કારણે શહેરની જળજરૂરીયાત સંતોષતા એક પણ જળાશયમાં માતબર પાણીની આવક ન થતાં ઉનાળાનાં આરંભે જ રાજકોટવાસીઓ પર જળસંકટ ઝળુંબી રહ્યું છે ત્યારે મે માસમાં આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત ૩૫૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવાની કોંગ્રેસની માંગણીનો રાજય સરકાર દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો છે. આવતા માસે ફરી આજીમાં નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવશે.
૨૯ ફુટની ઉંડાઈ ધરાવતા આજી ડેમની કુલ સંગ્રહ શકિત ૯૩૩ એમસીએફટીની છે. હાલ ડેમમાં ૪૦૩ એમસીએફટી પાણી ભરેલું છે. બાષ્પીભવન, સોર્સ અને દૈનિક વિતરણ સહિતનો હિસાબ કરવામાં આવે તો આ પાણી ૨૦ મે સુધી ચાલે તેમ છે. ડેડ વોટરનો ઉપાડ કરવામાં આવે તો આજી ડેમ વધીને મે માસનાં અંત સુધી સાથ આપી શકે તેમ છે. આવામાં મહાપાલિકા દ્વારા ગત ૧૬મી ફેબ્રુઆરીએ જ નર્મદા જળ સંપતિ તથા કલ્પસર વિભાગના સચિવને એક લેટર લખવામાં આવ્યો હતો જેમાં એવું જણાવવામાં આવ્યું હતું.
કે, રાજકોટ શહેરમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ વ્યવસ્થા જાળવવા માટે ૧૫ મે બાદ ડેમમાં સૌની યોજના અંતર્ગત ૩૫૦ એમસીએફટી જથ્થો ઠાલવવો પડશે તો આ પાણી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી જેનો રાજય સરકાર દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો છે. આગામી ૨૦મી મે થી ફરી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શ‚ કરવામાં આવશે.
૩૧મી જુલાઈ સુધી રાજકોટવાસીઓને પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે ૩૫૦ એમસીએફટી નર્મદાના નીર આજી ડેમમાં ઠાલવવામાં આવશે.ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ડેમમાં હાલ ૪૩૭ એમસીએફટી પાણી છે જે ૩૧મી જુલાઈ સુધી ચાલે તેમ છે. જયારે ભાદર ડેમમાં ૫૪૮ એમસીએફટી પાણી છે. ભાદરમાં સૌની યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા નર્મદાના નીર ઠાલવવામાં આવશે.