ચોમાસામાં એક તરફ વરસાદ ખેંચાતા શહેરમાં જળ કટોકટીની દહેશત ઉભી થવા પામી છે તો બીજી તરફ આજે સવારથી રાજકોટને મળતું નર્મદાનું નીર બંધ થઈ જવાના કારણે શહેરના ચાર વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. હડાળા પમ્પીંગ સ્ટેશન ખાતે વીજ પુરવઠો ખોરવાતા સવારથી નર્મદાનું નીર મળવાનું બંધ થઈ ગયું છે. જેના કારણે વોર્ડ નં.1,2,9 અને 10માં બપોરે 12 વાગ્યા બાદ વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે નર્મદા કેનાલની એનસી-33 લાઈનમાં હડાળા પમ્પીંગ સ્ટેશન ખાતે વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. જેના કારણે સવારથી જ રાજકોટને બેડી અને ન્યારા પમ્પીંગ સ્ટેશન પર નર્મદાનું નીર મળવાનું બંધ થઈ ગયું છે. ગઈકાલે રાત્રે પાણીના ટાંકા ભરેલ હોવાના કારણે આજે બપોર સુધી વીતરણ વ્યવસ્થા પર અસર પડી ન હતી. દરમિયાન નર્મદાના પાણી બપોરે પણ મળવાનું શરૂ ન થતાં વોર્ડ નં.1, વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.9 અને 10 (પાર્ટ)માં જે વિસ્તારોમાં બપોરે 12 વાગ્યા બાદ પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો સાંજ સુધીમાં નર્મદાનું પાણી મળવાનું શરૂ થશે અને ટાંકાના લેવલ થશે તો મોડી રાત સુધીમાં આ વોર્ડને પાણી આપવામાં આવશે. અન્યથા ચાર વોર્ડના અનેક વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે નહીં.
ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં વિતરણ વ્યવસ્થા પર કોઈ અસર પડી નથી પરંતુ જો આજે મોડી રાત સુધીમાં નર્મદાનું પાણી મળવાનું શરૂ નહીં થાય તો આવતીકાલે વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય તેવી દહેશત અધિકારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજે ચાર વોર્ડના અનેક વિસ્તારો બપોર બાદ પાણી વિહોણા રહેશે તો આવતીકાલે પણ કેટલાંક વિસ્તારોમાં નિર્ધારીત સમય કરતા મોડુ પાણી વિતરણ થાય તેવી સંભાવના પણ જણાય રહી છે.
શાસક અને વિપક્ષ વચ્ચે ડેશબોર્ડ સ્પર્ધા વચ્ચે વોર્ડ નં.14માં પાણીનો વેડફાટ
શહેરીજનોની સમસ્યા હલ કરવા માટે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ડીજીટલ વોર ચાલી રહ્યો છે. જેમાં બન્નેએ ડેશબોર્ડ શરૂ કરી લોકોની સમસ્યા હલ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આવા વાતાવરણ વચ્ચે શહેરના વોર્ડ નં.14માં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. 80 ફૂટ રોડ પર નટેશ્ર્વર મંદિર પાસે ઘણા સમયથી પાણીનો વેડફાટ થાય છે. કોલ સેન્ટર અને અધિકારીને ફરિયાદ કરવા છતાં લીકેઝ લાઈનનું સમારકામ યોગ્ય રીતે કરવામાં આવતું નથી.
ભક્તિનગર સોસાયટીમાં સબ સ્ટેશન પાસે મેઈન રોડ પર વાલ્વ ચેમ્બરમાં ફોલ્ટના કારણે અહીં પણ શેરીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. લાઈન લીકેજ અટકાવવા માટે કરોડોના ખર્ચે બિછાવવામાં આવેલી ડીઆઈ પાઈપ લાઈન બિસ્કીટની જેમ તૂટી જાય છે. એક તરફ ડેસબોર્ડ શરૂ કરી લોકોની સમસ્યા ઝડપી હલ કરવાની મીઠી મીઠી વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્રની અણઆવડતના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.