મહોત્સવમાં જનભાગીદારી વધારવા અને સંસ્થાઓને જોડવા મુખ્યમંત્રી રૂપાણીએ વેબસાઇટ લોન્ચ કરી
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના મુખ્ય ડેમ પર ગોઠવાયેલા ૩૦ ગેટ બંધ કરી દેવાયા પછી સમગ્ર યોજનાનું મહત્વનું કામ પૂરું થયું છે. આથી નર્મદા મહોત્સવ થકી દક્ષિણ ગુજરાત સિવાયના ૨૪ જિલ્લાના ૧૩૫થી વધુ નગરો, મહાનગરો તથા ૧૦,૦૦૦ ગામોને આવરી લેતી નર્મદા રથયાત્રા યોજવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે. આ મહોત્સવ, યાત્રામાં જાહેર જનતા, સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી મહાજનો, સંગઠનો, રાજકીય પક્ષો સામેલ થઇ શકે એ માટે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ https://narmadamahotsav. gujarat. gov. inવેબસાઇટ લોંચ કરી છે.
અહીં નોંધવું જરૂરી છે કે, જૂન મહિનાના મધ્યમાં નર્મદા ડેમ પરના ગેટ બંધ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંજૂરી આપી હતી. એ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેવડીયા કોલોની જઇને આ ગેટ બંધ કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો. એ જ દિવસે રૂપાણી અને પટેલે નર્મદા યોજનાની મહત્વની કામગીરી પૂરી થવાની જાહેરાત કરવા સાથે વડાપ્રધાન મોદીને નર્મદે સર્વ દે મહોત્સવમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ ઉજવાણીમાં સામેલ થવાની સંમતિ આપી દીધી છે. જોકે, જુલાઇમાં મહોત્સવ અને યાત્રા યોજવા તૈયારી શરૂ થઇ હતી. પરંતુ ચોમાસુ શરૂ થઇ જતાં તેમજ વડાપ્રધાનની વ્યસ્તતાના લીધે સંભવત: ઓગસ્ટના પ્રથમ કે બીજા સપ્તાહથી એક પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થશે.આ જનભાગીદારીથી ઉત્સાહ અને ઉમંગથી થાય એ માટે મા નર્મદા મહોત્સવમાં લોકો જોડાઇ શકે તેવા હેતુથી આ વેબસાઇટ લોંચ કરાઇ છે જેના થકી રજિસ્ટ્રેશન કરી યાત્રા અને ઉજવણીમાં લોકો જોડાઇ શકશે. ખાસ કરીને રક્તદાન કેમ્પ, કાવ્ય, નિબંધ, સ્લોગન સ્પર્ધા સાથે જ નર્મદાના જળથી થયેલા લાભની સાફલ્યગાથાની એક મિનિટની મોબાઇલ ફિલ્મ સ્પધારઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી યોજી શકાશે. આ માટે ૨૫ જુલાઇ સુધીમાં રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે.ધો.૧૦ સુધીના શાળા વિદ્યાર્થીઓ, ધો.૧૧થી કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકો એમ ત્રણ કેટેગરીમાં યોજાનારી સ્પર્ધામાં પ્રથમ ત્રણ સ્પર્ધકોને રૂ.૨૫થી રૂ.૧૦ હજાર સુધીના પુરસ્કાર એનાયત થશે. મા નર્મદા મહોત્સવ રાજ્યના કૃષિ સહિત સર્વાંગી વિકાસનો ઉત્સવ બની રહે તેવા આશયથી હાઇટેક ખેતી વિષયક સાહિત્ય, કૃષિ ઉદ્યોગ સાહસિકતા અને કુશળતા વિકાસ તાલીમ કાર્યક્રમ, સૂક્ષ્મ સિંચાઇ માટે સબસિડી માટે નોંધણી, રોપા ઉછેર, સાઇલ ટેસ્ટીંગ જેવા વિષયો માટે પણ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. આ વેબસાઇટ ઉપર નર્મદા મહોત્સવની તલસ્પર્શી વિગતો ઉપરાંત નર્મદાના ઉદગમ સ્થાન સહિતની વિગતો રજૂ કરાઇ છે.