કેવડીયાનાં ગોરાબ્રીજ પર વાહન વ્યવહાર ઠપ્પ: ડેમનાં ૨૩ દરવાજા ૪.૧૫ મીટર સુધી ખોલાયા: ૧૦.૧૬ લાખ કયુસેક પાણીની આવક સામે ૮.૯ લાખ કયુસેક પાણીની જાવક: ૨૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર
મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદનાં કારણે ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે ડેમની સપાટી ૧૩૬.૮૪ મીટરે પહોંચી જવા પામી છે. આગામી બે દિવસમાં ડેમ છલકાય જાય તેવી પ્રબળ સંભાવના છે. એક મિનિટમાં ડેમમાં ૧.૮ લાખ કયુસેક પાણીની આવક વધી રહી છે. પાણીનાં નિકાલ માટે ડેમનાં ૩૦ પૈકી ૨૩ દરવાજા ૪.૧૫ મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે. જેનાં લીધે નર્મદા નદી ૩૧.૫૦ ફુટની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. કેવડીયાનાં ગોરાબ્રીજ પર પાણી વહેવા લાગતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ડેમની સપાટીમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, ૪૮ કલાકમાં નર્મદા ડેમ ઓવરફલો થઈ જશે. છેલ્લા એક માસથી નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી હોય ડેમનાં દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. આજે સવારે નર્મદા ડેમની સપાટી ૧૩૬.૮૪ મીટરે પહોંચી જવા પામી છે. ડેમ કુલ સપાટી ૧૩૮.૬૮ મીટરની છે. ગઈકાલ રાતથી ડેમમાં પ્રતિ મિનિટ વધુ ૧.૮૦ લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે હાલ પ્રતિ સેક્ધડ ૧૦.૧૬ લાખ કયુસેક પાણીની
આવક છે જેની સામે ડેમમાંથી ૮.૯ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનાં ૩૦ પૈકી ૨૩ દરવાજા ૪.૧૫ મીટર સુધી ખોલવામાં આવ્યા હોય નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યા છે. ગરૂડેશ્વર નજીક નદીની સપાટી ૩૧.૫૦ ફુટની ભયજનક સપાટીએ પહોંચી જવા પામી છે. ડેમનાં પાણી કેવડીયા નજીક ગોરાબ્રીજ પર ફરી વળતા વાહન ચાલકો માટે બ્રીજ બંધ કરી દેવામાં આવ્યો છે. હેઠવાસનાં ૨૩ ગામોને એલર્ટ કરાયા છે અને અહીં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા નદી ભયજનક સપાટીથી માત્ર ૫ ફુટ જ દુર છે. જે રીતે ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, ડેમ ૨ દિવસમાં ઓવરફલો થઈ જશે. ૨૦૧૪માં નર્મદા ડેમ પર ૩૦ દરવાજા મુકવાની મંજુરી કેન્દ્ર સરકાર દ્વારા અપાયા બાદ ૨૦૧૭માં દરવાજા મુકવાનું બાંધકામ પૂર્ણ થયું હતું અને આ વર્ષે ડેમને ૧૩૧ મીટર સુધી ભરવાની છુટ આપવામાં આવી હતી. આ લેવલ સુધી ડેમ ગત મહિને જ ભરાય ગયા બાદ નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ટેકનિકલી ચકાસણી બાદ ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરવાની મંજુરી આપવામાં આવી છે. મંજુરી મળ્યાનાં પ્રથમ વર્ષે જ નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતા એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરાય જાય તેવા સુખદ સંજોગો રચાયા છે.
કાલથી સૌરાષ્ટ્રમાં મેઘવિરામ: આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં અમુક સ્થળોએ અતિભારે વરસાદ પડે તેવી શકયતા
એક માસ પહેલા મેઘરાજાને મન મુકીને વરસવાની આજીજી કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓ હવે મેઘાને ખમૈયા કરવા વિનવી રહ્યા છે. આવતીકાલથી મોટાભાગની સિસ્ટમો પાસ થઈ જતા સૌરાષ્ટ્રમાં મેઘવિરામ જેવો માહોલ રહેશે. આજે સૌરાષ્ટ્રનાં પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સવારથી જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે રાજયમાં ભરૂચ, સુરત, આણંદ, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, તાપી અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જયારે અમદાવાદ, પંચમહાલ, દાહોદ,
મહિસાગર, છોટાઉદેપુર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રનાં પાંચ જિલ્લાઓ પૈકી અમુક વિસ્તારમાં અતિભારે વરસાદની પણ સંભાવના જણાઈ રહી છે. કાલથી રાજયભરમાં વરસાદનું જોર ઘટી જશે. કાલે નર્મદા, ભરૂચ અને સુરત જિલ્લા સિવાય અન્ય એક પણ જિલ્લામાં વરસાદની સંભાવના નથી. દરમિયાન શુક્રવારથી રાજયભરમાં મેઘરાજા વિરામ લેશે.
ભાદર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર ત્રણ ફૂટ જ છેટુ ૧૫ જળાશયોમાં ૪ ફુટ સુધી પાણીની આવક
રાજકોટની જળજરૂરીયાત સંતોષતા ૫ પૈકી મુખ્ય ૪ જળાશયો ઓવરફલો થઈ ગયા છે હવે એકમાત્ર ભાદર ડેમ છલકાવવામાં આવી છે. હાલ ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠલવાઈ રહ્યું છે અને સાથો સાથ છલકાતા નદી-નાલામાંથી પાણીની આવક ચાલુ હોય ડેમની સપાટી ૩૧ ફુટે પહોંચી જવા પામી છે અને ભાદર ઓવરફલો થવામાં માત્ર ૩ ફુટ જ બાકી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૫ ડેમમાં ૪ ફુટ સુધી પાણીની આવક થવા પામી છે. સિંચાઈ વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર ભાદર ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦.૩૩ ફુટ પાણીની આવક થતા ૩૪ ફુટે ઓવરફલો થતા ડેમની સપાટી ૩૧ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો થવામાં હવે માત્ર ૩ ફુટ જ બાકી રહ્યું છે. હાલ ડેમમાં ૫૨૩૭ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ભાદર ઉપરાંત મોજ ડેમમાં ૦.૮૯ ફુટ, સુર્વોમાં ૨.૬૨ ફુટ, ઈશ્વરીમાં ૦.૬૬ ફુટ, કર્ણુકીમાં ૦.૧૬ ફુટ, બ્રાહ્મણીમાં ૦.૩૦ ફુટ, ફુલજર-૨માં ૦.૭૫ ફુટ, વિઝરખીમાં ૦.૯૮ ફુટ, ડાયમીણસારમાં ૦.૬૬ ફુટ, રૂપાવટીમાં ૦.૬૯ ફુટ, ઘીમાં ૧.૩૧ ફુટ, વર્તુ-૨માં ૩.૯૪ ફુટ, શેઢાભાદથરીમાં ૦.૯૮ ફુટ, સીંથણીમાં ૦.૮૨ ફુટ અને સાકરોલીમાં ૨.૫૯ ફુટ પાણીની આવક થવા પામી છે.