ઉપરવાસની આવકના પગલે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઓવરફ્લો થવાની સંભાવના

છેલ્લા સવા મહિનાથી ભલે મેઘરાજાએ રૂસણા લીધા હોય પરંતુ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. 138.68 મીટરની ઉંચાઇ ધરાવતા સરદાર ડેમની સપાટી 132.53 મીટરે પહોંચી જવા પામી છે.

હવે ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 6 મીટર જ બાકી રહ્યો હોય. સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહમાં ઓવરફ્લો થઇ જવાની સંભાવના છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. ઉપરવાસથી પાણીની આવક થવાના કારણે ડેમની સપાટી હાલ 132.53 મીટરને પહોંચી જવા પામી છે. હાલ ડેમમાં 85870 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો થયો છે. જો આ રિતે પાણીની આવક સતત ચાલુ રહેશે તો સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ નિર્ધારિત સપાટી અર્થાત્ 138.68 મીટર સુધી ભરાય જશે.

હાલ નર્મદા ડેમમાં 3570 એમસીએલ લાઇવ સ્ટોરેજ છે. ગુજરાતના ખેડૂતોને બે વર્ષ માટે સિંચાઇનું અને ગુજરાતની જનતાને બે વર્ષ માટે પીવાનું પાણી આપવા માટે ડેમ સક્ષમ બની ગયો છે. જગતાત હવે મેઘમહેરનો કાગડો બે ઇન્તજાર કરી રહ્યો છે. કારણ કે છેલ્લા સવા માસથી રાજ્યમાં મેઘ વિરામ જેવો માહોલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.