ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ૨.૯૦ લાખ ક્યુસેક પાણીની આવક: ડેમના ૧૫ દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમમાં પાણીની ધોધમાર આવક થઈ રહી છે. આજે સવારે નર્મદા ડેમ ઐતિહાસિક ૧૩૨.૯૮ મીટરની સપાટીએ પહોંચી ગયો હતો. ડેમમાં ૨.૯૦ લાખ કયુસેક પાણીની આવક છે. ડેમના ૧૫ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેમાં ૨ લાખ કયુસેક પાણી છોડવામાં આવશે. ૧૫ દરવાજા ખોલવામાં આવતા કેવડીયા અને ગોરાબ્રીજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વાહન-વ્યવહાર અટકાવી દેવાની ફરજ પડી હતી. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. આ વર્ષે ડેમ પૂર્ણ ક્ષમતા એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરવામાં આવશે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર રચાતાની સાથે જ વર્ષ ૨૦૧૪માં નર્મદા ડેમ પર દરવાજા મુકવાની મંજૂરી આપવામાં આવી હતી. ૨૦૧૭માં ડેમ પર ૩૦ દરવાજા મુકવાનું કામ પૂર્ણ થયું હતું. ગત વર્ષે ડેમની જૂની ક્ષમતા મુજબ જ ભરવામાં આવ્યો હતો. આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ૧૩૧ મીટર સુધી ભરવાની છુટ આપવામાં આવી હતી. પખવાડિયા પૂર્વે જ ડેમ ૧૩૧ મીટર સુધી ભરાઈ જતાં પ્રમવાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. દરમિયાન તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવી જાહેરાત કરી હતી કે, નર્મદા ડેમને પૂર્ણ ક્ષમતા એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરવામાં આવશે. મધ્યપ્રદેશમાં છેલ્લા ઘણા દિવસી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડેમમાં પાણીની ધોધમાર આવક થઈ રહી છે. આજે ડેમમાં ૨.૯૦ લાખ કયુસેક પાણીની આવક થતાં ડેમ ૧૩૨.૯૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો હતો. ડેમના ૩૦ દરવાજા પૈકી ૧૫ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને ૨ લાખ કયુસેક પાણી છોડવામાં આવશે.
ડેમના ૧૫ દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં ઘોડાપુર આવ્યા છે. કેવડીયા અને ગોરાબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સલામતીના ભાગરૂપે અહીં વાહન-વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં નર્મદા ડેમ ઓવરફલો થઈ જાય તેવા ઉજળા સંજોગો વર્તાઈ રહ્યાં છે. હાલ ડેમ સાઈટ પરના તમામ ૬ ટર્બાઈન પર વીજ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે.