-
ગીર સોમનાથ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ 2024’ શરૂઆત કરાઇ
-
મણિબહેન કોટક સ્કૂલ થી ટાવર ચોક સુધી ‘બેટી બચાવો, બેટી પઢાવો’, ‘દીકરીને આવકારીએ’, ‘સ્ત્રીભ્રૂણ હત્યા રોકો’ના બેનર્સ સાથે રેલી યોજાઈ
ગીર સોમનાથ ન્યુઝ: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી શક્તિને વંદન કરવા તથા મહિલાઓના ઉત્કર્ષ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણીનો શુભારંભ કરાયો છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં નારી વંદન ઉત્સવની ઉજવણીના પ્રથમ દિવસે મણીબેન કોટક સ્કૂલ ખાતે “મહિલા સુરક્ષા” અંતર્ગત મહિલા સુરક્ષા રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. મણીબેન કોટક સ્કૂલથી ટાવર ચોક સુધી વિદ્યાર્થીનીઓએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’, ‘દીકરીને આવકારીએ’, ‘સ્ત્રીભ્રૂણ હત્યા રોકો’, ‘દીકરી એટલે ધરતીનો ધબકાર’ ના બેનર્સ સાથે ટાવર ચોક સુધી આ રેલી યોજાઈ હતી.
વેદ અને પુરાણોમાં પણ નારીને ઉચ્ચ સ્થાન અપાયું છે- મયુર વારસુર
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી મયુર વારસુરે જણાવ્યું હતું કે, આપણા વેદ અને પુરાણોમાં પણ નારીને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓનો સામાજિક, આર્થિક તેમજ સર્વાંગી વિકાસ થાય તે માટે મહિલાલક્ષી અનેક યોજનાઓ કાર્યરત છે. જેનો વધુમાં વધુ મહિલાઓ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
નારીમાં શક્તિનો ભંડાર ભરેલો છે- ઈન્સ્પેક્ટર ગૌસ્વામી
શહેર પોલીસ ઈન્સ્પેક્ટર ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, દીકરીઓને એક તકની જરૂર છે. આ એક તક તેમને મહાન બનાવી શકે છે. નારીમાં શક્તિનો ભંડાર ભરેલો છે. જે તેમને સામર્થ્યવાન બનાવે છે. મહિલાઓની કૌટુંબીક અને સામાજીક જવાબદારીઓ હોવા છતાં પણ અલગ-અલગ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે. ધરતીથી લઈ અને અવકાશ સુધી સ્ત્રીઓ તમામ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે. તેમ જણાવી તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું.
સાઈબર ક્રાઈમથી બચવા અંગેની ઝીણવટપૂર્વકની માહિતી અપાઈ
સાઈબર ક્રાઈમ PSI વી.એન.મોરવાડિયાએ આધુનિક ટેક્નોલોજીના વપરાશ વચ્ચે સાઈબર ક્રાઈમથી બચવા અંગેની ઝીણવટપૂર્વકની માહિતી આપી હતી અને સાઈબર ક્રાઈમને લગતી કોઈપણ ફરિયાદ માટે 1930નો સંપર્ક કરવા જણાવ્યું હતું. કાનૂની સેવા સત્તા મંડળના એડવોકેટ નીતાબહેન કારિયા દ્વારા મફત કાનૂની સહાય વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન રાઠોડે દહેજના દૂષણ સામેના કાયદાઓ તેમજ વ્હાલી દીકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, ગંગા સ્વરૂપા યોજના જેવી વિવિધ મહિલાલક્ષી યોજનાઓની તલસ્પર્શી માહિતી આપી હતી. તેમજ નારી વંદન ઉત્સવની ઉજવણીમાં વેરાવળ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી શ્રી ગીરીશભાઈ કારિયા, આચાર્ય શ્રી જીગરભાઈ રાવલ, ભરતભાઈ ઉનડકટ, પોલીસ વિભાગ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીનીઓ સહભાગી બન્યાં હતાં.