સમગ્ર દેશમાં જેન્ડર બજેટ રજૂ કરનાર ગુજરાત સૌપ્રથમ રાજ્ય છે, તથા આ વર્ષે બજેટમાં અંદાજિત રૂપિયા ૬૨ હજાર કરોડની ફાળવણી મહિલા લક્ષી યોજના અંતર્ગત કરવામાં આવી છે, તેમ કલરવ ટ્રસ્ટના ઉપક્રમે વઢવાણ ખાતે યોજાયેલ નારીરત્ન એવોર્ડ – ૨૦૧૯ ના સન્માન સમારંભમાં મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે એ જણાવ્યું હતુ.
રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મહિલા સશક્તિકરણમાટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્ટાર્ટઅપ યોજના અને મુદ્રા યોજના સહાયકારી નીવડી છે. રાજ્ય સરકારના પ્રયત્નોથી દારૂબંધી અને ચેઈન સ્નેચીંગના કાયદાઓ વધુ મજબૂત બનાવાયા છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે પદ્મશ્રી મુક્તાબેન ડગલી, મહિલા અગ્રણી વર્ષાબેન દોશી અને પન્નાબેન શુક્લે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સુરેન્દ્રનગર શહેરની વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન આપનારી ૩૧ મહિલાઓને મહિલા રત્ન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં કલરવ ટ્રસ્ટના પ્રમુખ દેવયાનીબેન રાવલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતુ. વઢવાણ સ્થિત મેડિકલ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રના મહિલા અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.