પાટીદાર સમાજમાં જેનું માનભેર નામ લેવાય છે અને અનેક સંઘર્ષો ખેડીને પાટીદાર સમાજને એક કરનાર એવા નરેશ પટેલે હુંકાર કરીને કહી દીધું છે કે આગામી મુખ્યમંત્રી તો પાટીદાર સમાજનો જ જોઈએ. હવે પ્રશ્ન એ ઉદ્દભવીત થાય છે કે સમાજના આ અગ્રણીએ પોતાનો જે મત વ્યક્ત કર્યો છે. તેમાં સમગ્ર પાટીદાર સમાજનો મત છે કે નહીં?
ચૂંટણી આવે ને સમાજને ચકડોળે ચડાવવાનું કામ શરૂ થઈ જાય. આ ઘટનાક્રમ વર્ષોથી ચાલ્યા રાખે છે. આ ઘટના ક્રમને એક તરફ મૂકીને પાટીદાર સમાજના અગ્રણીઓની મળેલી બેઠક વિશે જોઈએ તો સામાન્ય રીતે કોઇ સમાજની બેઠક મળે તો તેમાં સમાજના અગ્રણીઓ સમાજના ઉત્થાન, વિકાસ, શિક્ષણ અને મદદરૂપ થવાની ચર્ચાઓ કરતા હોય છે અને તે માટે જરૂરી નિર્ણયો લેતા હોય છે. પણ ખોડલધામ ખાતે મળેલી બેઠકમાં રાજકીય ચર્ચાઓ કરવામાં આવી હતી.
પાટીદાર સમાજ મહેનતુ અને ખંતીલો છે. આ સમાજ પોતાની જાત મહેનતે આગળ આવ્યો છે.આ સમાજમાં ઘણા લોકો જમીન સાથે જોડાઈને અન્નદાતા તરીકે ફરજ બજાવે છે. તો ઘણા લોકો વિદેશોમાં સાહસિક તરીકે ઉભરી આવી પોતાની આગવી સૂઝબૂઝથી વેપારમાં સૌને હંફાવી રહ્યા છે. આગવી નેતૃત્વ કળાને પગલે પાટીદાર સમાજ રાજકારણમાં પણ ખૂબ આગળ છે. હાલ આ સમાજના અનેક નેતાઓ સતામાં છે. આમ પાટીદાર સમાજ વસ્તીની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ પડતો છે.
પાટીદારોની સંખ્યા ખૂબ મોટી છે. ઘણા લેભાગુ તત્વોએ પોતાના લાભ માટે ભૂતકાળમાં લેઉઆ અને કડવાના નામે સમાજના ભાગલા પાડી રાજકારણની રમત રમી હતી. રાજકારણને પગલે કહેવાતા નેતાઓએ ક્યારેક લેઉઆ અને કડવા બન્નેને સામસામે કરી દેવામાં આવતા હતા તો ક્યારેક બન્ને એક જ હોવાનું કહેવામાં આવતું હતું. જો કે આ વાત સમાજના લોકો પણ હવે સમજવા લાગ્યા હોય આવી વાતોને કે જાહેરાતોને જાકારો આપવા લાગ્યા છે.
તાજેતરમાં જ ખોડલધામ ખાતે પાટીદાર સમાજના કદાવર અગ્રણીઓની હાજરીમાં મહત્વની બેઠક મળી હતી. ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો બેઠકોનો દૌર ચાલુ કરી કોઈ નિર્ણયો જાહેર કરે તે પૂર્વે જ પાટીદાર સમાજની બેઠક મળી ગઈ હતી. આ બેઠક બાદ પાટીદાર સમાજના અગ્રણી નરેશભાઈ પટેલે જાહેરાત કરી હતી કે અમે ઇચ્છીએ છીએ કે હવે આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજના જ હોવા જોઈએ. ગુજરાતમાં લેઉવા-કડવાને એક મંચ પર લાવવાના હેતુથી આયોજિત બેઠકમાં સરકારના વહીવટીતંત્રમાં જ નહીં,પાટીદારોને રાજકીય પ્રભુત્વ મળે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. બંધબારણે સામાજીક મનોમંથનને બદલે રાજકીય મનોમંથન થયુ હતું. જો કે આ બેઠકમાં જે ચર્ચા વિચારણા થઈ તેમાં સમગ્ર પાટીદાર સમાજનો મત છે કે નહીં તેના ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે.
બગાવતી તેવર વિજયભાઈને વધુ મજબૂત કરશે?
રૂપાણી સરકાર આજ સુધી જ્ઞાતિ જાતિના રાજકારણથી પર રહેવા સતત પ્રયત્નશીલ રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક પણ વખત પાટીદાર સમાજ અંગેનું નિવેદન પણ આપ્યું નથી. જો કે તેઓએ અત્યાર સુધીમાં કોઈ જ્ઞાતિ કે સમાજ વિશે પણ રાજકારણને લઈને શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. જે સૂચવે છે કે મુખ્યમંત્રી દ્વારા રાજકારણમાં જ્ઞાતિ ફેક્ટર ન આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ જોઈએ તો પાટીદાર સમાજ વતી નરેશ પટેલે પોતાના મુખ્યમંત્રીની માંગ કરી છે. જો કે હવે સમાજ પણ ભૂતકાળના અનુભવો ઉપરથી સમજી ગયો હોય આવા નિર્ણયોને તે જાકારો આપતા શીખી ગયો છે. સામે નરેશ પટેલનો આપ તરફનો ઝુકાવ હાર્દિક અને કોંગ્રેસવાળી સર્જે તેવી પૂરેપૂરી શકયતા છે. માટે બગાવતી તેવરથી ભલે તેઓ ઇચ્છતા ન હોય પણ ફાયદો તો રૂપાણી સરકારને જ થવાનો છે.
કડવા-લેઉવાની એકતામાં રાજકીય ભુવાના હવનમાં હાડકાં?
એક રાજકીય ભુવાએ પોતાની સમાજના કામ કરવાની નિષ્ઠા અને સમાજ પ્રત્યેની લાગણીના કારણે સમાજમાં ખૂબ સન્માન મેળવ્યું છે. તેઓએ સમાજ માટે જે કામ કર્યું તે કાબિલેદાદ રહ્યું છે. પણ આખરે બધાની જેમ તેઓ રાજકીય નિર્ણયો તેમજ જાહેરાતો કરવા લાગતા હવે તેઓની કામગીરી ભેદી લાગી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કોઈ નેતાને ખરેખર કામ જ કરવા હોય તો તે જ્ઞાતિ જાતિ જોતા નથી. જે નેતાની કામ કરવાની દાનત જ ન હોય તો તે બીજાના તો ઠીક પોતાની જ્ઞાતિના પણ કામ નથી જ કરતા.
પાટીદાર સમાજ પોતાની મહેનતથી આગળ આવેલો સમાજ છે. આ સમાજે હાર્દિક પટેલના તૂતથી ઘણું શીખ્યું છે. એટલે હવે બીજા કોઈને હાર્દિકવાળી કરવા દેવા આ સમાજ જરા પણ સહમત નથી. હવે રાજકીય ભુવા દ્વારા થતી દ્વારા વખતો વખત થતી રાજકીય જાહેરાતે પણ તેઓની ભૂમિકાને ભેદી બનાવી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે પ્રશ્ન એ જ થાય છે કે કયાં સુધી રાજકીય ભુવાને લેઉવા-કડવાની એકતામાં હવનમાં હાડકાં નાખવા દેવામાં આવશે??
આપનું ઝાડું લેતા પાટીદારો નારાજ?
પાટીદાર સમાજના મોટા અગ્રણીએ આપનું ઝાડું લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ આપનું ઝાડું લેતા પાટીદારો નારાજ હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય પાટીદારોને તો જ્ઞાતિ જાતિના રાજકારણથી કોઈ લેવા દેવા નથી. તેઓને જ્ઞાતિના નામે કોઈ રાજકારણ રમે તે પણ પસંદ નથી. માટે સમાજમાં અમુક લોકોને બાદ કરતા અંદરખાને તો જ્ઞાતિના નામે ચાલતા રાજકારણથી નફરત હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
વિઠ્ઠલભાઈની જગ્યા પાટીદાર નેતા તરીકે નરેશ પટેલ લઈ શકશે?
વિઠ્ઠલભાઈ રાદડીયા પાટીદાર સમાજના એવા નેતા હતાં કે જેને સર્વ સમાજના નેતા તરીકે નિષ્ઠાથી કામ કર્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં તેમના નામનો ડંકો વાગતો હતો તેઓએ કરેલા પ્રજાલક્ષી કામના કારણે તેઓને છોટે સરદારનું બિરૂદ પણ મળ્યું હતું, હાલ પાટીદાર સમાજના કદાવર અગ્રણી તરીકે નરેશભાઈ પટેલનું નામ સૌથી આગળ છે. તેઓએ સમાજ માટે અનેક કાર્યો કર્યા છે. હાલ નરેશ પટેલ જે રીતે ચાલી રહ્યાં છે ત્યારે હવે પ્રશ્ર્ન એ થાય છે કે વિઠ્ઠલભાઈની જગ્યા પાટીદાર નેતા તરીકે નરેશભાઈ પટેલ લઈ શકશે?