ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અમદાવાદ પહોંચ્યા
બપોરે હાર્દિક પટેલ અને પાસની ટીમને મળશે, પારણાના પ્રયાસો
હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસના રાજવ્યાપી પ્રતિક ઉપવાસ
હાર્દિક પટેલની માંગણી યોગ્ય લાગશે તો સરકારમાં રજુઆત કરીશ: ખેડુતોના દેવા માફીનો મુદ્દો યોગ્ય: નરેશ પટેલ
પાટીદાર સમાજને અનામત આપવા તથા ગુજરાતમાં ખેડુતોના દેવા માફ કરવાની માંગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ઉપવાસના ૧૪માં દિવસે આજે રાજયના કદાવર પટેલ સમાજના અગ્રણી નરેશભાઈ પટેલે રાજય સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી છે.
આજે સવારે તેઓ રાજકોટથી અમદાવાદ પહોંચી ગયા હતા અને બપોરે હાર્દિક પટેલ તથા પાસની ટીમને મળી પારણા કરાવવાના પ્રયાસ કરશે. નરેશભાઈની મધ્યસ્થીની તૈયારીથી કોંગ્રેસનો રાજકીય ખેલ ચોપટ થઈ જાય તેવું લાગી રહ્યું છે. હાર્દિકના સમર્થનમાં આજે કોંગ્રેસ દ્વારા એક દિવસ માટે રાજયવ્યાપી પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે.
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલનને કોંગ્રેસે રાજકીય રંગ આપી રહી છે અને પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે. હાર્દિકના સમર્થનમાં આજે કોંગ્રેસ દ્વારા રાજયવ્યાપી પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલે રાજય સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવતા હવે કોંગ્રેસનું સપનું ચકનાચુર થઈ જાય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસને હાર્દિકના ઉપવાસ આંદોલનથી રાજકીય લાભ થાય તે પૂર્વે જ સમાધાનનો સેતુ સંધાઈ જાય તેવું હાલ જણાઈ રહ્યું છે.
આજે સવારે રાજકોટ ખાતે મિડીયા સાથેની વાતચીત દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ છેલ્લા ૧૪ દિવસથી ઉપવાસ પર બેઠા છે તેઓની તબિયત સારી રહે અને જલ્દીથી તેઓ પારણા કરે તેવી પ્રભુને પ્રાર્થના કરુ છું.
હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે મધ્યસ્થીની મારી તૈયારી છે. આજે બપોરે અમદાવાદ ખાતે હું ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી, કન્વીનર અને સ્વયંસેવકો સાથે મુલાકાત કરીશ. ત્યારબાદ હાર્દિક પટેલ અને પાસની ટીમને મળીશ. હાર્દિક પટેલ આજે ઉપવાસના ૧૪માં દિવસે પારણા કરે તેવા મારા પ્રયાસો રહેશે. હાર્દિક પટેલ સાથે વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે જો તેમની માંગણીઓ વ્યાજબી લાગશે તો હું સરકાર સાથે વાતચીત કરીશ. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલની ખેડુતોના દેવા માફીનો મુદ્દો ખરેખર યોગ્ય છે.
મધ્યસ્થી માટે રાજય સરકાર કે પાસ દ્વારા કોઈ વાતચીત થઈ છે કે કેમ તેવા સવાલના જવાબમાં નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મધ્યસ્થી કરવા માટે પાસ દ્વારા કોઈ જ પ્રકારની વાતચીત કરવામાં આવી નથી પરંતુ રાજય સરકારે ખોડલધામ ટ્રસ્ટના અમદાવાદ ખાતેના કન્વીનર દિનેશભાઈ કુંભાણી સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં સમાધાન થઈ જાય તો વધુ સારું જેના ભાગરૂપે મેં મધ્યસ્થી બનવા તૈયારી દર્શાવી છે.
આજે હાર્દિક પટેલ સાથેની મુલાકાત દરમિયાન જો તેઓની માંગણી યોગ્ય લાગશે તો જ હું રાજય સરકાર સાથે વાતચીત કરીશ અન્યથા વાતચીત કરવામાં આવશે નહીં. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મારું એવું માનવું છે કે રાજયમાં આર્થિક રીતે નબળા લોકોને ચોકકસ અનામતનો લાભ મળવો જોઈએ.
છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ દ્વારા રાજયમાં અલગ-અલગ આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે જેનો કોંગ્રેસ ભરપુર રાજકીય લાભ ખાટી રહી છે. લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તેવા સમયે જ હાર્દિક પટેલે ખેડુતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માટે શરૂ કરેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો રાજકીય લાભ ખાટવા માટે કોંગ્રેસ રીતસર મેદાને પડયું છે.
ત્યારે જે રીતે નરેશ પટેલે રાજય સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસનો રાજકીય ખેલ આજ સાંજ સુધીમાં ચોપટ થઈ જાય જો બધુ સમુ સુથરુ ઉતરશે તો આજે આમરણાંત ઉપવાસ આંદોલનના ૧૪માં દિવસે હાર્દિક પટેલ પારણા કરી લેશે. બીજી તરફ ઉપવાસના ૧૪માં દિવસે આજે સવારે પણ હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેની તબિયત સતત બગડી રહી છે અને તબીબો દ્વારા તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવાની પણ સલાહ આપવામાં આવી છે.
મેં કોઈને મધ્યસ્થી કરવાનું નથી કહ્યું: હાર્દિકનું ટવીટ
છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન પર બેઠેલા પાસના કન્વીનર હાર્દિક પટેલ અને રાજય સરકાર વચ્ચે મધ્યસ્થી બનવાની તૈયારી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલે દર્શાવી છે દરમિયાન આજે સવારે હાર્દિક પટેલે ટવીટ કર્યું હતું કે, મેં વ્યકિતગત રીતે કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. સમાજના આગેવાનો અને સંસ્થાઓનું હું પુરુ સન્માન કરું છું હું એક આંદોલનકારી છું. મારે માત્ર મુદાઓ સાથે જ મતલબ છે. સમાજનો કોઈપણ વ્યકિત આંદોલનના મુદાઓ મામલે સરકાર સાથે સમાધાન કરી શકે છે. વ્યકિતગત રીતે મેં કોઈને મધ્યસ્થી બનવા માટે કહ્યું નથી. હું છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ મામલે આંદોલન ચલાવી રહ્યો છું.
શું પાટીદારોને અનામત આપવાનું સોલ્યુશન કોંગ્રેસ પાસે છે ?
પાટીદાર અનામત આંદોલન સમીતીના નેતા હાર્દિક પટેલની અનામતની માંગોને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે પાટીદાર સમાજને અનામત આપવા માટે કોંગ્રેસ પાસે શું સોલ્યુશન છે તેવી સ્પષ્ટતા કરવા સરકારના સૂત્રોએ કહ્યું છે. મંત્રી સૌરભ પટેલે કહ્યું છે કે, કોંગ્રેસ રાજયમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે. જ્ઞાતિ-જાતિ વચ્ચે ભેદ ઉભો કોંગ્રેસ કરી રહી છે. હાર્દિક પટેલને કોંગ્રેસે જ ઉભો કર્યો હોવાનું મંત્રી સૌરભ પટેલનું કહેવું છે. અમે કોંગ્રેસને ચેલેન્જ કરીએ છીએ કે, સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી ૫૦ ટકા અનામતની લીમીટ કોંગ્રેસ કઈ રીતે હટાવશે તેવું લોકો સમક્ષ સ્પષ્ટ કરે.
નરેશ પટેલને દિનેશ કુંભાણી થકી ગૃહમંત્રી પ્રદિપસિંહનું નોત
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ખોડલધામના અગ્રણી દિનેશભાઈ કુંભાણી ગૃહમંત્રીને મળ્યા હતા ત્યારે ગૃહમંત્રીએ કહ્યું હતું કે, નરેશભાઈ પટેલ મધ્યસ્થી કરાવવા તૈયાર છે તે વાત સારી છે. જો આંદોલનનો અંત આવતો હોય તો અમે પણ સાથ સહકાર આપવા તૈયાર છીએ.
વધુમાં નરેશભાઈએ ઉમેર્યું કે, હાર્દિકની તબીયત ગઈકાલથી નાદૂરસ્ત છે. હું પ્રાર્થના ક છું કે તેની તબીયત સુધારા પર આવે. છેલ્લા ૧૪ દિવસથી હાર્દિક ઉપવાસ કરી રહ્યો છે ત્યારે અમારા સમાજની તેમજ અન્ય સમાજની લાગણી છે કે, હું મધ્યસ્થી કરાવું. વહેલાસર હાર્દિક પટેલ પારણા કરે તેવી લોકોએ મને અપીલ કરી છે. જેથી હું ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોને મળીને અમદાવાદ જવા નીકળી ગયો છું.
નરેશભાઈએ વધુમાં કહ્યું કે, હું હાર્દિક પટેલ તેમજ પાસના આગેવાનો સાથે ચર્ચા કરીને આંદોલનનો સુખદ અંત આવે તેવા બનતા પ્રયાસ કરીશ. પાસ દ્વારા ખેડૂતોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તે મુદ્દો ખુબ મહત્વનો છે. હાર્દિક પટેલની માંગ સંતોષવાની હું સરકાર સમક્ષ અપીલ પણ કરું છું.
મુખ્યમંત્રી સાથે હાલ સુધી કોઈ વાતચીત થઈ નથી. આર્થિક રીતે નબળા દરેક સમાજને અનામત મળે તેવી પણ મારી સરકારને અપીલ છે. સી.કે.પટેલ અને છ જેટલી સંસ્થાઓએ મધ્યસ્થી અર્થે સરકાર અને હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. આમ તમામ લોકો આંદોલનનો સુખદ અંત આવે તેવુ ઈચ્છી રહ્યાં છે.
‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં દિનેશ કુંભાણીનો પ્રદિપસિંહ જાડેજા સાથે મીટીંગ થયાનો નનૈયોઅમદાવાદ ખોડલધામ ટ્રસ્ટના કન્વીનર દિનેશ કુંભાણીએ રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મીટીંગ કર્યા બાદ રાજય સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે મધ્યસ્થી બનવા માટે નરેશભાઈ પટેલને નોતરુ આપવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આજે ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન દિનેશ કુંભાણીએ એવો નનૈયો ભણ્યો હતો કે, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે તેઓને રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે કોઈ મીટીંગ થઈ નથી.
તેઓના આ નનૈયાથી નવી જ ચર્ચા શરૂ થઈ જવા પામી છે. આજે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ હાર્દિક પટેલને મળશે અને તેઓને પારણા કરવાના પ્રયાસો કરશે. ત્યારે ખરેખર એવી ચર્ચા ચાલી રહી છે કે શું રાજય સરકાર દ્વારા ખરેખર દિનેશ કુંભાણી સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા બેઠક કરાવી આ આંદોલનમાં મધ્યસ્થી માટે કહેવાયું છે. જો કે, દિનેશ કુંભાણીની ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જે રીતે નનૈયો ભણ્યો છે તે પણ અનેક સવાલો ઉભા કરે છે.