- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભારત મેડિકલ એકસેલન્સ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ભારત મેડિકલ એકસેલન્સ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના હસ્તે મેડિકલ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા અને વિશેષ કામગીરી કરનારા ગુજરાતના ખ્યાતનામ ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ એવોર્ડ વિજેતા ડોક્ટર્સને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં આજે સમાજને નિરામય રાખવા માટે યોગથી આયુષ્યમાન સુધીના પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,
વડાપ્રધાનના નેતૃત્વમાં આજે વૈશ્વિક સ્તરે આપણી નોંધ લેવાઈ રહી છે. આપણી વિરાસત અને સંસ્કૃતિનું સંવર્ધન થઈ રહ્યું છે. આજે સરકારી હોસ્પિટલોમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્ર થકી વિકસિત ભારત બનાવવાનો વડાપ્રધાનશ્રીનો લક્ષ્યાંક છે, એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે પણ સમાજમાં ઘણા તબીબો નિ:સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. સાથે જ, તેમણે જરૂરતમંદ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના સ્પર્શી અભિગમ અપનાવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મહામારીના કપરાં સમયમાં ઘણાં તબીબોએ રાત દિવસ જોયા વિના નિ:સ્વાર્થ ભાવે લોકોની સેવા કરી હતી. કોવિડ મહામારી દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજમાં જાગૃતતા ફેલાવવાનું કાર્ય ડીએનએસ ટોક્સ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આજે રાજ્યમાં તબીબી સુવિધાઓ અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત વિકાસ પામી રહ્યું છે. પીએમજેએવાય
યોજનામાં રાજ્યમાં 5 લાખની સહાય વધારીને 10 લાખ કરવામાં આવી છે. આ યોજનામાં 2500થી વધુ એમ્પેનલ્ડ હોસ્પિટલ છે, જેના લીધે ગરીબ અને છેવાડાના વિસ્તારોમાં પણ લોકોને ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મળી રહે છે. સાથે જ, તેમણે ડાયાલિસિસ સેન્ટર, કોકલિયર ઇમ્પ્લાન્ટ સેવા, નવી શરૂ થનાર મેડિકલ કોલેજ, કુપોષણ નાબૂદી કાર્યક્રમો, સિવિલ મેડીસિટીમાં ઉપલબ્ધ સેવાઓ અને નવીન પ્રકલ્પો, 108 સેવા સહિતની રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ અને ઉપક્રમો વિશે વિગતો પૂરી પડી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રેસિડન્ટ ઇલેક્ટ ડો. અનિલ નાયકે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે રાજ્ય સર્વાંગી વિકાસ સાધી રહ્યું છે. તબીબી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા રાજ્યના ખ્યાતનામ ડોક્ટર્સનું સન્માન કરવાનો આ પ્રસંગ તબીબી ક્ષેત્ર અને સમાજમાં તેમના યોગદાનને મૂલવવાનો એક અનેરો પ્રયાસ છે, એમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે ડીએનએસ ટોક્સના ફાઉન્ડર ડો. નેહલ સાધુએ સ્વાગત પ્રવચન કરતા ડીએનએસ ટોક્સના આરંભ, તેની કામગીરી અને આજના એવોર્ડ સમારંભ વિશે વિસ્તારપૂર્વક વિગતો પૂરી પાડી હતી.