નરેન્દ્રભાઈનો સાત પાનાનો પત્ર મારા જીવનનો સૌથી મોટો પ્રેરણાસ્ત્રોત બની રહ્યો: પંડયા
ભાજપના નેતા ભરત પંડ્યાએ કહ્યું: નરેન્દ્ર મોદીએ મારા પિતાની ભૂમિકા નિભાવી છે, હું એક જ એવો વ્યક્તિ છું જેની સગાઈ, અને રિસેપ્શનમાં તેઓ આવ્યાં છે
વડાપ્રધાન મોદીની જીવનયાત્રાના અનેક પાસાઓ પર જાણિતા કવિ મનોજ મુન્તાસીરે 12 લોકોના ઈન્ટરવ્યુ કર્યા હતાં. જેમાં એક ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભરત પંડ્યા સાથે પણ મનોજ મુન્તાસીરે વાત કરી હતી. ભરત પંડ્યાએ પોતાના જીવનમાં વડાપ્રધાન મોદી કેવી રીતે આવ્યા અને તેમણે શું મદદ કરી એના વિશે વાત કરી હતી.
મોદી RSSનું કામ કરવા માટે ધંધૂકા આવતા મનોજ મન્તાસીરે કહ્યું હતું કે, ગુજરાતની રાજનીતિમાં અનેક વખત પરિવર્તન આવ્યું છે. તેમણે ભરત પંડ્યાને સવાલ કર્યો હતો કે, તમે કેટલા ટેલેન્ટેડ રહ્યા હશો કે નરેન્દ્ર મોદી તમને રાજનીતિમાં લઈ આવ્યા અને તમે એ સમયમાં પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખને ચૂંટણીમાં હરાવ્યા હતાં. તેમના જવાબમાં ભરત પંડ્યાએ કહ્યું હતું કે, 1982માં નરેન્દ્રભાઈ વિભાગ પ્રચારક તરીકે RSSનું કામ કરવા માટે ધંધૂકા આવતા હતાં. ધંધુકામાં મારી તેમની સાથે પ્રથમવાર મુલાકાત થઈ. મારા ઘરે તેમણે રાત્રિ રોકાણ પણ કર્યુ. તેમણે હનુમાનજી પર એક લાંબી કવિતા લખીને મને આપી. તેમણે મને કહ્યું કે આ કવિતાને મને સારા અક્ષરમાં લખીને આપજો.
વિદ્યાર્થી વિસ્તારક તરીકે કામ કરવા માટે મને લેવા માટે આવ્યા ત્યાર બાદ 1984માં તેઓ મને વિદ્યાર્થી વિસ્તારક તરીકે કામ કરવા માટે મને લેવા માટે આવ્યા અને કહ્યું કે, તમે RSSનું કામ કરો. તેઓ મને સાબરકાંઠાના તલોદ શહેરમાં મને લઈ ગયાં. ત્યાં મેં FY.B.COMમાં અભ્યાસ શરૂ કર્યો અને તેની સાથે RSSનું કામ પણ શરૂ કર્યું. ત્યાર બાદ ચાર પાંચ મહિના રહીને હું પાછો આવ્યો. બાદમાં મેં નરેન્દ્રભાઈને એક પત્ર લખ્યો હતો. તેના જવાબમાંસાત પાનાનો મને પત્ર મળ્યો.એ પત્ર મારા જીવનનો સૌથી મોટો પ્રેરણાસ્ત્રોત બની ગયો.એ પત્રમાં તેમણે લખ્યું હતું કે, દરેક સ્થિતિમાં મગજને શાંત રાખો. દરેક ઘટના ક્રમને સાક્ષીભાવથી લો. બીજાના ખરાબ વ્યવહાર પર મનને દુ:ખી ના થવા દો.તેની અસર આપણા બીજા કાર્યો પણ ના થવી જોઈએ.
ભાજપનું કામ કરવા માટે તારે આવવાનું છે તેઓ ધંધૂકા આવ્યા અને 1987ના ડિસેમ્બર મહિનામાં તેમણે મને કહ્યું કે ભાજપનું કામ કરવા માટે તારે આવવાનું છે તૈયાર થઈ જાઓ. ત્યારે મેં 1988માં ભાજપના કાર્યાલયમાં કામ કરવાનું મેં શરૂ કર્યું. હું તેમની સાથે સંઘના કાર્યાલયમાં રહ્યો અને અમે બજાજ સ્કૂટર પર મણિનગર સંઘ કાર્યાલયથી ખાનપુર ભાજપના કાર્યાલય પર અમે સાથે જતાં હતાં. 1989માં ભાજપના કાર્યાયલનો મને ઓફિસ સેક્રેટરી બનાવવામાં આવ્યો. એ સમયે મારી ઉંમર 22 વર્ષની હતી. મને ધીમે ધીમે કામ કરાવવાનું શરૂ કર્યું, પ્રેસનોટ આપતાં, રિઝોલ્યુશન આપવાનું શરૂ કર્યું.ત્યાર બાદ હું બે વખત ભાજપનો પ્રવક્તા બન્યો. બે ટર્મ સુધી ધારાસભ્ય રહ્યો. મહાસચિવ બન્યો.72 પ્રકારની જવાબદારી તેમણે મને સોંપી હતી.
મારા દરેક પ્રસંગની વ્યવસ્થા પણ તેમણે કરી છે મારા જીવનના દરેક પથ પર તેઓ મારી સાથે ઉભા રહ્યાં છે. હું બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. એ સમયે હું એક વિધવા માતાનો દીકરો હતો અને સામાન્ય પરિવારમાં ઉછર્યો હતો. તે સમયે નરેન્દ્રભાઈએ મને 14 વર્ષની ઉંમરથી જ સાથે રાખ્યો હતો. તેમણે મારા પિતાની ભૂમિકા નિભાવી છે. હું એટલો ભાગ્યશાળી છું. મારી સગાઈમાં તેઓ આવ્યા, મારા લગ્નની જાનમાં પણ તેઓ આવ્યા, મારા રિસેપ્શનમાં પણ તેઓ આવ્યા,.હું એક જ એવો વ્યક્તિ છું જેની સગાઈ, લગ્ન અને રિસેપ્શનમાં તેઓ આવ્યાં છે.મારા દરેક પ્રસંગની વ્યવસ્થા પણ તેમણે કરી છે. એટલે જ હું માનું છું કે તેઓ યુગપુરૂષ છે.