ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલ બન્યાં ‘અબતક’ મીડિયા હાઉસના મોંઘેરા મહેમાન
અબતક, રાજકોટ
ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલે આજે સૌરાષ્ટ્રની પ્રજાના અડિખમ પ્રહરી એવા ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ફરી રેકોર્ડબ્રેક બેઠકો સાથે સત્તારૂઢ થવા માટેની ભાજપની રણનીતિ સહિતના વિવિધ મુદ્દાઓ પર ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તમામ પ્રશ્ર્નોના તેઓએ સહજતાપૂર્વક જવાબ આપ્યા હતા.
સંગઠન અને સરકાર એટલે સી.આર. જ ની વાત હંબક,
હું ક્યારેય સચિવાલયમાં ગયો નથી કે કોઈ અધિકારીને પણ મેં ફોન ર્ક્યો નથી
પ્રશ્ર્ન: ટી.એન.સેશનની નિયુક્તિ બાદ જે રીતે ચૂંટણીપંચની તાકાત ખબર પડી તે રીતે સી.આર. પ્રમુખ બન્યા બાદ સંગઠનનું મહત્વ દેખાયું ?
જવાબ: સંગઠનમાં મારા પહેલા અનેક પ્રમુખો આવ્યા છે અને તેઓ તમામે કામે ર્ક્યું છે, બધાની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, એમણે કરેલા કામોના કારણે જ ભાજપ અત્યારે એક મજબૂત ઈમારત બનીને ઉભુ છે. મારા ભાગે માત્ર રંગ રંગોન કરવાનું કામ આવ્યું છે જે મેં સારી રીતે કરતા પરિણામો દેખાઈ રહ્યાં છે.
પ્રશ્ર્ન: સી.આર.પાટીલથી બધા ફફડે છે ? તે વાત સાચી છે
જવાબ: ખોટુ કરતા હશે તેને ડરવાની ચોક્કસ જરૂર છે બાકી પાર્ટીમાં નાનામાં નાનો કાર્યકર મને સીધો મળે છે અને ફોન પણ કરે છે, આજ દિન સુધી એવું બન્યું નથી કે, મેં કોઈ કાર્યકર્તાને ઘઘલાવ્યા હોય કે તેઓના પર ગુસ્સો ર્ક્યો હોય મારા સુધી સીધી માહિતી પહોંચે છે જેના કારણે જે ખોટુ કરતા હોય તેને ડરવાની જરૂર છે. બાકી તમામ કાર્યકરો મને સીધો ફોન કરી શકે છે.
વિધાનસભાના ઉમેદવારો નક્કી કરવાની સત્તા કેન્દ્રીય પાર્લામેન્ટી બોર્ડ પાસે છે:
નો-રિપીટ અંગે હું નિર્ણય
ન લઈ શકુ
પ્રશ્ર્ન: વિધાનસભાની આગામી ચૂંટણીમાં પણ ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે?
જવાબ: વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાની સત્તા કેન્દ્રીય પાર્લામેન્ટી બોર્ડ પાસે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ ધારાસભાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી કરતા હોય છે. ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નો-રિપીટ થિયરી અપનાવવી કે કેમ તેનો નિર્ણય લેવા માટે મારી પાસે અધિકાર નથી, તે અંગે સમય આવ્યે કેન્દ્રીય નેતાગીરી નિર્ણય લેશે.
પ્રશ્ર્ન: વિધાનસભાની ચૂંટણીમાં 140 પ્લસ બેઠકોનું લક્ષ્યાંક કઈ રીતે સિદ્ધ કરશો ?
જવાબ: ગુજરાતમાં હાલ ભાજપના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો પુરા ખંત સાથે જનતાની સેવા કરી રહ્યાં છે. ભાજપના કાર્યકરો લાકડી જેવા છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે અને અમેં માત્ર કાર્યકર તરીકે લાકડી બની તેને ટેકો આપીએ છીએ અને તેમાં સફળ પણ થઈએ છીએ.
વિજયભાઈ રૂપાણી સ્ટાર પ્રચારક છે, પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય પણ છે,
તેમના બહોળા અનુભવનો ચૂંટણીમાં ભરપુર ઉપયોગ કરાશે
પ્રશ્ર્ન: વી.આર. (વિજય રૂપાણી) ઉપર સી.આર.ભારી છે ?
જવાબ: આ વાત ખોટા અનુમાનોથી વિશેષ કશું છે જ નહીં, વિજયભાઈ રૂપાણી અમારા આગેવાન છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે, પાર્ટીએ તેઓને તક આપી હતી અને 5 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓએ અનેક પ્રજાલક્ષી કામો ર્ક્યા છે. તેઓ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય પણ છે અને સ્ટાર પ્રચારક પણ છે. સૌરાષ્ટ્રના સંગઠનમાં તેઓ પહોળો અનુભવ ધરાવે છે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં તેઓની તાકાતનો પાર્ટી દ્વારા પુરો ઉપયોગ કરવામાં આવશે.
મને માત્ર માછલીની આંખ જ દેખાય છે, મારૂ લક્ષ્ય નક્કી છે બીજી પાર્ટીઓ અને તેના નેતાઓ શું કરે છે તે જોવાનો સમય જ નથી
પ્રશ્ર્ન: આમ આદમી પાર્ટી ભાજપની બી-ટીમ ?, કોંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાયું
જવાબ: આજ સુધી મેં ક્યારેય કોઈપણ કાર્યક્રમમાં અન્ય પાર્ટી કે તેના આગેવાનનું નામ લીધુ નથી. હું માત્ર મારી પાર્ટી, મારા કાર્યકરો અને આગેવાનોની જ વાત કરૂ છું, તેમણે કરેલા કામો અને નિર્ણયોની જ ચર્ચા કરૂ છું, મારૂ લક્ષ્ય બહુ જ સીધુ છે, મને માત્ર માછલીનું આંખ જ દેખાય છે, બીજા નેતા કે પાર્ટી તરફ જવાનો મારો પાસે સમય જ નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક દિવસ પણ વહેલી નહીં યોજાય: પાટીલે
વહેલી ચૂંટણીની વહેતી થયેલી વાતોનો છેદ ઉડાવી દીધો
પ્રશ્ર્ન: શું ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે ?
જવાબ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક દિવસ પણ વહેલી નહીં યોજાય. ચૂંટણી સમયસર જ યોજાશે તેવું કહી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે, વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તે વાત પરથી છેદ ઉડાવી દીધો છે.
પ્રશ્ર્ન: લોકસભામાં 400થી વધુ બેઠકો જીતવા માટે અર્થ વ્યવસ્થા અને આતંકવાદનો સફાયો સફળતા અપાવશે ?
જવાબ: આખા દેશમાં સર્વમાન્ય નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સ્વીકાર્ય છે. દેશવાસીઓને તેના પર ખુબ જ વિશ્ર્વાસ છે. અન્ય રાજકીય પાર્ટીઓએ જનતાને કાયમ નિરાશ કર્યા છે જેના કારણે લોકો મજબુતાઈથી મોદીની સાથે ઉભા છે જેના ખુબ સારા પરિણામો મળી રહ્યો છે.
સંગઠન અને સરકાર વચ્ચે જો સંકલન ન હોય તો વિવાદ ઉભો થાય:
કોઈપણ નિર્ણય લેતા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંગઠન સાથે ચર્ચા ચોક્કસ કરે છે
પ્રશ્ર્ન: સંગઠન અને સરકાર એટલે સી.આર. જ ?
જવાબ: આ એક ખોટી છાપ ઉભી કરવામાં આવી છે. હું ક્યારેય સચિવાલયમાં ગયો નથી કે આજ સુધી મેં કોઈ અધિકારીને સીધો ફોન પણ ર્ક્યો નથી. સંગઠન અને સરકાર વચ્ચે જો પુરતું સંકલન ન હોય તો વિવાદ ઉભા થાય છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે બેસી વાત કરે છે અને ચર્ચા ર્ક્યા બાદ જ નિર્ણય લેવામાં આવે છે.
પ્રશ્ર્ન: નવી સરકાર સંગઠનને પુછયા વિના પાણી પણ પીતી નથી ?
જવાબ: આ વાત માત્ર અફવા છે, સંગઠન અને સરકાર પુરા તાલમેલ સાથે લોકઉપયોગી કામો કરી રહી છે અને તેને આગળ વધારી રહી છે. અમારો ઉદ્દેશ માત્ર લોકોની સેવા કરવાનો છે.
પ્રશ્ર્ન: સૌરાષ્ટ્રની રાજનીતિનું ગણિત સી.આર. પુરી રીતે સમજી ગયા છે ?
જવાબ: કેટલાંક પ્રશ્ર્નોનો જવાબ સમય પહેલા આપવામાં આવે તો તે અંગે ગેરસમજ ઉભી થાય છે, સમય આવ્યે તમામ પ્રશ્ર્નોના જવાબ આપી દેવામાં આવશે.
‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, સૌરાષ્ટ્ર-કચ્છ જોનના ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.