શિક્ષણ એ ઈશ્વરીય કાર્ય છે, શિક્ષકો નોકરીને કર્મ ગણીને સામાજિક જવાબદારીથી કામ કરે- પછાત વર્ગ વિકાસનિગમના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર બાપુ સોલંકી
કુતિયાણા શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ અપાયો
પોરબંદર જિલ્લામાં આજે શહેરી વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
કુતિયાણા,પોરબંદર અને રાણાવાવ શહેરમાં આવેલી શાળાઓમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ તેમજ રાજ્યકક્ષાએથી આવેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં શહેરી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાયા હતા.
કુતિયાણા શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ગુજરાત રાજ્ય પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષશ્રી નરેન્દ્ર બાપુ સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
કુતિયાણાની સો વર્ષથી પણ જૂની ૧૯૧૫માં સ્થપાયેલી સરકારી હાઈસ્કૂલમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ધોરણ ૧ ના ૨૩ અને ધોરણ ૯ના ૧૧ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા શ્રી નરેન્દ્ર બાપુ સોલંકીએ જણાવ્યું હતું કે શિક્ષણનું કાર્ય ઈશ્વરીય કાર્ય છે. સરકારી શાળાઓમાં નોકરી કરતા શિક્ષકો નોકરીની દ્રષ્ટિએ નહિ પરંતુ ગીતાના સિધ્ધાંતો પ્રમાણે એક સાચા કર્મયોગી બનીને સામાજિક જવાબદારી થી શિક્ષણનું કાર્ય કરે તે જરૂરી છે.રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં તમામ સુવિધા આપી છે ત્યારે હવે શિક્ષકોએ આ સામાજિક જવાબદારી ઉપાડી લઈને શિક્ષણનું કાર્ય આગળ ધપાવવાનું છે.શ્રી નરેન્દ્ર બાપુએ કહ્યું કે સરકારી શાળાઓમાં અભ્યાસ કરીને અનેક વ્યક્તિઓ સફળ થયા છે.
આજે મોટા ભાગના અધિકારીઓ તબીબો-ઈજનેરો અને સમાજના ક્ષેત્રના અગ્રણીઓ પણ સરકારી શાળામાં જ ભણીને આગળ વધ્યા છે.ત્યારે નવી પેઢીને પણ સરકારી શાળામાં જ શ્રેષ્ઠ શિક્ષણ આપીને શિક્ષકો સાચા કર્મયોગી બને તેવી અપીલ કરી હતી. તેઓએ રાજકોટમાં સરકાર હસ્તકની શાળાઓમાં શિક્ષક ભાઈ બહેનો એ કરેલા શ્રેષ્ઠ કામગીરી ના દાખલા આપીને પોરબંદર જિલ્લામાં પણ શિક્ષકો શિક્ષણકાર્યમાં મહેનત કરીને તેમની શાળા આગળ આવે અને તેમના વિદ્યાર્થીઓ નો વિકાસ થાય તે માટે નૈતિક જવાબદારી થી કામ કરે તે માટે અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે અને ઉચ્ચ અભ્યાસ માટે પણ સરકાર દ્વારા લોન સહાય આપવામાં આવે છે એટલે તોતેમના સંતાનોને શિક્ષણ આપીને શ્રેષ્ઠ નાગરિક બનાવવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે જીવનમાં વિદ્યાર્થીકાળ દરમિયાન કરેલી મહેનત થી જ સફળ થવાય છે એટલે ભણવામાં રસ દાખવવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિની ભરાડીયા નંદની અને મકવાણા આરાધના એ કર્યું હતું. વિદ્યાર્થીની દેવમુરારી નિરાલીએ સુંદર રીતે ગીતો રજૂ કરીને ગીત-સંગીતની આગવી કલા રજૂ કરી હતી.
આ પ્રસંગે કુતિયાણા સરકારી હાઇસ્કૂલ ના આચાર્યશ્રી પ્રજાપતિ સી.આર.સી શ્રી ચિરાગભાઈ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.