પૂ.નરેન્દ્રબાપુએ રોટલા અને ઓટલાના ધર્મને દીપાવ્યો
ભાગવત કથાના ત્રીજા દિવસે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાનના સંતોનુ જાજરમાન સન્માન કરાયુ
સ્વામીનારાયણ ગુરૂકુળના મહંતશ્રી પ.પૂ.દેવકૃષ્ણસ્વામીની આપાગીગાના ઓટલા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં પ્રેરક ઉપસ્થિતી: નરેન્દ્રબાપુના સેવાકાર્યોને બિરદાવ્યા
ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઉમટેલી હજારોની મેદનીએ મોરબીના મૃતકોને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી
અબતક, રાજકોટ
શ્રી આપાગીગાના ઓટલા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) દ્વારા રૂડા પાટલાઓ સાથે તા.4 નવેમ્બર સુધી દ્વારકાનગરી, શેઠ હાઇસ્કુલ, 80 ફુટ રોડ પર વિશાળ મેદાનમાં હકડે ઠઠ મેદની વચ્ચે માનવ સમાજમાં સર્વ સમાજના લોકોના હીતાર્થે પોતાના પિતૃઓના મોક્ષાર્થે પૂજ્ય રામેશ્ર્વરબાપુ હરીયાણી કથા ચાલી રહી છે. જેમાં ત્રીજા દિવસે સૌ પ્રથમ વ્યાસપીઠ પર બિરાજમાન વકતા રામેશ્ર્વરબાપુનું નરેન્દ્રભાઇ સોલંકીના પરિવાર દ્વારા ફુલહારથી સ્વાગત કરાયુ હતુ. કથામાં વ્યાસપીઠ પરથી રામેશ્ર્વરબાપુએ કહ્યુ હતુ કે નાનામાં નાના માણસની જે ચિંતા કરે છે તે નરેન્દ્રબાપુને મારા વ્યાસપીઠ પરથી પ્રણામ છે.
પૂજ્ય રામેશ્વર બાપુએ કથાના પ્રારંભે જણાવ્યુ હતુ કે મોરબીની ઘટના દુ:ખદ ઘટનાથી પણ કંઇક વિશેષ છે આ દુર્ઘટના ગુજરાત માટે ખુબ જ દુ:ખદ દાયક છે.
નાના બાળકો, યુવાનો અને મહીલાઓના મોતની આ દુર્ઘટનાએ વધુ એકવાર મચ્છુ હોનારતની યાદ અપાવી છે. વ્યાસપીઠ પરથી બાપુએ જુલતા પુલની તુટી પડવાની ઘટનામાં જે જીવાત્મા મૃત્યુને પામ્યા છે તે સૌને પ્રણામ કર્યા હતા.
વધુમાં કથાકાર શ્રી રામેશ્ર્વરબાપુ હરીયાણીએ સરદાર પટેલને પણ વ્યાસ પીઠ પરથી યાદ કરીને તેમની જન્મ જયંતિ નિમીતે તેમને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યુ હતુ કે સરદાર પટેલ મૃત્યુ પામ્યા ત્યારે તેમનું બેંક બેલેન્સ ફક્ત રૂ.282 જ હતુ. સરદાર પટેલે કયારેય પોતાનો વ્યક્તિગત વિચાર કર્યો ન હતો. પરંતુ હંમેશા રાષ્ટ્રની જ ચિંતા કરી હતી. આજે રાષ્ટ્રને ફરી આવા લોખંડી રાજપુરૂષોની જરૂર છે.
સરદાર પટેલ અને જલારામબાપા આપણા મનુષ્ય જીવનના આદર્શ પ્રેરણા સ્તોત્ર છે:પ.પૂ. નરેન્દ્રબાપુ
મોરબીની દુર્ઘટના દુ:ખદ ઘટનાથી પણ છે વિશેષ:પ.પૂ. રામેશ્વરબાપુ હરીયાણી
સાથે સાથે તેમને રાજસતા પર સરદારના રસ્તે ચાલતા નરેન્દ્રબાપુની પણ પ્રશંસા કરી જણાવ્યુ હતુ કે તેઓએ સંતોને ભોજન કરાવવું ભુખ્યાને રોટલો અને ઓટલો એજ સેવાનો મુખ્ય ધ્યેય બનાવ્યો છે.
ત્યારે તેમની ભાવી સફર માટે તેમને નરેન્દ્રબાપુને શુભ કામના પાઠવી હતી. શ્રી રામેશ્ર્વરબાપુએ ભાગવત કથા દરમ્યાન વ્યાસપીઠ પરથી જણાવ્યુ હતુ કે ભાગવત ગ્રંથ છે એ તો ખુદ હરતા ફરતા સંત છે તેના પાને પાને પરમેશ્ર્વર છે. કથાના ત્રિજા દિવસે રામેશ્ર્વરબાપુ દ્વારા મહાભારતના પ્રસંગોનું વિશેષ નીરૂપણ કરવામાં આવ્યુ હતુ. પાંડવોના પ્રસંગને અનુલક્ષીને તેઓએ જણાવ્યુ હતુ કે જયારે પાંચેય પાંડવોના સંતાનો મૃત અવસ્થામાં પડયા હોય છે ત્યારે અર્જુન એવો સંકલ્પ કરે છે કે જેણે અમારા પુત્રોને માર્યા છે તેને હુ જીવીત નહી છોડુ ગુરૂદ્રોણના પુત્ર અશ્ર્વધામા દ્વારા આ કૃત્ય થયુ હોવાનુ જાણવા આવતા અર્જુને અશ્ર્વધામાને યુદ્ધ માટે લલકાર્યો હતો. પરંતુ અશ્ર્વધામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરતા શ્રી કૃષ્ણએ અર્જુનને પણ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનું સુચન કર્યુ હતુ. જ્યારે અર્જુન દ્વારા અશ્ર્વધામાને મારવા માટે પ્રહાર કરવામાં આવ્યો ત્યારે કૃષ્ણ એ તેમને રોકીને એ તમારો અધીકાર નથી પાંચાલીનો અધીકાર છે તેમ જણાવ્યુ હતુ.
પૂજ્ય રામેશ્વર બાપુએ જણાવ્યુ હતુ કે આજે ચોથા ચરણમાં કળયુગ છે ત્યારે પાપ ન થાય તે માટે માનસીક રીતે સતેજ રહેવું જોઈએ અને પાપકર્મથી બચી શકાય તે માટે ભજનનો સહારો લેવો જોઇએ. ભાગવત સપ્તાહના આજના ત્રિજા દિવસે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાનના પ.પૂ. મહંત દેવકૃષ્ણ સ્વામી મહારાજ તથા તેમના શિષ્યગણ સ્વામી જ્ઞાન જીવનનદાસજી સ્વામી, ધર્મકિશોર દાસજી સ્વામી, મુનીશ્ર્વર દાસજી સ્વામી, ગુણવલ્લભદાસજી સ્વામી, મહાપુરૂષદાસજી સ્વામી, પારસદ નિલકંઠ ભગત સહીતના સંતો પધાર્યા હતા. જેમનું પૂજ્ય નરેન્દ્રબાપુ અને પૂજ્ય રામેશ્ર્વરબાપુએ શાલ ઓઢાળીને સન્માન કર્યુ હતુ અને તેમના આર્શીવાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પોતાના આર્શીવચનમાં પરમ પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીજીએ જણાવ્યુ હતુ કે પૂજ્ય નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ વર્ષોથી રાજકોટ ગુરુકુળના કૃપાપાત્ર રહ્યા છે. રોટલા અને ઓટલાના સેવાધર્મ દ્વારા પૂજ્ય નરેન્દ્રબાપુએ મહંતપદને દિપાવ્યું છે. સ્વામી દેવકૃષ્ણદાસજીએ આ તકે પૂજ્ય નરેન્દ્રબાપુના ગુરૂ એવા સદગુરૂદેવ શ્રી જીવરાજબાપુને યાદ કરીને જણાવ્યુ હતુ કે તેમના જેવા સનીષ્ઠ સંત તેમણે આજ સુધી જોયા નથી. તેઓએ કહ્યુ હતુ કે સતાધારમાં જે જગ્યા છે તે અલૌકીક છે અને તેની જ પાંખરૂપી શ્રી આપાગીગાના ઓટલા દ્વારા પણ ખુબ સારી સેવા પ્રવૃતિઓ અને ધાર્મીક પ્રવૃતિઓ થઇ રહી છે.
સમાજમાં જે મોટેરા હોય તેમના જીવનમાં જે સત્વ હોય તેમાંથી આપણે આપણા જીવનમાં નીતી પ્રમાણીકતા અને સદ્ગુણોની પ્રમાણીકતા મેળવી જોઇએ. આજે સમાજને સંસ્કાર યુકત નાગરીકની જરૂર છે. રાજકોટ ગુરૂકુળની સ્થાપના ધર્મદાસજી મહારાજ દ્વારા આજથી 75 વર્ષ પહેલા કરવામાં આવી હતી. જે સંસ્થા આજે સારા માણસ ઘડવાનું કામ કરી રહેલ છે.
સંસ્કાર સાથે શીક્ષણનો સેવાયજ્ઞ રાજકોટ ગુરૂકુળ દ્વારા ચાલી રહ્યો છે. પૂજય નરેન્દ્રબાપુએ આ બાબતે પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે તેઓ જ્યારે 1995માં સૌ પ્રથમ ચુંટણી લડ્યા ત્યારે સ્વામીનારાયણ ગુરૂકુળના સપ્રસિદ્ધ સંત પ.પૂ. જોગી સ્વામીએ તેમને કંઠી પહેરાવી હતી અને તેમના તથા પુજ્ય જીવરાજબાપુના આર્શીવાદથી શ્રીમદ્ ભાગવત સપ્તાહના ત્રિજા દિવસે મંચ પરથી સાધુ, સંતો, મહંતોની સાથે સાથે લેવા પાટીદાર સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ભિખાભાઈ બાંભણીયાનું પૂજ્ય નરેન્દ્રબાપુ અને પૂ. રામેશ્ર્વરબાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. કથાના સમાપન બાદ ઉપસ્થિત ભાવીક જનોએ પોતાના મોબાઇલની ટોચ લાઇટ ઓન કરીને મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી તેમજ બે મીનીટનું મૌન પાળવામાં આવ્યુ હતુ. તેમજ સરદાર જયંતિ તેમજ જલારામ જયંતિ નિમિતે તેમને પણ આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા. આજની કથાના મહાપ્રસાદમાં મીઠાઇઓ કે ફરસાણ મોરબીના મૃતકોના શોકમાં રાખવામાં આવ્યા ન હતા.હજારો ભાવિકજનોએ સાદો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.