થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વહારે આવી રક્તદાન કેમ્પ યોજી જન્મદિવસની ઉજવણી
’મન હોય તો માળવે જવાય’ આ ઉક્તિને ખરા અર્થમાં રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ સાર્થક કરી બતાવી છે. નરેન્દ્રસિંહ જાડેજાએ એક સામાન્ય પત્રકાર તરીકે શરૂઆત કરી હતી અને આજે તેઓ સૌરાષ્ટ્રની સૌથી મોટી ખેડૂત સંસ્થા રા.લો. સંઘના ચેરમેન બન્યા છે.
આજે નરેન્દ્રસિંહ તેમના જીવનમાં અનેકવિધ ઉતાર – ચઢાવ, પડકારો જીલીને સફળતાપૂર્વક ૬૦ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. નરેન્દ્રસિંહના જીવનની જો વાત કરવામાં આવે તો તેઓ ખેડૂતોના આગેવાન છે, હરહંમેશ માટે તેઓ ખેડૂતોના પ્રશ્ને અગ્રેસર રહીને નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેઓ અગાઉ જન પ્રતિનિધિત્વ પણ કરી ચુક્યા છે, જે સમયે પ્રજાના પ્રશ્ને તેઓ અવાર નવાર રજુઆત કરવામાં પાછળ નથી પડ્યા. તેઓ સામાજિક આગેવાન પણ છે.
નરેન્દ્રસિંહ ગૌ પ્રેમી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગૌ સેવા સાથે સંકળાયેલા છે. તેઓ પોતાની ગૌ શાળા ધરાવે છે અને દરરોજ દિવસની શરૂઆત તેઓ ગૌની સેવા કરીને પ્રારંભ કરે છે. નરેન્દ્રસિંહ જાડેજા પોતાનું સાપ્તાહિક અખબાર અને વેબ ચેનલ પણ ધરાવે છે.
નરેન્દ્રસિંહ જાડેજાએ તેમના જન્મદિવસની ઉજવણી કંઇક અલગ રીતે કરી છે. લગભગ તમામ લોકો જન્મદિવસની ઉજવણી પાર્ટી કરીને, કેક કાપીને કરતા હોય છે પણ નરેન્દ્રસિંહે જન્મદિવસની ઉજવણી રક્તદાન કરીને જીવનદાન આપીને કરી છે. તેમણે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની લોહીની જરૂરિયાતને ધ્યાને રાખીને સમાજને એક મહત્વપૂર્ણ સંદેશો પાઠવ્યો છે. નરેન્દ્રસિંહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા આવતા તમામ લોકોને તેઓ રક્તદાન કરીને ખરા અર્થમાં શુભેચ્છાઓ પાઠવવા અપીલ કરી હતી.
જન્મદિનની સૌ કોઈ ઉજવણી પોતપોતાની રીતે કરતા હોય છે પરંતુ કોઈ ઉજવણી ક્યારેક યાદગાર બની જતી હોય છે. રાજકોટના સહકારી ક્ષેત્રના આગેવાન, ગૌપ્રેમી, સમાજસેવક નરેન્દ્રસિંહ જાડેજા એ પોતાના ૬૦મા જન્મ દિવસની જરૂરિયાતમંદ લોકોને “જીવનદાન” આપવાની ઉમદા ભાવનાથી પ્રેરક ઉજવણી કરી છે.
રા.લો.સંઘ ના ચેરમેન, અકિલાના વરિષ્ઠ પત્રકાર નરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે કાઠિયાવાડ જીમખાના ખાતે સર્વ સમાજના સથવારે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના થેલેસેમિયા પીડિત બાળકો તથા અન્ય જરૂરિયાત મંદ દર્દીઓના લાભાર્થે યોજાયેલા રક્તદાન કેમ્પમાં સવારથી જ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી સ્નેહીજનો ,શુભેચ્છકો ,સેવાભાવીમિત્રો, યુવાઓ ,રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. નરેન્દ્રસિંહના પરિવારે રક્તદાનથી કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. પ્રતિપાલ સિંહ જાડેજાએ રક્તદાન કર્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડબેંકના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૩૦૦ યુનિટ રક્ત એકત્ર થયું હતું જે અનેક લોકોનું જીવન બચાવવામાં ઉપયોગી બનશે. રકતદાન કરવા આવેલા દિગ્વિજયસિંહ જેઠવા એ જણાવ્યું કે આ મારુ ૩૪મુ રક્તદાન છે. એકવાર મારા પિતાને લોહીની જરૂર પડી ત્યારે મને રક્તદાનનું મહત્વ સમજાયું અને ત્યારથી નિયમિત રક્તદાન કરું છું. આ સેવા કાર્યમાં પોતાની ટીમ સાથે સહભાગી બનેલા સિવિલ હોસ્પિટલ ના ડો. ડેનિશ વાછાણીએ જણાવ્યું કે આવી પહેલને સિવિલ હોસ્પિટલ તંત્ર આવકારે છે.
થેલેસેમિયા પીડિત બાળકો ,સગર્ભા ને લોહીની જરૂર પડે છે. કોરોના ને કારણે વર્તમાન સમયમાં રક્તદાનમાં ઘટાડો થયો છે ત્યારે જન્મદિન નિમિતે યોજેલો આ રક્તદાન કેમ્પ ઘણો ઉપયોગી બની રહેશે. સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક ના વિજયભાઈ ચૌહાણે જણાવ્યું કે રક્તદાન થી કોઈનું જીવન બચાવી શકાય છે.રક્તદાન થી દાતાને પણ લાભ થાય અને તેના શરીરમાં નવું લોહી બને છે.૧૮ થી ૫૦ વર્ષ ની ઉમર રક્તદાન માટે આદર્શ છે. કોઈનું એક વખતનું રક્તદાન ૩ લોકોનું જીવન બચાવી શકે છે. શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના કાર્યકર અને કેમ્પના સંયોજક વિનય જસાણીએ જણાવ્યું કે ૪૫૦ જેટલા થેલેસેમિયા પીડિત બાળકો ને નિયમિત રીતે લોહીની જરૂર પડે છે.ઉપરાંત કોરોનને કારણે પ્લાઝ્માની ભારે માંગ છે આવા સમયે જન્મ દિવસ ની રક્તદાન કેપ યોજી ઉજવણી અન્યો માટે પ્રેરક બનશે. પ્રસંગે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, અરવિંદ રૈયાણી, મહાપાલિકા સ્ટે.કમિટી ચેરમેન ઉદય કાનગડ, જીતુભાઇ ભટ્ટ ,ગાયત્રીબા વાઘેલા ,લોધીકા કારોબારી સંઘના ચેરમેન દિગુભા પાળ, લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજા, અનિલ મકવાણા, જગદેવસિંહ જાડેજા, ગોપાલસિંહ પીપળીયા,જીવન કો.બેંકના ચેરમેન રાજેશભાઈ પરસાણા, નીતાબેન, વાસવીબેન સહિતં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય માટે કરેલા સારા કાર્યો ક્યારેય વ્યર્થ જતા નથી: નરેન્દ્રસિંહ જાડેજા
નરેન્દ્રસિંહ જાડેજાએ ’અબતક’ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, પૌરાણિકકાળથી એવું ચાલતું આવ્યું છે અને આપણે સાંભળ્યું છે કે, જન્મદિવસની ઉજવણી સેવાભાવી કાર્યો કે જેના થકી આપણે સમાજને ઉપયોગી થઈ શકીએ તેવા કાર્યોથી કરવી જોઈએ. આજે મારા ત્રણેય પુત્રો યશપાલસિંહ, દર્શનસિંહ અને પ્રતિપાલસિંહને એક સારો વિચાર આવ્યો કે, મારા જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પનું આયોજન કરીને કરવામાં આવે જે વિચાર ખૂબ સારો છે અને આ વિચારને આજે અમલમાં મૂકી જરૂરિયાતમંદ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની લોહીની જરૂરિયાતને ધ્યાને રાખીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મારી ઈચ્છા છે કે, વધુમાં વધુ લોહી એકત્રિત કરીને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકીએ. તેમણે તેમના જીવન અંગે કહ્યું હતું કે, હું એક આર્મીમેનનો પુત્ર છું એટલે સ્વાભાવિક છે કે, તેમના જીવનની છાંટ આવે જ. જિંદગીના તમામ તડકા – છાયા જોયા છે જેમાંથી હું શીખ્યો છું કે, ઈશ્વરની ભક્તિ, સારા કર્મો અને અન્ય માટે કરેલા સારા કામ ક્યારેય વ્યર્થ જતું નથી. આજે હું એક પત્રકારથી માંડી રા.લો. સંઘના ચેરમેન સુધી પહોંચ્યો છું તેનું જ પરિણામ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ’સાહસ વિના સિદ્ધિ નહીં’ હું તે બાબતમાં વિશ્વાસ ધરાવું છું. કોઈ પડકાર વિના જો કોઈ સિદ્ધિ મળે તો તેની કિંમત રહેતી નથી પણ પડકારનો સામનો કરીને મેળવેલી સિદ્ધિ જીવનભર યાદ રહી જતી હોય છે.
સરળ વ્યક્તિત્વ અને ગૌ પ્રેમીનો બેનમુન ઉદાહરણ એટલે નરેન્દ્રસિંહ જાડેજા: લાખાભાઈ સાગઠિયા
રાજકોટ વિધાનસભા ૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ કહ્યું હતું કે, હું અને નરેન્દ્રસિંહ જાડેજા નાનપણના મિત્રો છીએ. તેમના ફાર્મ પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે હું અવાર નવાર મળતા હોઈએ છીએ. નરેન્દ્રસિંહ જાડેજા એટલે એક સરળ વ્યક્તિત્વ અને ગૌ પ્રેમી. આજે તેઓ રા.લો. સંઘની આગેવાની કરી રહ્યા છે ત્યારે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. આજના સમયમાં પણ કોઈ વ્યક્તિ તેમની પાસે જાય તો તેને નરેન્દ્રસિંહ ખૂબ જ શાંતિથી સાંભળે છે, કુનેહપૂર્વક જવાબ આપે છે અને તેમની સમસ્યા જ્યાં સુધી ઉકેલાય નહીં ત્યાં સુધી તેઓ સાથે રહે છે. આ તમામ બાબતો તેમને અલગ પાડે છે. આજે હું તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખાસ જે રીતે તેઓ રક્તદાન કેમ્પ યોજી સમાજને ઉપયોગી બની જન્મદિવસની ઉજવણી કરી રહયા છે તે બાબત પણ ખૂબ જ પ્રસંશનીય છે. લાખાભાઈએ ઉમેર્યું હતું કે, આગામી તારીખ ૪ નવેમ્બરના રોજ મારો પણ જન્મદિવસ છે અને ત્યારે હું પણ રક્તદાન કેમ્પનું આયોજન કરીને સમાજના સુખમાં સુખી થઈને જન્મદિવસની ઉજવણી કરીશ ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવી મારી અપીલ છે.