ભાજપ હાઇકમાન્ડ દ્વારા રા.લો.સંઘના ચેરમેન પદે બાપુને કરાયા રિપીટ: વાઇઝ ચેરમેન પદે અરજણભાઇ રૈયાણીની નિયુક્તી
રાજકોટ-લોધિકા ખરીદ-વેંચાણ સંઘના ચેરમેન પદે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા પર વિશ્ર્વાસ યથાવત રાખવામાં આવ્યો છે. તેઓને ચેરમેન પદે રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇઝ ચેરમેન પદે સંજય અમરેલીયાના સ્થાને અરજણભાઇ રૈયાણીની નિયુક્તી કરવામાં આવી છે.
રા.લો.સંઘની ચૂંટણી અગાઉ બે વખત મોકૂફ રહ્યા બાદ આજે સવારે ચેરમેન અને વાઇઝ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેનને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇઝ ચેરમેન તરીકે અરજણભાઇ રૈયાણીની વરણી કરવાની ઘોષણા કરવામાં આવતા હરિફોના હાથ વધુ એક વખત હેઠા પડ્યા હતા. રા.લો.સંઘના ચેરમેન પદ માટે નરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત પૂર્વ ચેરમેન નિતીનભાઇ ઢાંકેચા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદભાઇ રૈયાણીને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.
ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ ચાલતી હતી. છેલ્લા એક સપ્તાહથી ગાંધીનગર સુધી સતત ભલામણો અને લોબીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ગઇકાલ સાંજ સુધી કોઇને મળી શક્યા ન હતા. દરમિયાન આજે સવારે રા.લો. સંઘની હવે પછીની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇઝ ચેરમેનની નિયુક્તી કરવા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સંઘના 19 ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાએ પ્રદેશ ભાજપમાંથી બંધ કવરમાં આવેલા રા.લો.સંઘના ચેરમેન અને વાઇઝ ચેરમેનના નામોની ઘોષણા કરી હતી. જેમાં પક્ષ હાઇકમાન્ડ દ્વારા સંઘના ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે વાઇઝ ચેરમેન તરીકે પણ સંજય અમરેલીયાને રિપીટ કરાયા નથી. તેઓના સ્થાને અરજણભાઇ રૈયાણીની નિમણૂંક કરવામાં આવી છે. નવા હોદ્ેદારોને શુભકામના પાઠવવા માટે બહોળી સંખ્યામાં સમર્થકો અને હોદ્ેદારો ઉમટી પડ્યા હતા.