જિલ્લા બેંક અને રાજકોટ ડેરી બાદ રા.લો. સંઘમાં પણ સમાધાન: આંતરિક વિવાદો ડામવામાં જયેશ રાદડીયા વધુ એક વખત રહ્યા સફળ

રૈયાણી અને ઢાંકેચા જૂથ વચ્ચેની લડાઈ શમી : હવે યાર્ડની ચૂંટણી ઉપર સૌની મીટ

મુખ્યમંત્રીના હોમટાઉનમાં અંતિમ ઘડીએ ટળતો સહકારી ક્ષેત્રનો જંગ

રાજકોટ- લોધિકા સંઘની ચૂંટણીમાં ગૃપીઝમને ખતમ કરવા રૈયાણી અને ઢાંકેચા જૂથને સાઈડ કરી નરેન્દ્રસિંહ જાડેજા ચેરમેન બન્યા છે. જિલ્લા બેંક અને રાજકોટ ડેરી બાદ રા.લો. સંઘમાં પણ ચૂંટણી અંતિમ ઘડીએ ટળી છે. આમ આંતરિક વિવાદો ડામવામાં જયેશ રાદડીયા વધુ એક વખત  સફળ રહ્યા છે.

રાજકોટની લોધિકા સંઘની આજે ચૂંટણી યોજાનાર હતી. ત્યારે રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર મોટું પરિવર્તન જોવા મળ્યું છે. સંઘના ચેરમેન પદ માટે ભાજપના બે જૂથ વચ્ચે લડાઇ જામી હતી. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન પદ પર મૂળ કોંગ્રેસી નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂંક કરાઈ છે. તો વાઈસ ચેરમેન પદ પર સંજય અમરેલીયાની નિમણૂંક કરવામાં આવી છે.

રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના જ બે જૂથ આમને સામને હતા. ભાજપ સહકારી આગેવાન નીતિન ઢાકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી વચ્ચે ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ ચાલી રહી હતી. આજની ચૂંટણીમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પ્રમુખ નીતિન ઢાંકેચા વચ્ચે બળાબળીના પારખા થવાના હતા. અરવિંદ રૈયાણી પરિવર્તન કરશે તેવો દાવો કરાયો હતો. તો બીજી તરફ, પ્રમુખ નીતિન ઢાંકેચાનો સભ્યોની બહુમતી હોવાનો દાવો હતો. છેલ્લા ૨૧ વર્ષથી નીતિન ઢાંકેચા ચેરમેન પદ પર હતા. ભાજપના આંતરિક જૂથવાદની અસર સહકારી ક્ષેત્રમાં છવાઇ હતી.

we

આ પહેલા રાજકોટમાં લોધિકા સંઘમાં સરકાર તરફી નિમણૂક કરાઇ હતી. જેમાં અરવિંદ રૈયાણી જુથનો દબદબો જોવા મળ્યો હતો. ભાનુ મેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીની વરણી કરાઈ હતી. તો તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખિયા અને ભરત બોધરાના નામ કપાયા હતા. તેમજ નીતિન ઢાંકેચા જુથે દરખાસ્ત કરેલા બે નામો પણ કપાયા હતા. આમ, સરકારી તરફી નિમણૂંકમા રાજકોટ-લોધિકા સંઘમાં રૈયાણી જુથનો દબદબો જોવા મળ્યો હતો.

જો કે આ વિવાદો ડામવામાં જયેશ રાદડીયા વધુ એક વખત સફળ રહ્યા છે. અગાઉ તેઓએ જિલ્લા બેંક અને રાજકોટ ડેરીની ચૂંટણી બિનહરીફ કરાવી હતી. ત્યારે આજ રોજ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પણ તેઓએ બિનહરીફ કરાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્રસિંહ જાડેજા કોંગી અગ્રણી છે. અને તેઓ પત્રકાર પણ છે. તેઓએ રાજકીય કારકિર્દી કોલેજકાળના એનએસયુઆઈમાં જોડાઈને કરી હતી. ત્યારબાદ તેઓ વોર્ડ નંબર ૩માં કોર્પોરેટર તરીકે તેમજ મહાપાલિકાના વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ ખીરસરા સહકારી મંડળીના પ્રમુખ તરીકે કાર્યરત છે. સાથે જીવન કોમર્શિયલ બેંકના એમડી તરીકે છેલ્લા ૨૫ વર્ષથી જવાબદારી નિભાવી રહ્યા છે. ઉપરાંત રાજકોટ શહેર- જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.

ચૂંટણી યોજવાની નોબત ન આવે તેવા અમારા પ્રયાસો : જયેશ રાદડીયા

સહકારી ક્ષેત્રમાં દબદબો સ્થાપિત કર્યાના એક પછી એક પુરાવા આપનાર જયેશ રાદડિયાએ જણાવ્યું કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી યોજવાની નોબત ન આવે તેવા અમારા પ્રયાસો છે. જે સફળ પણ રહ્યા છે. સર્વાનુમતે કોઈ વાદ વિવાદ વગર હોદેદારોની વરણી થાય અને સહકાર ક્ષેત્ર આગળ આવે તે દિશામાં સતત પ્રયત્નશીલ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.