રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ સહિતના સ્થળોએ ચૂંટણીસભા સંબોધશે: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આવતા સપ્તાહે ફરી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૮૯ બેઠકો માટે આગામી ૯મી ડિસેમ્બરે યોજાનારા પ્રથમ તબકકાના મતદાન માટે ચૂંટણી પ્રચાર કરવા હવે માત્ર ૭ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારને ઝંઝાવતી બનાવી દીધો છે. ગુજરાતમાં ફરી સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સત્તામાં આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ રાજયમાં ૨૨ વર્ષથી સતાવિહોણી કોંગ્રેસને સતા સુખ આપવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં તનતોડ પ્રચાર શ‚ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી રવિવાર અને સોમવારે ફરી સૌરાષ્ટ્રમાં ચૂંટણીસભાઓ ગજવશે તો આવતા સપ્તાહે પ્રચાર માટે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવશે.
ચાલુ સપ્તાહે વડાપ્રધાન બે વખત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા દરમિયાન આગામી રવિવાર અને સોમવારે ફરી તેઓ ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ ૩ ડિસેમ્બરે ગુજરાતમાં આવી જશે અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર, ભ‚ચ, અમદાવાદ સહિતના શહેરોમાં ચૂંટણીસભા સંબોધશે. મુખ્યમંત્રી વિજયભાઈ ઉપરાંત રાજકોટની ચારેય બેઠક પર કમળના પ્રતિક પરથી ચૂંટણી લડતા ઉમેદવારોને વિજયી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવારે રાજકોટમાં વડાપ્રધાન મોદીની ચૂંટણીસભા યોજાશે. અગાઉ આ સભા ચૌધરીના હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવી હતી પરંતુ ગ્રાઉન્ડ ટૂંકુ પડશે તેવું લાગતા સભાસ્થળ ફેરવાની ફરજ પડી છે હવે ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ ખાતે વડાપ્રધાનની ચૂંટણીસભાનું આયોજન કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પ્રથમ તબકકાના મતદાનમાં ૯ ડિસેમ્બરના રોજ ૮૯ બેઠકો માટે મતદાન યોજાવાનું છે. નિયમાનુસાર મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ પ્રચાર પ્રસાર બંધ કરી દેવાનો હોય. તમામ રાજકીય પક્ષો છેલ્લા એક સપ્તાહમાં હવે પ્રચાર વધુ વેગવંતો બનાવી દેશે. છેલ્લા બે માસથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને અલગ-અલગ તીર્થધામોમાં જઈ ભગવાનના દર્શન કરી રહ્યા છે. ગઈકાલે તેઓની ગુજરાત મુલાકાત પૂર્ણ થઈ છે.
દરમિયાન આવતા સપ્તાહે તેઓ ફરી ગુજરાતમાં ધામા નાખશે અને ચૂંટણી પ્રચાર કરશે. મતદાનના અંતિમ સપ્તાહમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતને ધમરોળશે. મતદારોને રીઝવવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.