વડાપ્રધાન ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં સભાઓ ગજવી: રાહુલ ગાંધીના ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે 10 દિવસનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતનો ગઢ સર કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જોર-શોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે સુરેન્દ્રનગરના દુધરેજ, ભરૂચના જંબુસર અને નવસારીના જલાલપોરમાં ચૂંટણી સભા ગજવી હતી. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યાં છે. તેઓએ સુરતના મહુવા અને સૌરાષ્ટ્રના રાજકોટમાં જંગી ચૂંટણી સભા સંબોધી હતી. આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો પણ હાલ ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગત શનિવારથી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓએ ગઇકાલે રવિવારે સૌરાષ્ટ્રમાં ધોરાજી, બોટાદ, અમરેલી અને વેરાવળ એમ અલગ-અલગ ચાર સ્થળોએ જંગી ચૂંટણી સભા સંબોધી હતી. આજે ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે, ભરૂચના જંબુસર ખાતે અને નવસારીના જલાલપોરમાં જંગી ચૂંટણી સભા સંબોધી હતી અને વિશાળ રોડ-શો યોજ્યા હતા. મતદાનના આડે હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પ્રચાર યુધ્ધ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. ભાજપને પોતાના સ્ટાર પ્રચારકોની ફોજ ગુજરાતમાં ઉતારી દીધી છે. ગત શુક્રવારે કાર્પેટ બોમ્બિંગ અંતર્ગત 29 રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓની 82 વિધાનસભા બેઠકો પર ચૂંટણી સભા યોજવામાં આવી હતી. શનિવારથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કમાન સંભાળી લીધી છે. તેઓ સતત ત્રણ દિવસથી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે.
દરમિયાન આજથી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે રાહુલ ગાંધીની જન સભા યોજાશે. ગુજરાત કોંગ્રેસ સંગઠનનાં સિનિયર નિરીક્ષક અશોક ગેહલોત, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસનાં સંગઠનનાં પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ જગદીશ ઠાકોર જાત નિરીક્ષણ કરી વિવિધ કામગીરીનું માઈક્રો પ્લાનીંગનું આયોજન કર્યું હતું. ગુજરાતમાં પરિવર્તનના સંકલ્પ સાથે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાનો જન સમર્થન જન આશિર્વાદ કોંગ્રેસ પક્ષને મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી આજે રાજકોટનાં શાસ્ત્રી મેદાન અને સુરતનાં મહુવા નજીક અનાવિલ ગામ ખાતે પ્રચંડ જનસભાને સંબોધન કરશે. સમગ્ર ગુજરાતમાં જનજન સુધી રાહુલ ગાંધીના વચનો અને સંદેશ પહોંચે તે માટે તમામ 182 વિધાનસભામાં વિસ્તારમાં ‘કાર્પેટ બોમ્બિંગ’ કરવા પ્રચંડ જનસભાનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.રાહુલ ગાંધી બપોરે એક કલાકે સુરત અને રાજકોટ ખાતેની બપોરે ત્રણ કલાકે શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર પ્રચંડ જનસભાનું સમગ્ર 182 વિધાનસભામાં એલઇડી વાન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ સાથે સોશિયલ મીડિયાનાં માધ્યમથી પણ વધુમાં વધુ લોકો સુધી રાહુલનો સંદેશો પહોંચે તે માટે 226 થી વધુ પ્રદેશના નેતાઓ-આગેવાનો અને ફ્રેન્ટલ ઓર્ગેનાઇઝેશનનાં ફેસબુક અને ટ્વિટર પ્લેટફોર્મ ઉપર સુરત અને રાજકોટની સભાઓનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા ઓનલાઇન અને ઓફ ઓનલાઈન એમ બંને રીતે ‘કારપેટ બોમ્બિંગ’ કરીને ‘પ્રચંડ લોકસંપર્ક’ થકી રાહુલનો સંદેશ અને ગુજરાતમાં ‘પરિવર્તન સંકલ્પ’ માટેના રાહુલના 8 વચનોને પહોંચાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાજપના 27 વર્ષના જુઠાણાને ખુલ્લા પાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ પ્રકારના આધુનિક, પરંપરાગત માધ્યમોનો ઉપયોગ થકી ‘સાચી હકીકત’ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આગામી દિવસોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનીયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે.
રાહુલ ગાંધી મેઘા પાટકર વિશે શું બોલશે?
ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ મેઘા પાટકરને સાથે રાખતા ગુજરાત વિધાનસભાની ચુંટણી ટાંકણે જ ભાજપે મૂદ્દો મળી ગયો છે. કારણ કે ગુજરાતની જીવાદોરી સમાજ સરદાર સરોવર ડેમના નિર્માણ વખતે ચળવળકાર મેધા પાટકરે ભારે વિરોધ કર્યો હતો. તેઓની માનસિકતા ગુજરાત વિરોધી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. આવામાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મેધા પાટકરને પોતાની સાથે રાખ્યા હતા આ ઘટના બાદ ભાજપે રાહુલ અને કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. દરમિયાન આજે ગુજરાતમાં ચુંટણી પ્રવાસે આવી રહેલા રાહુલ ગાંધી મહુવા કે રાજકોટની ચુંટણી સભામાં મેધા પાટકર અંગે કશું બોલશે કે ચૂપ રહેશે તેના પર રાજકીય પંડિતોની મીટ મંડાયેલી છે. જો રાહુલ મેધા પાટકર અંગે બોલશે તો પણ ભાજપને મુદ્દો મળી જશે અને નહી બોલે તો પણ ભાજપને મુદ્દો મળી જશે. ગુજરાત વિધાનસભાની દરેક ચુંટણીમાં કોંગ્રેસ સામેથી ભાજપને મુદ્દો આપી દે છે. તેના જોરે ભાજપ જીત થાય છે. હવે મેધા પાટકરના મુદ્દાને ભાજપ કઇ રીતે ઉપાડે છે તે જોવાનું રહેશે. કોંગ્રેસના સ્થાનીક નેતાઓ મહામહેનત કરી વાતાવરણ બનાવે ત્યાં રાષ્ટ્રીય નેતાઓ તેની મહેનત પર પાણી ફેરાવી દે છે.