વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના હિમાચલ પ્રદેશ પ્રવાસ દરમિયાન સૌથી અમૂલ્ય અને યાદગાર ભેટ મળી, જેનાથી તેઓ ભાવુક થઈ ગયા. આ ભેટ લેવા માટે પીએમ મોદીએ પોતાનો કાફલો રોક્યો, કારમાંથી નીચે ઉતર્યા. વાસ્તવમાં, શિમલામાં એક યુવતીએ મંગળવારે હિમાચલ પ્રદેશમાં રેલી યોજીને પરત ફરતી વખતે વડાપ્રધાનને એક પેઇન્ટિંગ રજૂ કરી હતી. તે પેઈન્ટિંગ યુવતીએ જાતે જ બનાવ્યું હતું.
આ પેઈન્ટિંગમાં પીએમ મોદીની માતા હીરાબેન મોદીની તસવીર છે, જેને જોઈને મોદી ભાવુક થઈ ગયા હતા. મોદીએ આ છોકરીને પૂછ્યું કે, તારું નામ શું છે, તું જાતે જ પેઇન્ટિંગ બનાવે છે અને તું ક્યાં રહે છે. તેના પર યુવતીએ જણાવ્યું કે આ તસવીર તેણે પોતે બનાવી છે અને તે શિમલાની રહેવાસી છે. પીએમ મોદીએ બાળકીના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા હતા.
શિમલા પહોંચેલા પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળી સરકારે ભ્રષ્ટાચારને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની આઠમી વર્ષગાંઠ નિમિત્તે અહીં રિજ મેદાન ખાતે એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે તેમની સરકારે વિવિધ યોજનાઓના લાભાર્થીઓની યાદીમાંથી નવ કરોડ નકલી નામો દૂર કર્યા છે. મોદીએ કહ્યું કે પછી તે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે શિષ્યવૃત્તિ કે અન્ય કોઈ યોજના, અમે લોકોને સીધો ફાયદો પહોંચાડવા માટે ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો છે.
PMએ શિમલામાં કહ્યું કે, જો હિમાચલમાં ખુશીની ક્ષણો વિતાવવા મળે તો આનાથી સારું બીજું કંઈ નથી. તેમણે કહ્યું કે શિમલા ભૂમિ મારી કર્મભૂમિ રહી છે આ મારા માટે દેવભૂમિ છે. અહીંથી દેશવાસીઓ સાથે વાત કરીને આનંદ થાય છે.