હાવ ઈઝ ધ જોશ…?
સેટ પરથી પ્રથમ તસવીર જારી કરવામાં આવી : વિવેક ઓબેરોય અને નિર્દેશક ઓમાંગ કુમાર સહિતનું યુનિટ પ્રથમ શેડ્યૂલ ગુજરાતમાં અને બીજું શેડ્યૂલ નવી દિલ્હીમાં શૂટ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બની રહી છે તે સમાચાર અમે ’બોલીવુડ ટીટ બીટ’ કોલમમાં આપી ચૂક્યા છીએ. હવે તાજા સમાચાર એ છે કે ફિલ્મનું શુટિંગ આજથી અમદાવાદમાં શરૂ થઈ ગયું છે.
નિર્દેશક ઓમાંગ કુમાર ઉર્ફે ઓ. કે. અને તેમની ક્રિએટિવ ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. ફિલ્મના સેટ પર થી પ્રથમ તસવીર પણ જારી કરવામાં આવી છે. જેમાં વિવેક ઓબેરોય અને નિર્દેશક ઓમાંગ કુમાર સાથે ગુજરાતી કલાકાર જોવા મળે છે.
ફિલ્મ ના શૂટિંગમાં ખલેલ ન પડે તે માટે લોકેશન વિશે વિગત બહાર પાડવામાં આવી નથી. ફિલ્મ ના યુનિટ માં મુખ્ય કલાકાર વિવેક ઓબેરોય અને કેટલાક ગુજરાતી કલાકાર સામેલ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ના વિવિધ લોકેશન પર ફિલ્મ નું શૂટિંગ થવાનું છે. જ્યાં નરેન્દ્ર મોદીના જીવન ના મૂળ જોડાયેલા છે તે તમામ લોકેશન પર શૂટિંગ થશે.
શૂટિંગ અગાઉ નિર્દેશક ઓમાંગ કુમાર અને તેમની ટીમએ ગુજરાતમાં ફરીને શૂટિંગ માટે લોકેશનની યાદી તૈયાર કરી હતી. ગુજરાત પછી નવી દિલ્હી ખાતે શૂટિંગ થશે. બતાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની બાયોપિકમાં અભિનેતા વિવેક ઓબેરોય ટાઇટલ રોલ કરી રહ્યો છે. તેની સાથે બોમન ઈરાની અને દર્શન કુમારની પણ મહત્વની ભૂમિકા છે. દર્શન કુમાર ની ઓમાંગ કુમાર સાથે આ ત્રીજી ફિલ્મ છે. અગાઉ તેણે ફિલ્મો મેરી કોમ અને સરબજીત માં ઓ. કે. ના નિર્દેશન હેઠળ કામ કર્યું હતું.
ઘણા ઓછા ને ખબર હશે કે ઓમાંગ કુમાર સેટ ડિઝાઇનર પણ છે. ખાસ કરીને બાયોપિક બનાવવામાં તેમની હથોટી છે. મેરી કોમ અને સરબજીત ની બાયો પિક બનાવી ચૂકયા છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની બાયોપિક બનાવી રહ્યા છે. આ એક મોટી જવાબદારી છે. આ ફિલ્મ ને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે કેમકે સામાન્ય ચૂંટણી પણ ચાલુ વર્ષે થવાની છે. આ ફિલ્મ ચૂંટણી પહેલાં રજૂ કરી દેવાશે તેમાં બે મત નથી. નરેન્દ્ર મોદી ની બાયોપિક કુલ ચાર ભાષા માં બનશે. હિન્દી ઉપરાંત ઇંગ્લિશ અને તમિલ તેમજ તેલુગુ ભાષા માં ડબ કરવામાં આવશે. ફિલ્મના પોસ્ટર પણ જારી કરી દેવામાં આવ્યા છે.
નરેન્દ્ર મોદી વિશે વધુ એક ફિલ્મ બની રહી છે જેમાં અભિનેતા પરેશ રાવલ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.