સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાસ બેઠક કરશે: જાપાનની ૨૦ કંપનીઓ ગુજરાતમાં મૂડી રોકાણ માટે તત્પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સિન્જો એબે આગામી સપ્ટેમ્બરમાં ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત અને જાપાન વચ્ચેના વ્યાપારિક સંબંધો માટે આ મુલાકાત ઘણી લાભદાયી માનવામાં આવી રહી છે. અગાઉ ચીનના વડાપ્રધાન જિનપિંગ સાથે નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુલાકાત લીધી હતી. ત્યારે હવે જાપાનના પ્રધાનમંત્રી સાથેની આ મુલાકાત ફળદાયી નિવડશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્ય સચિવની મુલાકાત દ્વારા આ પાયો નખાયો છે. ગુજરાતના મુખ્ય સચિવ ડો.જે.એસ.સિંગ તાજેતરમાં જ જાપાનની મુલાકાતે જઈ આવ્યા છે. તેમની સાથે ઉદ્યોગ અને ખાણ સચિવ મનોજ કુમારદાસ અને જીઆઈડીસીના એમડી થારા પણ જાપાન ગયા હતા. જયાં તેમણે ટોકયો, ઓશાકી જેવા ચાર મોટા ઔદ્યોગિક શહેરમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. જેમાં ગુજરાતમાં મુડી રોકાણ કરવા માટે વાતચીત કરવામાં આવી હતી. જેમાં જાપાનની ૨૦થી વધુ મોટી અને મધ્યમ કદની કંપનીઓએ ગુજરાતમાં મુડી રોકાણ માટે તત્પરતા બતાવી છે.
જાપાનના વડાપ્રધાન સપ્ટેમ્બરમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓ ગાંધીનગર ખાતેની જાપાન સરકારની સંસ્થા જેટ્રોનું કદ વધારવા માટે ગુજરાત સાથે વધુ મુડી રોકાણની ચર્ચા વિચારણા કરવા ભારત અને જાપાનના વડાપ્રધાન વચ્ચે ખાસ બેઠકો યોજાવવાની છે. દેશના અન્ય રાજયો કરતા ગુજરાતમાં મુડી રોકાણની તકો વધુ હોવાથી નરેન્દ્ર મોદી પણ અન્ય વિકસિત દેશોના વડાપ્રધાન સાથેની બેઠકો પણ ગુજરાતમાં જ ગોઠવી રહ્યાં છે.
વડાપ્રધાન મોદી ૧૨ ઓગસ્ટે આવવાના હતા. પરંતુ પુરની પરિસ્થિતિના કારણે તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં નર્મદા મહોત્સવ અને નર્મદા યાત્રાના કાર્યક્રમને વરસાદના કારણે રદ કરવામાં આવ્યો છે. માટે વડાપ્રધાન સપ્ટેમ્બરમાં જાપાનના પ્રધાનમંત્રી સાથે આવશે.