ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે તાજેતરમાં એક નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ તોતીંગ બહુમતી સાથે ફરી સત્તા પર આવશે અને નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે સત્તારૂઢ થશે. તેઓ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે 2024માં લોકસભામાં પણ ભાજપની જીત નિશ્ર્ચિત: પૂર્વ નાયબ મુખ્યમંત્રી
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ નાણામંત્રી નીતિનભાઇ પટેલે પત્રકારો સાથેની વાતચિત દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ર્ચિત છે. નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનશે. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને 543 બેઠકોમાંથી 303 બેઠકો પ્રાપ્ત થઇ હતી. આ વખતે ભાજપની બેઠકોમાં પણ સારો એવો વધારો થશે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે દેશવાસીઓને ભાજપ અને નરેન્દ્રભાઇ મોદી પર સંપૂર્ણ વિશ્ર્વાસ છે. લોકસભાની ચૂંટણીના પરિણામોની પણ આ આછેરી ઝલક કહી શકાય હવે ચૂંટણીના આડે માત્ર ચારથી પાંચ માસનો સમય બાકી રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીતની હેટ્રીક ફટકારશે. આ વખતે ભાજપની બેઠકોમાં પણ વધારો થશે.
તેઓએ ઉમેર્યું હતું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના લોકોને પણ હવે ડબલ એન્જિન સરકારનો લાભ મળશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનું નિવેદનએ દર્શાવે છે કે ત્રણ રાજ્યોના વિધાનસભાના ચૂંટણીના પરિણામોથી ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેટીંગ એન્જસી ફીચ દ્વારા પણ એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે 2020 લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી સત્તારૂઢ થાય તેવી પ્રબળ સંભાવના છે.