એક અબજોપતિઓનું હિન્દુસ્તાન જયારે એક ખેડુતો, મજુરો અને બેરોજગાર યુવાનોનું હિન્દુસ્તાન: વંથલી અને ભુજમાં ચુંટણીસભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાજપ અને વડાપ્રધાન પર આકરા પ્રહારો
વંથલીમાં ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મતદાનને ગણતરીની કલાકો બાકી હોય ત્યારે રાજકીય નેતાઓ પુરજોશમાં પ્રચાર-પ્રસારમાં ગળાડુબ બન્યાં છે. પોતાની સતા બનાવવા જુઠાણાની ફેંકાફેકી થઈ રહી છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે દિવસનો સૌરાષ્ટ્ર પવાસ કર્યો તે દરમ્યાનમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગઈકાલે જુનાગઢ નજીકના વંથલીમાં જાહેર સભા સંબોધી હતી અને સતાધારીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને માત્ર જુઠા વાયદાઓ જ કર્યા છે. ઉધોગપતિઓના દેવા માફ થાય છે પરંતુ ખેડુતોના દેવા માફ કરવામાં આવતા નથી. વધુમાં જણાવ્યું હતું કે, એકબાજુ ન્યાય અને સચ્ચાઈ છે તો બીજી બાજુ અન્યાય અને માત્ર જુઠું. કેન્દ્ર સરકારે ગરીબોના ખાતામાં ૧૫-૧૫ લાખ જમા કરવાની માત્ર વાતો કરી પરંતુ આજદિન સુધી એકપણ રૂપિયો જમા થયો છે જયારે અમે ત્રણ રાજયોના ખેડુતોના દેવા માફ કર્યા છે.
સરકારની નોટબંધી વખતે પણ આમ પ્રજાને જ મુશ્કેલી વેઠવી પડી છે. ગરીબો, મહિલાઓ, વૃદ્ધોને કલાકોના કલાકો લાઈનમાં ઉભું રહેવું પડયું હતું. જે પ્રજાને હેરાન કરવાની વાત હતી. અમે ચુંટણી ઢંઢેરામાં ગરીબોને વર્ષ રૂ.૭૨ હજાર આપવાની વાત કરી છે. આ માટે નિષ્ણાંતોનો પણ અભિપ્રાય લેવાયો છે. જેનાથી દેશની અર્થ વ્યવસ્થાને પણ કોઈ નુકસાન પહોંચશે નહીં અને ગરીબોને જરૂરીયાત મુજબના પૈસા મળશે.
આ ઉપરાંત વધુમાં કહ્યું હતું કે, આજે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ, પાકવિમો પુરતા મળતા નથી પરંતુ મોટા ઉધોગપતિઓને કરોડો રૂપિયા મળી જાય છે તેવા આક્ષેપો રાહુલ ગાંધીએ વંથલીની જાહેરસભામાં કર્યા હતા.
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને સ્ટારપ્રચારક રાહુલ ગાંધીએ આજે ભુજમાં મોદી સરકારની વિવિધ મુદ્દે ટીકા-આરોપ કરી કોંગ્રેસની ન્યાય યોજનાને ગરીબી પરની સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી હતી.પ્રચારસભામાં રાહુલ ગાંધીએ આરોપ કર્યો કે, નરેન્દ્ર મોદીજી દેશમાં બે હિન્દુસ્તાન બનાવવા ઈચ્છે છે જેમાં એક અનિલ અંબાણી, મેહુલ ચોકસી, નીરવ મોદી જેવા અબજોપતિનું એવું હિન્દુસ્તાન છે જેમાં તેઓ જે માંગે,નર્મદાનું પાણી, વીજળી-જમીન વગેરે મળી જાય છે.
તેમને ન્યાય મળે છે. ને મોદીનું બીજું હિન્દુસ્તાન ખેડૂતો, મજૂરો અને બેરોજગાર યુવાનોનું છે જેમાં તેમને ફક્ત અન્યાય મળે છે. અમે બે હિંદુસ્તાન નથી ઈચ્છતાં. અમે એક હિંદુસ્તાન ઈચ્છીએ છીએ. એક ઝંડો છે અને એક હિંદુસ્તાન હશે. તેમાં સૌને ન્યાય મળશે. નિયત સમય કરતાં દોઢેક કલાક મોડા પડેલાં રાહુલ ગાંધીએ કચ્છી ભાષામાં કિં આયોથી હાલચાલ પૂછી ૨૩ મિનિટ લાંબા વક્તવ્યનો પ્રારંભ કર્યો હતો.તો નોટબંધી મુદ્દે પ્રહાર કર્યા હતા.
’મોદી સરકારે પાંચ વર્ષમાં તેમના અબજોપતિ દોસ્તોને મદદ કરી. તો અમે વિચાર્યું કે જો મોદી અબજોપતિને પૈસા આપે છે તો કોંગ્રેસ ગરીબોને પૈસા આપીને દેખાડશે. નોટબંધી-જીએસટી બાદ લોકોની ખરીદશક્તિ ઘટવાથી ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ થયું ને ૪૫ વર્ષમાં સૌથી વધુ બેકારી વધી ગઈ. મોદી સરકારે બે કરોડને રોજગાર આપવાની વાત કરેલી પણ ૨૪ કલાકમાં ૨૭ હજાર યુવાનો રોજગાર ગુમાવે છે. ત્યારે, ન્યાય યોજના દ્વારા કોંગ્રેસ અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યા વગર દેશના વીસ ટકા અતિ ગરીબો એટલે કે પાંચ કરોડ લોકોના ખાતામાં વર્ષે ૭૨ હજાર રૂપિયા સીધા જમા કરાવશે. આ નાણાં મહિલાઓના ખાતામાં જમા થશે. આ રીતે ૩ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં ઠલવાતાં તેમની ખરીદશક્તિ વધશે અને ફેક્ટરીઓ ધમધમતી થશે. રોજગાર વધશે. આ રીતે ન્યાય યોજના અર્થતંત્રમાં પેટ્રોલ સમાન બની રહેશે. જીત્યા પછી ન્યાય યોજનાનો તુરંત અમલ કરાશે.અદાણી-અંબાણી, મોદી-માલ્યા સતત રાહુલના નિશાને રહ્યા હતા.