કોંગ્રેસના પ્રવકતા દ્વારા વડાપ્રધાનની બાયોપીક અંગે સ્ટેની અરજીને સુપ્રીમે ફગાવી: ૧૧મીએ રિલીઝ થશે
ચૂંટણી દરમિયાન રીલીઝ થનાર ઓમાંગ કુમાર દિગ્દર્શીત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીને આખરે સેન્સર બોર્ડે ફિલ્મને પાસ કરતા લીલી ઝંડી આપી છે. નરેન્દ્ર મોદીની બાયોપીક ૧૧મી એપ્રીલે રીલીઝ થનાર છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને મંગળવારે યુ-સર્ટીફીકેટ આપ્યું છે. પરંતુ સુત્રોનું કહેવું છે કે, બોર્ડે આ ફિલ્મના પ્રમોશન અથવા ફિલ્મને અટકાવવા માટે કોઈપણ પ્રકારના પ્રયાસો કર્યા હતા. બોર્ડે જે જરૂરી લાગતુ હતું તે કાર્યવાહી કરી છે.
જો કે, ઓમાંગ કુમારની ફિલ્મમાં કોઈપણ પ્રકારની કાપકુપ કરવામાં આવી નથી. દિગ્દર્શકને માત્ર ચાર થી પાંચ નાના ફેરફારો કરવાની સુચના અપાઈ છે. ઈલેકશન દરમ્યાન મોદીની ટેગલાઈન અને ચૂંટણી પ્રચારમાં હરહંમેશ ‘હર હર મોદી, ઘર ઘર મોદી’નો નારો રહ્યો છે ત્યારે હવે હર હર મોદી સીનેમાઘરોમાં મોદી મેન્યા સાથે છવાશે.
ઈલેકશન કમિશનની પણ નજર આ ફિલ્મ પર હતી ત્યારે સુપ્રીમ કોર્ટે બાયોપીકને મંજૂર કરવાનું કહેતા આગામી ૧૧મીએ આ ફિલ્મ રીલીઝ થશે. ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીના પાત્રને ભજવી રહ્યો છે. ફિલ્મ પાસ આઉટ થતાં ઓમાંગ કુમારે સેન્સરના નિર્ણયને વધાવ્યો હતો. તેણે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, અમે જે ફિલ્મનું નિર્માણ કર્યું છે તે સીનેમાનો એક ભાગ છે, નહીં કે રાજનૈતિક સ્ટંટ અને ફિલ્મ જોયા બાદ તો સેન્સર બોર્ડે પણ તેને મંજૂરી આપી દીધી છે.
ફિલ્મમાં નરેન્દ્ર મોદી કઈ રીતે વડાપ્રધાન બન્યા આ સમગ્ર યાત્રા અંગે ફિલ્મમાં ૧૩૦ મીનીટનો સમય ફાળવવામાં આવ્યો છે. આ પૂર્વે કોંગ્રેસના અમન પનવારે સુપ્રીમ કોર્ટમાં આ બાયોપીકને અટકાવવા માટેની અરજી કરી હતી કે ચૂંટણીના સમયમાં આ પ્રકારની ફિલ્મો કેમ્પેઈનીંગ છે અને લોકોના મતોને ભ્રમીત કરી શકે છે.
પરંતુ સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગોએ જણાવ્યું હતું કે, ફિલ્મને લગતી દરેક બાબતો સેન્સર બોર્ડ તેમજ ચૂંટણીપંચના નિર્ધાર ઉપર છે. ફિલ્મ દર્શાવવી કે ન દર્શાવવી તે નિર્ણય સેન્સર બોર્ડના નિર્ણય બાદ જ નિર્ધારીત કરી શકાય.