સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતી નિમિત્તે રાજુભાઈ ધ્રુવે સરદાર સાહેબનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબર એટલે ભવ્ય-દિવ્ય ભારતનાં ઘડવૈયા સરદાર વલ્લભભાઈની જન્મજયંતી. આજનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એક અને અખંડ ભારતના શિલ્પકાર સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર રાજનેતા, આઝાદીની લડતનાં કોઈ સેનાપતિ કે ભૂતપૂર્વ ગૃહમંત્રી જ નથી તેઓ આ દેશનાં અતીત, વર્તમાન અને ભવિષ્ય છે. સરદાર સાહેબ વિના એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના કરવી શક્ય જ નથી. દેશના ભાગલા પડ્યા ત્યારે સરદાર પટેલે આગવી સૂઝ-બૂઝ અને રાજકીય કૂનેહ દ્વારા ૫૬૩ રજવાડાંઓનું વિલિનીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું અને ભારતને મહાન રાષ્ટ્રનો ઘાટ આપ્યો હતો.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સદૈવ સાચા રાજપુરુષોનું સન્માન કરવામાં આગળ રહી છે. એ પછી સરદાર સાહેબ હોય, સુભાષચંદ્ર બોઝ હોય કે વીર સાવરકર હોય.. જાણકારોને ખ્યાલ જ હશે કે સરદાર પટેલને ભારત રત્ન વડે સન્માનિત કરવાનો સૌપ્રથમ આગ્રહપૂર્વકનો પ્રયત્ન અટલ બિહારી બાજપાઈજીએ જ કરેલો અને તત્કાલિન વડાપ્રધાન ચંદ્રશેખરે અટલજીના આગ્રહને માન આપીને સરદાર સાહેબને મરણોત્તર ભારત રત્ન ખિતાબ અર્પણ કર્યો હતો. પરંતુ અફસોસ કે, ભારતની પ્રજાને વિશ્વની સૌથી મોટી સંસદીય લોકશાહી તરીકે અખંડ ભારતની ભેટ ધરનાર સરદાર પટેલના અતુલ્ય યોગદાનની કોંગ્રેસ પાર્ટી અને તેની તમામ સરકારોએ હંમેશા ઉપેક્ષા જ કરી છે. જો જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષે સરદાર સાહેબની ઉપેક્ષા, અવગણના અને અવહેલના ન કરી હોત તો આજે ભારતે યુરોપના દેશો, જાપાન તેમજ દક્ષિણ કોરિયાથી પણ ઘણી વધુ પ્રગતિ કરી હોત અને કાશ્મીરના સળગતા પ્રશ્નનું અસ્તિત્વ જ રહ્યું નહોત.
દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮ર મીટર, વિશ્વની સૌથી મહાન પ્રતિભાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને સાચા અર્થમાં તેમને અંજલી આપવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે. ઈતિહાસમાં અનેક વખત ભારતીય જનતા પક્ષ અને તેના નેતૃત્વે નહેરુ-ગાંધી પરિવાર અને કોંગ્રેસ દ્વારા હંમેશા ઉપેક્ષિત રખાયેલી સરદાર સાહેબની પ્રતિભા અને રાષ્ટ્રસેવાને સાચા અર્થમાં આદર-સન્માન અને યથોચિત્ત શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેનું જ્વલંત ઉદાહરણ છે. સરદાર સાહેબ પ્રત્યે આદર પ્રદર્શિત કરવા અને આવનારી અનેક પેઢીઓને સરદારના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા મળતી રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સરદારશ્રીનું અજોડ સ્મારક બનાવવાનો દઢ સંકલ્પ કર્યો હતો જે સ્મારકનું લોકાર્પણ ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
આજે એ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ થઈ રહ્યું છે. ગત એક વર્ષમાં સરદાર સાહેબની પ્રતિભા અને પ્રતિમાનું કરોડો લોકોએ આત્મસાત કરી સરદાર સાહેબનાં જીવનમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવ્યું છે. આપણે બહુ જ ખુશનસીબ છીએ કે આ ક્ષણોના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો. આજનો દિવસ પ્રત્યેક ગુજરાતી અને દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ દિવસ છે.