બેંકોની આર્થિક સ્થિતિ સધર કરી નાદાર લોનમાં ડુબી ગયેલી મુડી અને વધતી જતી એનપીએની સમસ્યાને નિવારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. બેંકોને જાહેર થયેલી 22 નાદાર બની ગયેલી મોટી લોનોની 89,000 કરોડ રૂપિયાની એનપીએને નેશનલ એસેટ રિ-ક્ધટ્રકશન કંપની લીમીટેડ એનએઆરસીએલને સોંપી દેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
બેંકોનું ભારણ ઘટાડવા અને એનપીએના નિકાલ માટેની આવશ્યકતાને પગલે સરકારે આ પગલું ભર્યું છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એમ.ડી. રાજકિરણ રાય દ્વારા એનએઆરસીએલ સાથે ગોઠવણ કરીને ભારણરૂપ મિલકતોના નિકાલની વ્યવસ્થા માટે ચક્રોગતિમાન કર્યા છે.
ઈન્ડિયન બેંક એસો. દ્વારા દેશની અગ્રણી બેંકોની મીટીંગ બોલાવીને નાદાર લોનની એનપીએના નિવારણ માટે કાર્યવાહીને વેગ આપવા જણાવી દીધું છે. દેશમાં 22 જેટલી નાદાર મોટી લોનોની 89,000 કરોડની અસ્કયામતોનો નિવેડો લાવવા દરવાજા ખુલશે. ઈન્ડિયન બેંક એસો.ના ચેરમેન રાયએ જણાવ્યું હતું કે, નાદાર બેંક લોનના 100 ખાતાઓ માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જે બેંક આ યોજનામાં સામેલ થવા આગળ આવશે તેમની નોન પરફોર્મિંગ એસેટની સમસ્યા દૂર થઈ જશે. તેણે જણાવ્યું હતું કે, દેશમાં 22 જેટલી એવી મોટા નાદાર લોન ખાતા છે કે જેમની સાથે લવાદ અને મીટીંગો બાદ મંજૂરી આપી દેવામાં આવી છે.
એક વખત નેશનલ એસેટ રિ-ક્ધટ્રકશન કંપની લીમીટેડની રચના અને તેની કાર્યવાહી શરૂ થઈ જશે પછી લોનમાં ફસાયેલી મિલકતોથી લઈ એનપીએનો યોગ્ય નિવેડો આવી જશે. 22 ખાતાઓ ઉપરાંત વધુ ખાતાઓનો સમાવેશ કરવામાં આવશે કે કેમ ? તેવા એક સવાલમાં રાયે જણાવ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિએ 22 મોટી નાદાર લોનની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 લાખ કરોડ રૂપિયાની નાદાર લોનમાં હજુ કેટલીક પ્રક્રિયાઓ પાર પાડીને એનએઆરસીની કાર્યવાહી કરવામાં આવશે. એનએઆરસીએલ દ્વારા 7800 કરોડ રૂપિયાની મિલકતોના નિકાલની પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે.