પ્રાયોગિક ધોરણે કામગીરી સોંપવામાં આવી હોવાથી ત્રણ મહિના એક ‚પિયો પણ નહીં મળે
નારાયણ સાંઈ સાથે સજા પામેલા અન્ય ત્રણ આરોપીઓને હજુ સુધી કામ સોંપવામાં આવ્યું નથી
જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદ ફટકારવામાં આવી હતી. અને નારાયણ સાંઈને લાજપોર જેલમાં બેરેક કેદી નંબર ૧૭૫૦ આપી રાખવામાં આવ્યો છે. આજીવન કેદની સજા બાદ નારાયણ સાંઈ કાચા કામના કેદીમાંથી પાકા કામનો કેદી બની ગયો છે. અને નારાયણ સાંઈએ કોઈ કામ પસંદ ન કરતા જેલ તંત્ર દ્વારા જેલમાં ઘાસકાપવાનું કામ સોંપવામાં આવ્યું છે. ૯૦ દિવસ રોજ નહીં મળે
૨૦૧૩માં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નારાયણ સાંઈ વિરુદ્ધના સાધિકા દુષ્કર્મ કેસમાં મંગળવારે સુરત સેશન્સ કોર્ટે આજીવન કેદ ફટકારી હતી. આજીવન કેદની સજા સાંભળી નારાયણ સાંઈના હોંશ ઉડી ગયા હતા. હાલ નારાયણ સાંઈને લાજપોર જેલમાં બેરેક કેદી નંબર ૧૭૫૦ આપી રાખવામાં આવ્યો છે. નારાયણ સાંઈએ પાકા કામના કેદી તરીકે કોઈ કામની માંગણી કરી ન હતી. જેથી એક સપ્તાહ બાદ તેને જેલમાં ઘાસ કાપવાની કામગીરી સોંપવામાં આવી છે.જોકે, આ પ્રાયોગીક ધોરણે કામગીરી સોંપવામાં આવી હોવાથી તેને ત્રણ મહિના એક રૂપિયો પણ નહીં મળે. ત્યારબાદ દૈનિક ૭૦ રૂપિયા રોજ આપવામાં આવશે.
જેલમાં કેદીઓ કામ કરીને રોજગારી મેળવી શકે તે માટે વિવિધ કામો આપવામાં આવે છે. જેલની ભાષામાં તેને ચહેરા ગણવા કહેવાય છે. લાજપોર જેલમાં હીરા ઘસવાની ઘંટી, બાગ કામ, રસોઈ કામ, જેલ સુપ્રિડેન્ડન્ટ ઓફિસનું કામ, લાઈબ્રેરીયન અને દવાખાનામાં તબીબના મદદનીશ તરીકે કામ હોય છે.
અન્ય આરોપીને કામ સોંપાયું નથી. સાધિકા દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈની સાથે સજા પામેલા હનુમાન કેદી નંબર ૧૭૪૯, ગંગા કેદી નંબર ૧૭૫૨, જમુના કેદી નંબર ૧૭૫૧ને હાલ કોઈ કામગીરી સોંપવામાં આવી નથી. જોકે, થોડા સમયમાં ત્રણેયને કામગીરી સોંપવામાં આવશે.