વિશ્વ ફલક પર અને વિજ્ઞાનની દુનિયામાં લઇ જવા માટે નામ પસંદ કર્યુ: સંશોધકો
અબતક દર્શન જોશી, જુનાગઢ
ભક્ત કવિ નરસિંહ મહેતાનું નામ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને છાત્રા દ્વારા શોધ કરાયેલ કરોળિયાની જાત સાથે જોડવામાં આવતા જૂનાગઢના નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. અને આ બાબતે જૂનાગઢના સોશિયલ મીડિયામાં ભારે ઉહાપોહ મચ્યો છે. તે સાથે જુનાગઢ નરસિંહ મહેતા ચોરો ટ્રસ્ટ દ્વારા પણ કુલપતિને રજૂઆત કરવામાં આવી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, પ્રાપ્ત વિગતો અનુસાર આ બાબતે કુલપતિએ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને છાત્રા દ્વારા નામકરણ રજીસ્ટ્રેશન કરાયુ હોવાનું જણાવી રહ્યા છે. તો નવી પ્રજાતિની કરોડીયા ની શોધ કરનાર પ્રાધ્યાપક નરસિંહ મહેતાને વિશ્વ ફલક પર અને વિજ્ઞાનની દુનિયામાં લઈ જવા માટે આ નામ પસંદ કર્યું હોવાનું અને કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ઇરાદો ન હોવાનું જણાવી રહ્યા છે
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એક પ્રાધ્યાપક તથા છાત્રા દ્વારા તાજેતરમાં નવી પ્રજાતિના કરોળિયાની શોધ કરવામાં આવી હતી અને આ કરોળિયાને “નરસિંહ મહેતાઈ” નામ આપવામાં આવ્યું હતું જેનો નરસૈયાની નગરી જૂનાગઢના બુદ્ધિજીવીઓ, રાજકીય, સામાજિક લોકો દ્વારા ભારે નારાજગી સાથે સોશિયલ મીડિયામાં રોષ ઠલવાઈ રહ્યો છે. તો બીજી બાજુ આ બાબતે જૂનાગઢ સહિત પુરા ગુજરાતભરમાંથી પણ કરોળિયાનું નામ નરસિંહ મહેતા સાથે જોડવામાં આવતા નારાજગી ફેલાઈ છે.
દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ શશીનભાઈ નાણાવટીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી સાથે આ મામલે ટેલિફોનિક રજૂઆત કરી કરોળિયા સાથે નરસિંહ મહેતાના નામને જોડવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે નરસિંહ મહેતાનું નામ સંત પરંપરા, સાહિત્ય, ભક્તિ, આરાધના, ભજન સાથે જોડવામાં આવે તે સારી બાબત છે. પરંતુ નરસિંહ મહેતાનું નામ એક કરોડિયા સાથે જોડવામાં આવ્યું છે જે યોગ્ય નથી આવી જ કંઈક ચર્ચાઓ જૂનાગઢના સોશિયલ મીડિયામાં જોરશોરથી ચાલી રહી છે.
જૂનાગઢમાં ગંભીર રીતે ચાલી રહેલી ચર્ચા બાદ આ મામલે જુનાગઢ ના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી જણાવી રહ્યા છે કે યુનિવર્સિટીના એક પ્રાધ્યાપક અને એક છાત્રા એ કરોળિયાની શોધ કરી કરોળિયાનું નામકરણ રજીસ્ટર કરવામાં આવ્યું છે, અને આગામી બે દિવસમાં હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે. તો અધ્યાપક જતીન રાવલે જણાવ્યું હતું કે તેઓએ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નથી પરંતુ નરસિંહ મહેતાને વિશ્વ ફલક પર અને વિશ્વની દુનિયામાં લઈ જવા માટે તેઓએ આ નામ પસંદ કર્યું હતું.