ટ્યુશન કલાસીસના શિક્ષકે ધો.૧૦ની વિદ્યાર્થીનીને બાથ ભરી પજવણી કરી
રાજકોટમાં ગુરૂ અને શિષ્યના પવિત્ર સંબંધને કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્કૂલ અને ટયુશન કલાસના સંચાલકે એક તેને ત્યાં અભ્યાસ કરતી છાત્રા સાથે જાતિય સતામણી કરતા તેને પરિવાર દ્વારા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોધવામાં આવી હતી.કે મામલે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ મામલે પોલીસમાંથી મળતી માહિતી મુજબ ભોગ બનનાર છાત્રાના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની પુત્રીની ઉંમર સાડા સોળ વર્ષ છે. જેણે ગત માર્ચ માસમાં ધો.૧૦ની પરીક્ષા આપી હતી. જેમાં એક વિષયમાં નાપાસ થઈ હતી. જેની ફરીથી તૈયારી કરતી હતી. તેના જમાઈને માધવ હોલ પાસે આવેલી સંકલ્પ સ્કૂલમાં કોન્ટેક હોવાથી તેની પુત્રીને લઈને અઠવાડિયા પહેલા તે સ્કૂલમાં ગયા હતા. તે વખતે સ્કૂલના સંચાલક સંજય તુલશી ભંડેરીએ કહ્યું કે હું મારી સ્કૂલમાં ધો.૧૧ની કરાવીશ, સાથે ન્યુ સાગર સોસાયટીમાં મારૂ જીનિયસ કલાસીસ છે, ત્યાં તેને સાયન્સની તૈયારી કરાવીશ.પરિણામે છેલ્લા અઠવાડિયાથી તેની પુત્રી બપોરે સંકલ્પ સ્કૂલમાં ધો.૧૧ની તૈયારી કરવા અને સાંજે સ્કૂલ છૂટે ત્યારે જીનીયસ કલાસીસમાં ધો.૧૦ના સાયન્સની તૈયારી કરવા જતી હતી.
આજે સાંજે કારખાને હતા ત્યારે જમાઈએ કહ્યું કે તમારી પુત્રીની ગત શનિવારે ટયુશન કલાસમાં સંજય ભંડેરીએ છેડતી કરી છે. જેથી અત્યારે ત્યાં આવ્યા છીએ. બાદમાં ઝઘડો કરવાની વાત કરતા તેણે ના પાડી ફરિયાદ કરવાની વાત કરી હતી. પરંતુ તે પહેલાં તેના જમાઈ અને તેના મિત્રોએ સંજય ભંડેરી સાથે ઝઘડો કરી લીધો હતો. ત્યારબાદ પુત્રીને પૂછતા જણાવ્યુ કે, શનિવારે સાંજે તે કલાસીસે આવી હતી અને ઉપરના રૂમમાં ધોરણ ૧૧ અને ધો.૧૨ના કલાસમાં બેઠી હતી, ૧૫-૨૦ મીનીટ બાદ સંજય સર આવ્યા હતા અને હું તને લાઈક કરૂ છું, આ પછી અચાનક તેના બંને હાથ પકડી હગ કરી લીધી હતી. જેથી પરિવારે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય (ઉ.વ.૩૯ રહે. સ્વાતિપાર્કની બાજુમાં, જાનકી પાર્ક, કોઠારીયા ગામ)ની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.