આરોપીએ હત્યામાં વાપરેલી છરી પોલીસે કબ્જે કરી : આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે દિશામાં તપાસ
મોરબી નજીમ આવેલા સીરામીક એકમ દુષ્કર્મના ઇરાદે બાળકીનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરનાર આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા આરોપીની બે દિવસની પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવી છે. જ્યારે પોલીસે આરોપીએ હત્યામાં વાપરેલી છરી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રો પોલ ટાઇલ્સ પ્રાઇવેટ લીમિટેડ કારખાનાની ઓરડી નં. ૭૦માં રહેતા બલરામ મલખાન સહેરિયા ઉ.વ.૩૫ મૂળ ઉત્તરપ્રદેશ વાળા તથા તેમની પત્નિ અને નાની બાળકી પોતાની ઓરડીના રવેશમાં સુતા હતા. ત્યારે તેઓની બાજુની ઓરડી નં.૭૧માં રહેતા અતુલ રામનારાયણ નિશાદ ઉ.વ.૨૪ મૂળ ઉત્તરપ્રદેશ વાળો બાળકીને નીંદરમાં ઉપાડી ગયો હતો.
આ શખ્સ બાળકી સાથે બદકામ કરવાના ઇરાદે તેનું અપહરણ કરીને પોતાની ઓરડીમાં લાવ્યો હતો. ઓરડીમાં લાવ્યા બાદ બાળકી નીંદરમાંથી જાગી જ્તા આરોપીને બૂમાબૂમ થાય તેનો ડર લાગતા બાળકીને ચૂપ કરાવવાની કોશિશ કરી હતી. આમ છતા બાળકી ચૂપ ન રહેતા આરોપીએ બાળકીના ગળા પર નિર્દયતા પૂર્વક છરીનો ઘા ઝીંકી તેનું મોત નિપજાવ્યું હતું.
તાલુકા પીએસઆઈએ જણાવ્યું કે આરોપીએ હત્યામાં વાપરેલી છરી ઓરડીની પાસેની ગટરમાં ફેંકી દીધી હતી. આ છરી પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી છે. આ સાથે પોલીસે મેડિકલ પુરાવા કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.